વહીવટી તંત્રે વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીની નિમણૂક કરી, કાયમી મહંત માટે પ્રક્રિયા હાથ ધરશે
જૂનાગઢ,
તા. 31: ભવનાથ મંદિરના મહંત મુદ્દે વિવાદ વચ્ચે કલેક્ટરે વિવાદ ઉકેલવાને બદલે પ્રથમ
વખત વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીની નિમણૂક કરી કલેક્ટર લાંબી રજા ઉપર ઉતરી ગયા છે.
અધિક નિવાસી કલેક્ટર એ ટૂંક સમયમાં નવા મહંતની વરણી કરાશે તેમ જણાવ્યું છે.આ નિર્ણય
બાદ મંદિરના પૂર્વ મહંત હરિગિરિ બાપુએ આ નિર્ણયને આવકારવાની સાથે એ પણ જણાવેલ કે મહેશગિરિ
અને મહાદેવગિરિને પણ જો મંદિરના મહંત બનાવાઈ તો તેની સામે કોઈ જ પ્રકારનો વાંધો નહોતો.
પ્રાચીન
ભવનાથ મંદિરના મહંત તરીકેનો હરિગિરિ બાપુનો કાર્યકાળ 31 જુલાઈના રોજ પૂર્ણ થઈ રહેલ
હોય જે અનુસંધાને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા વિવાદ ઉકેલવાને બદલે અધ્ધરતાલ
રાખતો નિણૅય સમાન મંદિરમાં પ્રથમ વખત વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણાસિંહ ગોહિલની
નિમણૂક કરાય છે. આ અંગે ભવનાથ મંદિરના પૂર્વ
મહંત હરિગિરિબાપુએ જણાવ્યું હતું કે તેઓ કલેક્ટરના આ નિર્ણયને આવકારે છે, ઉપરાંત તેઓએ
ત્યા સુધી પણ કહ્યું હતું કે જો મહેશગિરિ બાપુ, મહાદેવગિરિ બાપુ અથવા અન્ય કોઈ સાધુ
સંતમાથી ભવનાથ મંદિરના મહંત બનાવાય તો પણ તેમને કોઈ જ પ્રકારનો વાંધો નહોતો. વધુમાં
તેઓએ જણાવ્યું હતું કે ફરી અન્ય મહંતની નિમણૂક કરાઈ ત્યારે દશનામી જૂના અખાડામાંથી
કોઈ સાધુ સંત ભવનાથ મંદિરના મહંત બને તેવું તેમનું અંગત માનવું છે.
હરિગિરિબાપુને
મહંત તરીકે દૂર કરવાની માગણી કરનાર મહેશગિરિ
આજે પ્રેસ સંવાદ કરશે
મહાશિવરાત્રીના
મેળા પૂર્વે આ બાબતે મહેશગિરિ બાપુ દ્વારા અનેક વખત જાહેરમાં નિવેદન કરાયા હતા કે હરીગિરિબાપુને
ભવનાથના મહંત તરીકે દૂર કરવામાં આવે, તત્કાલીન સમયમા મહેશગિરિ બાપુએ આ બાબતે ચોક્કસ
નિર્ણય નહીં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી
હતી. ત્યારે હવે ભવનાથ મંદિરના મહંત હરિગિરિનો કાર્યકાળ પૂર્ણ થતાની સાથે જ વહીવટદાર
શાસન લાગુ કરવામાં આવ્યું છે. આવતીકાલે વહીવટદાર મંદિરનો કબજો સંભાળશે. આ સાથે મહંત
મહેશગિરિએ આવતીકાલ પ્રેસ સંવાદનું આયોજન અને બ્રહ્મલીન મહંત તનસુખગિરિની સમાધિને પુષ્પાંજલિ
અર્પણ કરશે.
મુચકુંદ
ગુફા, પ્રેમગિરિ અતિથિ ભવન સહિતની મિલકત પર
વહીવટદારનો કબજા
ભવનાથ
મંદિરના નવા વહીવટદાર અને જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણાસિંહ ગોહિલે જણાવ્યું હતું કે
સરકાર અને કલેક્ટર દ્વારા આ જવાબદારી મને સોપાયા બાદ હવે શિવરાત્રીના મેળામાં અને લીલી
પરિક્રમામાં અન્ય કેટલીક નવી સુવિધા ઉમેરાય તેવો પણ અમારો પ્રયાસ રહેશે. ઉપરાંત ભવનાથ
મંદિર હેઠળ આવેલી મુચકુંદ ગુફા, પ્રેમગિરિ અતિથિ ભવન સહિતની મિલકત પર વહીવટદારનો કબજો
રહેશે.
મંદિરમાં
મહંત હોય, વહીવટદાર નહીં : યોગેન્દ્રસિંહ પઢિયાર
રાજ્યના
પ્રવાસન બોર્ડના પૂર્વ ડિરેક્ટર તથા સામાજિક અગ્રણી યોગેન્દ્રસિંહ પઢિયારે જણાવ્યું
કે મંદિરમાં મહંત હોય, વહીવટદાર નહીં, ભવનાથ મંદિરમાં મહંતની વરણીમાં જિલ્લા કલેક્ટરે
વિવાદ શાંત પાડવા બંધારણ મુજબ નિર્ણય કરવો જોઈતો હતો. પૂર્વ મહંત હરિગિરિ સામે ભ્રષ્ટાચારના
આક્ષેપો થયા છે તેની તટસ્થ તપાસ કરી, સરકારી
જમીન ઉપર ખડકેલા બાંધકામની તપાસ કરી ન્યાયિક કાર્યવાહી કરવી જોઈએ. આ અદ્ધકચરા નિર્ણયને
વખોડી કાઢ્યો હતો. મંદિર ટ્રસ્ટ એક્ટ હેઠળ હોવાથી ટ્રસ્ટનાં બંધારણ મુજબ જે હક્કદાર
હોય તેને મહંત બનાવવા જોઈએ. વહીવટદાર નિમવાથી વિવાદ ઉકેલાશે નહીં. આ નિર્ણયને ભારતીય
સંસ્કૃતિ માટે અન્યાયી ગણાવ્યો છે.
મંદિરમાં
વહીવટદારનો નિર્ણય અયોગ્ય : ભાવેશ વેકરિયા
ઉતારા
મંડળના એમ.ડી. ભાવેશ વેકરિયાએ જણાવ્યું કે સનાતન હિન્દુ સંસ્કૃતિને ડાઘ લગાડવાનો આ
નિર્ણય છે તેનાથી ભાજપ સરકાર બદનામ થઈ રહી છે. મંદિરના મહંતની મુદત 31 જુલાઈએ પૂર્ણ
થતી હતી. આ અંગે એકાદ માસથી વિવિધ સંતોએ દાવેદારી કરી હતી પણ રાજ્ય સરકારી, પ્રભારી
મંત્રી આ મુદ્દે મૌન રહેતા જિલ્લા કલેક્ટરે પોતાની સત્તાની રૂએ વહીવટદાર નીમી વિવાદ
વધાર્યો છે. જિલ્લા કલેક્ટરે વિવાદ શાંત કરવાનો હોય છે અને નિયમ મુજબ નિર્ણય કરવાનો
હોય છે તેને બદલે વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીની નિમણૂક કરી ભારતીય સંસ્કૃતિને હાની
પહોંચે તેવું કામ કર્યું છે.