• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

ટ્રમ્પની ગાજ : 7 ભારતીય કંપની પર પ્રતિબંધ

ઈરાન સાથે ક્રૂડ- રસાયણનો કરોડોનો કારોબાર કરવાની સજા આપી

વોશિંગ્ટન, તા.31 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાણે આદું ખાઈને ભારતની પાછળ પડી ગયા છે. રપ ટકા ટેરિફ અને લટકામાં પેનલ્ટી લાદ્યા બાદ પણ સંતોષ થયો ન હોય તેમ હવે 7 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યો છે. ઈરાન પાસેથી ક્રૂડની ખરીદી  કરવા પર આ સજા આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ટ્રમ્પ સરકારે આરોપ લગાવ્યો છે કે આ ભારતીય કંપનીઓએ ઈરાનની ઓઈલ કંપનીઓ સાથે ગુપચુપ કરોડો ડોલરનો ધંધો કર્યો છે જે નાણાનો ઉપયોગ ઈરાને આતંકી ફન્ડિંગ માટે કર્યો છે. ઈરાન પાસેથી રસાયણ અને પેટ્રોકેમિલ્કસની ખરીદી કરતી કુલ ર4 કંપનીઓ પર ટ્રમ્પે પ્રતિબંધ લગાવ્યો છે જેમાંભારતની 7 સામેલ છે. ભારતની 7 ઉપરાંત ચીનની 7, યુએઈની 6, હોંગકોંગની 3  અને તુર્કીયે તથા રશિયાની અન્ય કંપનીઓ તેમાં સામેલ છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે આ પ્રતિબંધનું એલાન કર્યુ હતુ. મંત્રાલય અનુસાર આ કંપનીઓએ ર0ર4માં ઈરાન પાસેથી 1000 કરોડ રુપિયાથી વધુના ઉત્પાદનો યૂએઈના રસ્તેથી મગાવ્યા હતા. ઈરાન આ નાણાંથી પરમાણુ કાર્યક્રમ આગળ વધારી રહ્યું છે અને આતંકી ફન્ડિંગ કરી રહ્યું છે. જે ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ લગાવાયો છે તેમાં કંચન પોલિમર્સ, એલકેમિકલ સોલ્યુશન્સ પ્રા.લી., રમણિકલાલ એસ.ગોસાલિયા એન્ડ કંપની, જુપિટર હાઈકેમ પ્રા.લી., ગ્લોબલ ઈન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ લી., પર્સિસ્ટેન્સ પેટ્રોકેમ તથા ઈએનએસએ શિપ મેનેજમેન્ટ પ્રા.લી. સામેલ છે. ઈરાન પાસે દુનિયાનો ચોથો સૌથી મોટો ક્રૂડ ભંડાર છે અને તેનું અર્થતંત્ર મોટેભાગે ક્રૂડના વેપાર પર આધારિત છે. અમેરિકાએ ઈરાન પર આકરા પ્રતિબંધો લાદેલા છે જે હ વે વધુ કડકાઈથી લાગુ કર્યા છે.

 

ટ્રમ્પ ટેરિફ : સરકારે કહ્યું, રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે જરૂરી પગલાં લેવાશે

 

નવી દિલ્હી, તા.31: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર 2પ ટકા ટેરિફ અને પેનલ્ટી લાદવાની ઘોષણા બાદ આજે ભારત સરકાર તરફથી આ મુદ્દે સંસદમાં અધિકૃત પ્રતિક્રિયા આપવામાં આવી હતી. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે આજે લોકસભામાં કહ્યું હતું કે, સરકાર દેશનાં રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે જરૂરી બધા જ પગલા ભરશે. સરકાર હાલ 2પ ટકા ટેરિફનાં અમેરિકાનાં નિર્ણયની અસરો ચકાસી રહી છે. દરમિયાન સૂત્રોનાં હવાલેથી આવી રહેલા અહેવાલો અનુસાર અમેરિકાનાં ટેરિફ સામે ભારત કોઈ જવાબી પ્રતિક્રિયા નહીં આપે બલ્કે ચર્ચાનાં ટેબલ ઉપર જ બધા મુદ્દાઓ ઉકેલવાની રણનીતિ સરકાર બનાવી રહી છે.

પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, બન્ને પક્ષો વચ્ચે ચાર દ્વિપક્ષી બેઠકો થઈ હતી. અમેરિકા સાથે સમજૂતીને આખરી ઓપ આપવા માટે અનેક મહત્વની બેઠક પણ થઈ. ત્યારે આયાત ઉપર 10થી 1પ ટકા ટેરિફની વાત હતી. તેમણે આગળ કહ્યું હતું કે, દુનિયાનાં વિકાસમાં ભારતનું યોગદાન 16 ટકા છે અને આપણે દુનિયાનું પાંચમું મોટું અર્થતંત્ર છીએ. તેથી અમેરિકાનાં આ પગલાની થનારી અસરોનું આકલન કરવામાં આવી રહ્યું છે.

તેમણે આગળ કહ્યું હતું કે, ભારત અને અમેરિકાએ આ વર્ષે માર્ચમાં જ એક સંતુલિત અને પારસ્પરિક લાભકારી દ્વિપક્ષી વેપાર સમજૂતી માટે વાટાઘાટો શરૂ કરી દીધી હતી. જેનો ઉદ્દેશ આ વર્ષે ઓક્ટોબર કે નવેમ્બર સુધીમાં સમજૂતીનાં પ્રથમ તબક્કાને પૂરો કરવાનો હતો. 2 એપ્રિલ 2025નાં રોજ અમેરિકી રાષ્ટ્રપતિએ પરસ્પરિક ટેરિફ ઉપર એક કાર્યકારી આદેશ જારી કર્યો હતો. તા. 50 એપ્રિલ 2025થી 10 ટકા બેઝલાઈન ટેરિફ સાથે ભારત માટે 26 ટકા શુલ્ક જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ અવધિ વધારીને 1 ઓગસ્ટ 2025 કરવામાં આવેલી.

ગોયલે આગળ કહ્યું હતું કે, સરકાર ઉદ્યોગપતિઓ સાથે પણ વાત કરી રહી છે અને દેશને સુરક્ષિત રાખવા માટે તમામ પગલા લેવામાં આવશે. આપણે થોડા વર્ષોમાં જ દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જઈશું. આપણી નિકાસમાં વધારો થયો છે. સરકાર કિસાનો માટે કામ કરે છે.

ઇ-પેપરના નવા શુલ્ક