• રવિવાર, 13 જુલાઈ, 2025

સોમનાથ મહાદેવને મેઘરાજાનો જળાભિષેક : વેરાવળ-સોમનાથમાં 3.5 ઈંચ

સુત્રાપાડા 3.25, કોડિનાર 3, ગીરગઢડા 2.5, તાલાલા-ઉના-ગડુ 2, ડોળાસા-કેશોદ 1.5, માળિયા હાટીના-માંગરોળ 1, મેંદરડા 0.5 ઇંચ

જનડા પાસેનો શિખાતરાં નદીનો પુલ તૂટયો : પોરબંદરના મહીયારીથી ઘેડ-બગસરા તરફ જતો રસ્તો કરવો પડયો બંધ

રાજકોટ તા.18: મોટાભાગે રાજયમાં ચોમાસાનું આગમન દક્ષિણ ગુજરાતથી પ્રવેશતું હોય છે પરંતુ આ વખતે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાંથી પઘરામણી કરી છે અને બોણીમાં જ ધોધમાર વરસાદ વરસતા નદી-નાળા છલકાયા છે. એવામાં આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બીરાજમાન સોમનાથ મહાદેવને  મેઘરાજા જલાભિષેક કરતા હોય એવા દૃશ્યો જોવા મળ્યા હતા. આજે ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક 2થી 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત જૂનાગઢ સહિતના જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે ઝાપટા અને ધીમીધારે વરસાદ વરસ્યો છે તેમજ છેલ્લા બે દિવસમાં ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં લોકો ફસાયા હોવાના બનાવો બન્યા હતા. બે દિવસમાં રાજ્યભરમાંથી 120 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જ્યારે 584 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. રાજ્યમાં ચોમાસા દરમિયાન બનેલી વિવિધ ઘટનામાં અત્યારસુધીમાં 18 લોકોના મૃત્યુ થયા છે તેમજ વીજળી પડવાથી તેમજ ભારે પવનના કારણે વીજપોલ પડવાથી હજુ 241 ગામમાં વીજળી પૂર્વવત કરવાની બાકી છે તેમજ 579 વીજપોલ જ્યારે 25 ટ્રાન્સફોર્મર પર કામગીરી હાલ ચાલુ છે.

વેરાવળ: આજે વહેલી સવારથી સમગ્ર ગીર સોમનાથ જીલ્લામાં વાદળછાયા વાતાવરણ છવાયેલુ હતુ અને ધીમીધારે મેઘરાજાએ પધરામણી કરી હેત વરસાવવાનું શરૂ કર્યુ હતુ. આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં જિલ્લાના છએય તાલુકાઓમાં પડેલ વરસાદના આંકડા જોઈએ તો વેરાવળમાં 82 મીમી (3.5 ઈંચ), તાલાલામાં 45 મીમી (2 ઈંચ),  સુત્રાપાડામાં 75 મીમી (3 ઈંચ), ગીરગઢડામાં 60 મીમી (2.5 ઈંચ) અને ઉનામાં 44 મીમી (2 ઈંચ) જેવો વરસાદ વરસ્યો હતો. જિલ્લા ચોમાસાની સિઝનનો પ્રથમ વરસાદ એકી સાથે છએય તાલુકામાં વરસતા ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોમાં રાહત જોવા મળી રહી હતી તો ખેડૂતો વાવણી કાર્યમાં મસગુલ બની ગયા હતા. ચોમાસાની સીઝનના પ્રારંભે જ આજે જીલ્લા મથક વેરાવળ સોમનાથમાં પડેલા 3.5 જેટલા વરસાદએ ઠંડક પ્રસરાવી દીધી હતી. બપોરે બેએક કલાક ધોધમાર વરસાદ વરસેલ જેના પગલે શેરી અને રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. એક તબક્કે ભરાયેલા વરસાદી પાણી વરસાદ બંધ થઈ જતા ગણતરીના સમયમાં ઉતરી જતા લોકોએ રાહતની લાગણી અનુભવી હતી. આજે વરસતા વરસાદ વચ્ચે મેઘરાજા સ્વયં સોમનાથ મહાદેવને જલાભિષેક કરતા હોય તેવા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા.

બોટાદ: ગઢડા તાલુકાના જનડા પાસેનો શિખાતરા નદી પરનો પુલ તુટ્યો હતો. પુલ તૂટવાથી વાડી વિસ્તારના ખેડૂતો તથા વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે.

કોડીનાર: શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે. આજે દિવસ દરમિયાન 3 ઇંચ વરસાદ સાથે કુલ 122 મિમી વરસાદ નોંધાયો હતો. શહેરમાં સવારે 10થી સાજે 6 સુધી ધીમી ધારે વરસાદ શરૂ રહ્યો હતો. જેમાં 65મીમી વરસાદ પડ્યો અને હજુ વરસાદી માહોલ છવાયો છે.

