• સોમવાર, 18 મે, 2026

ભારતની સૌથી નાની ચિપ વિશ્વમાં સૌથી મોટો બદલાવ લાવશે : મોદી

- દિલ્હીમાં ત્રણ દિવસની સેમિકોન ઇન્ડિયા સમિટ 2025નું ઉદ્ઘાટન 

 

આનંદ કે. વ્યાસ

નવી દિલ્હી, તા. 2 : ભારતની સૌથી નાની ચિપ સમગ્ર વિશ્વમાં સૌથી મોટો બદલાવ લાવશે, એ દિવસો હવે દૂર નથી, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના યશોભૂમિ ખાતે સેમિકોન ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કરતા સંભાષણમાં કહ્યું હતું. મોદીએ કહ્યું હતું કે એક સમયે ક્રૂડ અૉઇલને કાળું સોનું કહેવાતું, પરંતુ આજના યુગમાં ચિપ્સ ન્યૂ ડિજિટલ ડાયમંડ છે. વિતેલી સદિને ક્રૂડ અૉઇલે આકાર આપ્યો પરંતુ 21મી સદિમાં નાની ચિપ્સ શક્તિશાળી છે. વૈશ્વિક વિકાસમાં ચિપ્સનું સૌથી મોટું મહત્ત્વ અને પ્રદાન છે.

વડા પ્રધાને કહ્યું હતું કે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્રથી ભારત એક નવાં સ્તરે ઉડાન ભરવા તૈયાર છે. ભારતનું સેમિકંડક્ટર મિશન એક નવાં સ્તરે આગળ વધવાની તૈયારીમાં છે અને ટૂંક સમયમાં ચિપ્સના ક્ષેત્રે ભારત અગ્રેસર હશે. સેમિનારમાં ઉપક્કિત રોકાણકારોને સંદેશો આપતા વડા પ્રધાને કહ્યું હતું કે ડિઝાઇન તૈયાર છે, માસ્ક પણ અલાઇન થઇ ગયો છે, હવે આપણે લક્ષ્ય સાધીને મોટી માત્રામાં ઉત્પાદન અને વેચાણ કરવાનું છે. ભારતની કોઇ પણ યોજના કે વિચાર લાંબાગાળાના હોય છે, જેમાં પ્રત્યેક રોકાણકારની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. હવે એ દિવસો દૂર નથી જ્યારે દુનિયા કહેશે ભારતમાં ડિઝાઇન્ડ, ભારતમાં નિર્મિત અને વિશ્વનું ભરોસાપાત્ર (ચિપ્સ) ઉત્પાદન આ જ છે.

મોદીએ કહ્યું હતું કે આગામી વર્ષોમાં વૈશ્વિક સેમિકન્ડક્ટર માર્કેટ વન ટ્રિલિયન ડૉલરને પાર થશે, પરંતુ આ ક્ષેત્રમાં ભારત જે ગતિથી આગળ ધપી રહ્યું છે એ જોતા આવડા મોટા બજારમાં ભારતનું સ્થાન પણ ગણમાન્ય હશે. ભારત સરકારે 2021થી અત્યાર સુધીમાં 10 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ મંજૂર કર્યા છે જેમાં 18 બિલિયન ડોલર્સનું રોકાણ થયું છે. આજે દુનિયામાં રેર મિનરલ્સની માગ છે, ભારત હવે ક્રિટિકલ મિનરલ્સ મિશન ઉપર પણ કામ કરી રહ્યું છે.

પ્રથમ ત્રિમાસિકના જીડીપી ડેટા સંબંધે મોદીએ કહ્યું હતું કે ભારતે તમામ ધારણાઓને પાર કરીને ફરી એકવાર આર્થિક મોરચે ખૂબ સારૂં પ્રદર્શન કર્યું છે. જ્યારે આર્થિક મોરચે કેટલીક વૈશ્વિક ચિંતાઓ અને પડકારો તેમ જ સ્વાર્થ પ્રેરિત નીતિઓ છે એવા સમયમાં પણ ભારતે 7.8 ટકાનો વિકાસ દર હાંસલ કર્યો એ નોંધનીય છે.

કેન્દ્રના આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની શરૂઆત થઇ ચૂકી છે અને સમગ્ર વિશ્વ ભારત સામે આશાની નજરે જોઇ રહ્યું છે. દેશમાં પાંચ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું બાંધકામ ગતિથી ચાલી રહ્યું છે. વૈષ્ણવે વડા પ્રધાનને પ્રથમ સ્વદેશી ચિપની ભેટ આપી હતી અને કહ્યું હતું કે આવા વધુ બે ઉત્પાદન યુનિટ્સ આગામી મહિનાઓમાં ધમધમતા થશે. દિલ્હીમાં આ ત્રણ દિવસની કોન્ફરન્સનું આયોજન કરાયું છે.  

 

ઇ-પેપરના નવા શુલ્ક