તપાસ ટીમ 12 જૂન બપોરે 1 વાગીને 38 મિનિટ પછીના ફોટો અને વીડિયોની તપાસ કરશે
અમદાવાદ,
તા.20 : અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાની હાલમાં તપાસ ચાલી રહી છે. આ દુર્ઘટના
સ્થળ પરથી ફોરેન્સિક અને પોલીસ ટીમને 100થી વધુ મોબાઈલ ફોન મળ્યા છે. જે ખૂબ ખરાબ રીતે
બળી ચૂક્યા છે. જોકે, ફોરેન્સિક ટીમ આ ફોન્સમાં સેવ ડેટા (વીડિયો અને ફોટા)ની તપાસ
કરવાની તૈયારી કરી રહી છે. તપાસ ટીમ 12 જૂનની બપોરે 1 વાગ્યાને 38 મિનિટ પછીના વીડિયો
અને ફોટાની તપાસ કરશે. મહત્ત્વનું છે કે, પોલીસનો પ્રયાસ છે કે આ મોબાઈલ ફોનમાંથી ઘટનાના
અંતિમ ક્ષણોમાં કેદ થયેલા ફોટા અને વીડિયો જોઈ શકાય. જેથી 30થી 40 સેકન્ડના એ સમયગાળામાં
શું થયું તેનો અંદાજ લગાવી શકાય. આ મોબાઈલ ફોનની તપાસ અંગે અમદાવાદના પોલીસ કમિશનર
જી.એસ. મલિકે જણાવ્યું કે, બપોરે 1 વાગ્યાને 40 મિનિટ પછીનો દરેક ફોટો અને વીડિયો અમારા
માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. અકસ્માતના કાટમાળમાંથી 100થી વધુ મોબાઈલ ફોન મળી
આવ્યા છે. જોકે આમાંથી ઘણા ફોન ક્ષતિગ્રસ્ત છે, ફોરેન્સિક નિષ્ણાતો આ ઉપકરણોમાંથી ડેટા,
ફોટા અને વીડિયો કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે એ જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે
શું આ ફોનમાં કોઈ એવા ફોટા કે વીડિયો છે જે અકસ્માતની ક્ષણને કેદ કરે છે. આ તપાસ માટે
મહત્ત્વપૂર્ણ સંકેતો સાબિત થઈ શકે છે. એક 17 વર્ષના છોકરા દ્વારા બનાવેલા વીડિયો, જેમાં
વિમાન નીચે પડી ગયું અને આગમાં લપેટાઈ ગયું તે ક્ષણને કેદ કરવામાં આવી હતી, તે પહેલાથી
જ તપાસકર્તાઓ માટે એક મહત્ત્વપૂર્ણ પુરાવો બની ગયો છે. હવે આ ફોન નવી આશાઓ જગાડી રહ્યા
છે.
ગુમ
થયેલા ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું
પ્લેન ક્રેશમાં મૃત્યુ થયાની પુષ્ટિ
અમદાવાદના
મેઘાણીનગર વિસ્તારમાં 12મી જૂને સર્જાયેલી વિમાન દુર્ઘટનાના પડઘા હજી પણ વ્યાપક રીતે
અનુભવાઈ રહ્યા છે. આ દુર્ઘટનામાં જાણીતા સ્થાનિક ફિલ્મમેકર મહેશ કાલાવાડિયા કે જે મહેશ
જીરાવાલા તરીકે પણ ઓળખાતા હતા, તેઓ ગુમ થયાની ચિંતાજનક માહિતી સામે આવી હતી. પોલીસે
અથાગ મહેનત બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલાનો ડીએનએ કરાવતા ડીએનએ ટેસ્ટ મેચ થયો હતો. આમ
છતાં તેમનો પરિવાર માનવા તૈયાર ન હતો કે, તે મૃતદેહ મહેશનો છે. પોલીસે આ મામલાની સઘન
તપાસ ચાલુ રાખી હતી અને પ્લેન ક્રેશ સાઇટ પર સળગેલા વાહનોના ચેસીસ નંબર અને એન્જિન
નંબરના આધારે તપાસ કરવામાં આવી હતી. તેમાં એક એક્ટિવા સળગેલી હાલતમાં મળી આવ્યું હતું
અને તેનો એન્જિન નંબર અને ચેસીસ નંબર પણ મહેશભાઇના એક્ટિવા સાથે મેચ થયા હતા પરિણામે
મહેશભાઇના પરિવાર પર આભ તુટી પડયું હતું. પોલીસની સમજાવટ બાદ આખરે પરિવારે મહેશભાઇનો
મૃતદેહ સ્વીકાર્યો હતો.