તાલાલા ગીર: શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં સવારથી ધીમીધારે શરૂ થયેલ વરસાદ બે ઈંચ જેટલો પડ્યો છે. આ ઉપરાંત ગીરના જંગલમાં આવેલા તાલાલા પંથકની જીવાદોરી સમાન કમલેશ્વર ડેમ ઉપર પણ બે ઈંચ જેટલો થયો છે. તાલાલા પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘ મહેરથી આખા પંથકમાં મોસમનો ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. પંથકની જીવાદોરી સમાન ગીરના જંગલમાં આવેલા કમલેશ્વર ડેમમાં આ મોસમનું એક ફુટ નવું પાણી આવ્યું છે. એક ફુટ પાણી આવતા ડેમની પાણીની સપાટી 21 ફુટ થઈ છે.

ડોળાસા : ડોળાસા અને આજુબાજુના ગામોમાં આજે સવારના દસ વાગ્યાથી ધીમીધારનો વરસાદ ચાલુ થયો હતો. જે સાંજના ચાર વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. આ દરમ્યાન 38 મી.મી.વરસાદ પડી ગયો છે. તા.16ના રોજ પણ 39 મી.મી.વરસાદ થયો હતો. આમ ત્રણ દિવસમાં ત્રણ ઇંચ વરસાદ પડી જતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

માળીયાહાટીના: છેલ્લા ત્રણ દિવસ થયા ઝરમર ઝરમર ધીમીધારે વરસાદ વરસે છે. આજે સવારના દસ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધીમાં એક ઇંચ જેટલું પાણી પડ્યું છે. લોકો અને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.

સલાયા: માત્ર એક ઇંચ વરસાદમાં રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. અનેક શેરીઓમાં પાણી ભરાયા હતા. હાલ સફાઈ બાબતે નગર પાલિકા દ્વારા નક્કર પગલા નહીં ભરતા ગટરો પણ જામ હોઈ પાણી રોડ ઉપર ભરાઈ ગયા હતા. જેના લીધે અનેક ઘરોમાં વરસાદ અને ગટરના પાણી ઘૂસ્યા હતા. રોડ ઉપર કચરાના ઢગલા પડ્યા છે.

પોરબંદર: અરબી સમુદ્રના કિનારે આવેલા પોરબંદર જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે ત્યારે એન.ડી.આર.એફ.ની ટીમનું આગમન થયુ છે. ભારે વરસાદ આગાહીના પગલે પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર 0286-2220800 અને 0286-2220801 પર સંપર્ક કરી શકાશે તેમજ તાલુકા કક્ષાએ પણ કંટ્રોલરૂમ ચાલુ કરવામાં આવ્યા છે. મહીયારીથી ઘેડ બગસરા તરફ જતા રસ્તે નવાબ્રીજનું કામ ચાલુ છે. તેથી અવરજવર માટે બાજુમાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યુ હતુ. વરસાદને કારણે નદીમાં જળસપાટી વધતા પાણીનો નિકાલ કરવો પડે તેમ હોવાથી આ ડાયવર્ઝનવાળો રોડ તોડીને પાણીનો નિકાલ કરવાની ફરજ પડી હતી તેના કારણે મહીયારીથી ઘેડ બગસરા તરફના વાહનવ્યવહારને પણ બંધ કરવાની ફરજ પડી હતી.

જૂનાગઢ: જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા ધમરોળી રહયા છે. વાવણીલાયક વરસાદ થયો પણ વરાપ ન નીકળતા ખેડૂતો વાવણી કરી શકતા નથી. ત્યાં આજે સવારે એકાએક કેશોદમાં ધોધમાર 1.5 તથા માંગરોળમાં 1 અને મેંદરડામાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો હતો.

ગડુ: ગડુ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ દિવસથી સતત વરસાદી વાતાવરણ છે. આજે બેથી ત્રણ ઇંચ વરસાદ પડયો હતો. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ છે. વાવણી લાયક વરસાદ પડતા હવે ખેડૂતો વાવણીના શ્રીગણેશ કરશે.

સુત્રાપાડા:  શહેર અને આજુબાજુના વિસ્તારમાં આજે વરસાદ વરસ્યો હતો. ખેડૂતોએ વાવેલા આગોતરા વાવેતરમાં પણ મોલને એક નવું જીવનદાન મળ્યું છે ત્યારે સુત્રાપાડા પંથકમાં વાવણી લાયક વરસાદ પણ થઈ ચૂક્યો છે હાલ તો સુત્રાપાડા પંથકમાં ખેડૂતો ખુશાલ જોવા મળી રહ્યા છ, આજે 3.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

ભાવનગર: ભાલ પંથકમાં માઢીયા ગામે ખીમજીભાઈ સામતભાઈ સોલંકી નામના આધેડ પોતાના ઘરમાં પાણી ઘૂસી ગયુ હોવાથી તેઓ ઘરનો સામાન ફેરવી રહ્યા હતા. તે સમયે અચાનક તેમને ચક્કર આવતા તેઓ બેભાન થઈ અને પાણીમાં ડૂબી ગયા હતા. જેની જાણ આજુબાજુના લોકોને થતા તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.

