• રવિવાર, 13 જુલાઈ, 2025

એકધારા મિસાઈલો દાગતા ઈઝરાયલ-ઈરાન

ઈઝરાયલે ઈરાનનાં એક પ્રમુખ યુએવી કમાન્ડરને ખતમ કરી નાખ્યા અને પરમાણુ સંશોધન કેન્દ્રને બનાવ્યું નિશાન : ઈરાને તેલઅવીવ અને હાઈફાને ધણધણાવ્યા : અમેરિકાએ હાલનાં તબક્કે યુદ્ધમાં નહીં ઝૂકાવવા આપ્યો સંકેત

નવીદિલ્હી, તા.21: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધમાં 9મા દિવસે પણ શાંતિનાં કોઈ અણસાર મળ્યા નથી. બન્ને દેશની સેનાઓ એકધારી મિસાઈલો વરસાવી રહી છે. ઈઝરાયલે ઈરાનનાં એક પ્રમુખ યુએવી કમાન્ડરને ખતમ કરી નાખ્યા હતાં અને પરમાણુ સંશોધન સ્થાન ઈસ્ફહાન ઉપર પણ હુમલો બોલાવી દીધો હતો. તો ઈરાને પણ જરાય ઓછું નહીં ઉતરતા ઈઝરાયલમાં તેલઅવીવ અને હાઈફા જેવા પ્રમુખ શહેરોને જ ધડાકા કરીને ખળભળાવી મૂક્યા છે. બીજીબાજુ અમેરિકાએ હાલનાં તબક્કે ઈરાન ઉપર સીધી આક્રમણ નહીં કરવાનાં સંકેત ચોક્કસ આપ્યા છે પણ વારંવાર ફેરવી તોળતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનની આક્રમકતાને કોઈપણ સંજોગોમાં સાંખી લેવાશે નહીં તેવું પણ સાથોસાથ ઉમેરતા રહે છે.

ઈઝરાયલની વાયુસેનાએ ઈરાનનાં જે યુએવી કમાન્ડરને ખતમ કરી નાખ્યા છે તે ઈઝરાયલ ઉપર કરવામાં આવેલા ડ્રોન હુમલાનો દોરીસંચાર ચલાવતા હતાં. અત્યાર સુધીમાં પરમાણુ વૈજ્ઞાનિક સહિત ઈરાન આ યુદ્ધમાં અનેક ટોચનાં અધિકારીઓ અને કમાન્ડરો ગુમાવી ચૂક્યું છે. ઈઝરાયલે ઈસ્ફહાન સ્થિત ઈરાનનાં પરમાણુ સંશોધન કેન્દ્ર ઉપર પણ જોરદાર હુમલો કર્યો છે. આ હુમલાનો પ્રચંડ વિસ્ફોટ સમગ્ર શહેરમાં સંભળાયો હતો પણ હજી સુધી રેડિએશન લીકેજનાં કોઈ અહેવાલો આવ્યા નથી.

સામે છેડેથી ઈરાનની બેલિસ્ટિક મિસાઈલોએ ઈઝરાયલમાં રાજધાની તેલઅવીવ અને હાઈફાનાં પોર્ટસિટીમાં મિસાઈલો દાગી દીધી હતી. હાઈફામાં એક ઈમારતમાં એક મિસાઈલ ત્રાટકતા 21 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

ઈરાનનાં સ્વાસ્થ્ય મંત્રાલયનાં કહેવા અનુસાર અત્યાર સુધીમાં ઈઝરાયલનાં હુમલામાં કુલ 657 લોકો મરાયા છે. બીજીબાજુ ઈઝરાયલમાં કમસેકમ 24 લોકોનાં મોત થયા હોવાનું કહેવાય છે.

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે આ ઘર્ષણમાં હાલ સમજૂતીની કોઈ સંભાવના દેખાતી નથી. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની પણ અણધારી નિવેદનબાજી સ્થિતિ કળવા દેતી નથી. તેમણે હવે કહ્યું છેક ઁ, તેઓ કૂટનીતિનાં માર્ગેથી જંગને સમાપ્ત કરવા માગે છે પણ અત્યારે તો ઈઝરાયલને ઈરાન ઉપર હવાઈ હુમલા રોકવાનું કહેવું કઠિન છે. બીજીબાજુ અમેરિકા ઈઝરાયલને મદદ પણ કરી રહ્યું છે.

ઈઝરાયેલે પોતાની મંશા સ્પષ્ટ કરી દીધી છે કે, તે ઈરાનનાં પરમાણુ ઠેકાણાઓને નષ્ટ કરી નાખવા માગે છે. જો કે આની સામે યુનોની પરમાણુ નિરીક્ષણ એજન્સીનાં પ્રમુખ રાફેલ ગ્રોસીએ ચેતવણી ઉચ્ચારી છે કે, પરમાણુ ઉર્જા સંયંત્રને નિશાન બનાવવામાં આવે તો મધ્યપૂર્વમાં પરમાણુ આફત આવી શકે છે. આવા હુમલાનાં પરિણામો વિનાશક સાબિત થઈ શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025