ધરપકડ
બાદ પોલીસ સ્ટેશનમાં કીર્તિ હાસ્ય કરતી જોવા મળી
સુરત,
તા.18: સુરતમાં એક વર્ષ પહેલા બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગી અને સો.મીડિયામાં બદનામ
કરવાના પ્રકરણમાં સોશિયલ મીડિયામાં વીડિયો બનાવતી કીર્તિ પટેલ સહિત 7 લોકો વિરૂદ્ધ
જૂન 2024માં ગુનો નોંધાયો હતો. જેમાં છેલ્લા 10 મહિનાથી નાસતી ફરતી કીર્તિ પટેલને પોલીસે
અમદાવાદથી ઝડપી લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના બિલ્ડર વજુ કાત્રોડિયા
અને વિજય સવાણીનો અગાઉ એક પ્રોપર્ટીની લેતીદેતી મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.
આ કેસ 2024માં બોર્ડ પર આવવાનો હોવાથી વિજય સવાણી અને તેના સાગરીતો સાથે મળીને વજુ
કાત્રોડિયા પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા ઈચ્છતો હતો. એટલા માટે વિજય સવાણીએ કીર્તિ
પટેલ અને તેના સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાત્રોડિયાને બદનામ કરવાના
કાવતરા કર્યા હતા.
વજુ
કાત્રોડિયાના ફોટા સાથે કીર્તિ પટેલ અને વિજય સવાણીએ રીલ્સ અપલોડ કરી હતી. કીર્તિ પટેલ
તેમજ અન્ય સાગરીતો દ્વારા યેન કેન પ્રકારે માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ
કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. બિલ્ડર પાસેથી રૂપિયા બે કરોડ સુધીની ખંડણી
પણ માગવામાં આવી હોવાનું નોંધવામાં આવ્યું હતું.
આ કેસમાં
છેલ્લા એક વર્ષથી નાસતી ફરતી કીર્તિ પટેલને પોલીસે બાતમીના આધારે અમદાવાદથી ઝડપી લાવી
કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે
કીર્તિ પટેલને પોલીસ લઈને આવતી હતી ત્યારે પણ તે હસતી હતી અને ધરપકડ બાદ પણ તેના તેવર
ઓછા ન થયા હોય એવું લાગી રહ્યું હતું.