ખેડૂતો વાવણીની તૈયારીમાં જોતરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસમા સર્વત્ર વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. દ્વારકા તથા કલ્યાણપુરમાં બે- બે ઇંચ અને ખંભાળીયામાં સવા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ખંભાળીયામાં દોઢ ઇંચ વરસાદ પડતાં સર્વત્ર વરસાદ નોંધાયો છે ગઈકાલે કલ્યાણપુર તાલુકામા એકજ સાથે ચાર ચાર ઇંચ વરસાદ પડતાં નદીઓમાં પુર નીકળી ગયા હતા. તો ઢગલાબંધ ચેકડેમો પણ છલકાઈ ગયા હતા તો અનેક તળાવોમાં પણ નવા પાણી આવ્યા હતા. તથા સર્વત્ર વાવણી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

ચાર જેટલા સાયકલોન સેન્ટર કાર્યરત

પોરબંદર જિલ્લો દરિયાઇપટ્ટી પર આવેલો હોવાથી અવારનવાર સાયકલોન આવતા હોય છે. દર વર્ષે અરબી સમુદ્રમાં ઉદ્ભવતા વાવાઝોડાની અસર પોરબંદર જિલ્લાને થતી હોય છે તેથી પોરબંદર જિલ્લાની દરિયાઇપટ્ટી ઉપર પોરબંદરથી માધવપુર સુધીમાં ત્રણ સાયકલોન સેન્ટર, ટુકડા-ગોસા, ઉંટડા અને ગોરસર ગામે કાર્યરત છે તો પોરબંદરથી દ્વારકા તરફની દરિયાઇપટ્ટી ઉપર પાલખડા ગામે પણ સાયકલોન સેન્ટર કાર્યરત છે જ્યાં સ્થળાંતર સહિતની બચાવ કામગીરી માટે જવાનો હંમેશા તત્પર રહે છે.

રાજ્યમાં 189 રસ્તાઓ બંધ

રાજ્યમાં 10 સ્ટેટ હાઇવે, 25 અન્ય માર્ગો, 153 પંચાયતના માર્ગો અને 1 નેશનલ હાઇવે સહિત કુલ 189 રસ્તાઓ ભારે વરસાદના પગલે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ જિલ્લાના 6, આણંદના 1, કચ્છના 2, નવસારીના 1, રાજકોટના 3, મોરબીના 5, સુરેન્દ્રનગરના 16, ભાવનગરના 98, બોટાદના 35, અમરેલીના 21 અને પોરબંદરનો 1 રસ્તો હાલ બંધ રાખવામાં આવ્યો છે. સ્થિતિ સામાન્ય થયા બાદ વાહન વ્યવહાર માટે પુન: કાર્યરત કરવામાં આવશે.

ભાવનગરના નારી-માઢીયા રોડ પાસે ભાલ વિસ્તારમાંથી 58 લોકોનું રેસ્ક્યૂ

ભાવનગર તાલુકાના નારી-માઢીયા રોડ પાસે ભાલ વિસ્તારમાંથી 58 લોકોને મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. ડિઝાસ્ટર વિભાગને ભાલ વિસ્તારમાં પાણીમાં ફસાયા હોવાનો કોલ મળતા ફાયર વિભાગ અને ગ્રામ્ય મામલતદારની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા નારી-માઢીયા રોડ પાસે ભાલ વિસ્તારમાંથી 10 નાળાથી 2 કિલોમીટર સુધી નદી વિસ્તારમાંથી રેસ્ક્યુ કરી કુલ 58 લોકોની બચાવ કામગીરી કરવામાં આવી હતી. જેમાં 39 પુરુષ, 10 સ્ત્રી અને 9 બાળકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

ચોમાસું દક્ષિણ ગુજરાતમાંથી નહીં સૌરાષ્ટ્રમાંથી પ્રવેશ્યું

ગુજરાતમાં વરસાદની બદલાયેલી પેટર્ન આજે રાજ્યમંત્રી મંડળની બેઠકમાં છવાયેલી રહી હતી. ચોમાસાનું આગમન સામાન્યત: દક્ષિણ ગુજરાતી પ્રવેશ કરતા થતું હોય છે અને ગુજરાતમાં 20મી જૂનની આસપાસ આવતું હોય છે. આ વખતે ચોમાસું સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી પ્રવેશ્યું અને જે ઝડપથી રાજ્યમાં વિસ્તર્યું તે ચર્ચામાં મુખ્ય મુદ્દા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આજે મંત્રીમંડળની બેઠકમાં રજૂ થયેલી વિગતો પ્રમાણે 54 જેટલા તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે. રાજ્યમાં રવિ સિઝનની વાવણી પણ વેગીલી બની છે. રાજ્યમાં ઝોનવાઇઝ સીઝનના થયેલા વરસાદની વિગતો પ્રમાણે કચ્છ રિજીયોનમાં સીઝનનો 17.55 ટકા, ઉત્તર ગુજરાતમાં 5.75%, ઇસ્ટ સેન્ટ્રલ ગુજરાતમાં 9.76%, સૌરાષ્ટ્રમાં 19.18%, અને દક્ષિણ ગુજરાતમાં 5.45% વરસાદ થયો છે. રાજ્યમાં રવિ સિઝનનું વાવેતર સરેરાશ 4% જેટલું નોંધાયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025