• રવિવાર, 13 જુલાઈ, 2025

ઈરાને દાગી 400 મિસાઈલ : ઈઝરાયલે નિશાન બનાવ્યા 20 પરમાણુ ઠેકાણાં

યુદ્ધનો છઠ્ઠો દિવસ : ઈરાન રક્તરંજિત, મૃત્યુઆંક 585 : ઈઝરાયલમાં 24નાં મૃત્યુ, 800 ઘાયલ: ઈરાનમાં 1100 ઠેકાણા તબાહ કર્યાનો ઈઝરાયલનો દાવો, અઠવાડિયામાં સૈન્ય અભિયાન થશે પૂરું

ખામેનેઈએ યુદ્ધનું એલાન કરતાં અમેરિકાને આપી ધમકી : વચ્ચે આવશે તો અમેરિકા પણ ભોગવશે : શરણાગતિ ક્યારેય નહીં

નવીદિલ્હી, તા.18: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઈરાનનાં સર્વોચ્ચ નેતા ખામેનેઈ બિનશરતી શરણાગતિની ચેતવણી આપ્યા બાદ આજે છઠ્ઠા દિવસે ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો ઘાતક ટકરાવ વધુ ભીષણ અને ભયંકર બની ગયો હતો. અમેરિકાની ધમકી બાદ ખામેનેઈએ ઈઝરાયલ સામે જંગનું સત્તાવાર એલાન કરી નાખ્યું હતું અને અમેરિકાને પણ ધમકી આપી હતી  કે, જો આ ઘર્ષણમાં અમેરિકાની ભૂમિકા સામે આવશે તો તેનાં હિતો ઉપર પણ હુમલો બોલાવી દેવામાં આવશે. બીજીબાજુ ઈઝરાયલે દાવો કર્યો છે કે, હવે ઈરાન સામેનાં સૈન્ય અભિયાનને પૂરું કરવામાં એક અઠવાડિયા જેટલો જ સમય લાગશે.

ઈઝરાયલનાં પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂનાં કાર્યાલયે આપેલી સત્તાવાર જાણકારી અનુસાર ઈરાને અત્યાર સુધીમાં ઈઝરાયલ ઉપર 400થી વધુ મિસાઈલ અને ડ્રોન દાગ્યા છે. આ હુમલાઓમાં ઈઝરાયલનાં 40 જેટલા સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતાં. ઈઝરાયલની સેનાનાં કહેવા અનુસાર તેનાં લડાકૂ વિમાનો અને ડ્રોને અત્યાર સુધીમાં ઈરાનની ભીતર 1100થી વધુ ઠેકાણાને તબાહ કર્યા છે. જેમાં પરમાણુ સંવર્ધન કેન્દ્ર, બેલિસ્ટિક મિસાઈલ લોન્ચર, એર ડિફેન્સ સિસ્ટમ અને કમાન્ડ હેડક્વાર્ટર પણ સામેલ છે. ઈરાનની આ સૈન્ય કાર્યવાહીમાં ઈઝરાયલનાં 24 લોકોનાં મૃત્યુ થયા છે અને 800થી વધુ ઘવાયા છે.

જાણવા મળતી યુદ્ધની વિગતો અનુસાર ઈરાને ઈઝરાયલ સામે જવાબી કર્યાવાહીમાં હાઈપર સોનિક મિસાઈલ ફતહ-1 પણ દાગી હતી. અત્યારે ચાલતા જંગમાં પહેલીવાર આ મિસાઈલનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જવાબમાં ઈઝરાયલે પણ તેહરાન પાસે હવાઈ હુમલા તેજ બનાવી દીધા હતાં.

આજે સવારે ઈઝરાયલે તેહરાનને ધણધણાવતી હુમલાનો નવો સિલસિલો શરૂ કરી નાખ્યો હતો. જેને પગલે ઈરાનની રાજધાનીમાં દહેશતગ્રસ્ત લોકોને તાત્કાલિક પલાયન કરવાની ફરજ પડવા માંડી હતી. મંગળવારની રાતે પણ પૂર્વ અને પશ્ચિમ તેહરાનમાં પ્રચંડ ધડાકાઓ ગુંજતા રહ્યા હતાં. ઈઝરાયલનો દાવો છે કે, ઈરાનનાં પરમાણુ કાર્યક્રમ સંબંધિત 20 ઠેકાણાને 50 યુદ્ધવિમાનોથી નિશાન બનાવવામાં આવ્યા હતાં. ઈરાનમાં અત્યાર સુધીમાં 585થી વધુ લોકોનાં મૃત્યુ ઈઝરાયલી હુમલાઓમાં થયા હોવાનું માનવામાં આવે છે.

ઈઝરાયલ આ યુદ્ધમાં ભલે ઈરાનને ગંભીર નુકસાન પહોંચાડયાનો દાવો કરી રહ્યું હોય પણ અમેરિકાનાં ગુપ્તચર અહેવાલોનાં હવાલેથી આવી રહેલા સમાચાર અનુસાર ઈઝરાયલની હવાઈ રક્ષા પ્રણાલી(એર ડિફેન્સ સિસ્ટમ) ઈરાનનાં મિસાઈલમારામાં ભારે દબાણમાં આવી ગઈ છે. ઈઝરાયલનાં લોંગ રેન્જ ઈન્ટરસેપ્ટરનો પુરવઠો ઝડપથી ખતમ થઈ રહ્યો છે અને તેની પાસે હવે 10થી 12 દિવસ ચાલે તેટલો જ જથ્થો બચ્યો હોવાનું કહેવાય છે. જો ઈરાન તરફથી આટલી જ ગતિએ હુમલા જારી રહેશે તો ઈઝરાયલ પણ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે.

ટ્રમ્પ તરફથી ઈરાનને શરણાગતિની ચેતવણી આપવામાં આવ્યા બાદ ઈઝરાયલનાં પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂનું જોર બમણું થયું હોય તેવી રીતે આજે સવારથી ઈરાનમાં તબાહી મચાવતા હુમલા શરૂ થયા હતાં. ત્યારબાદ ઈરાનનાં સુપ્રીમો અયાતુલ્લા અલી ખામેનેઈએ ટીવી ઉપર દેશને કરેલા સંબોધનમાં સાફ શબ્દોમાં કહી દીધું હતું કે, ઈરાન ક્યારેય શરણાગતિ સ્વીકારશે નહીં. આ યુદ્ધમાં ઈરાનની જનતા પોતાનાં શહીદોનાં લોહીને ક્યારેય ભૂલશે નહીં. ઈરાનની વાયુસીમાનું ઉલ્લંઘન કરનારાઓને માફ નહીં કરવામાં આવે. અમેરિકાએ પણ ભૂલવું ન જોઈએ કે તેનો કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ સામે આવશે તો અમેરિકાને પણ ક્યારેય પૂરાય નહીં તેવી હાનિ વેઠવાનો વારો આવશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025