દારફૂરમાં આખું ગામ દટાયું, માત્ર એક વ્યક્તિ જીવિત મળ્યો : પર્વત વિસ્તારમાં આફત
ખાર્તુમ,
તા.ર : સુદાનના પશ્ચિમ ક્ષેત્ર દારફૂરમાં ભયાનક ભૂસ્ખલન થતાં એક આખું ગામ દટાઈ ગયું
છે જેમાં 1000 જેટલા નાગરિકોના મૃત્યુ થયાની આશંકા છે. આફ્રિકી દેશના ઈતિહાસની આ સૌથી
ગોજારી કુદરતી આફતોમાં એક છે.
વિદેશી
મીડિયાના અહેવાલ મુજબ, પશ્ચિમ સુદાનના મરા પર્વત વિસ્તારમાં એક ગામમાં ભયંકર ભૂસ્ખલન
થયું હતું, જેમાં 1000 થી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલો છે, જેમાં ફક્ત એક જ
વ્યક્તિ બચી ગયો છે. સુદાન મુક્તિ ચળવળ, જેનું નેતૃત્વ અબ્દેલવાહિદ મોહમ્મદ નૂર કરી
રહ્યા છે તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 31 ઓગસ્ટના રોજ પશ્ચિમ ક્ષેત્રના ગામમાં
ભૂસ્ખલન થયું હતું.
દારફુર
ક્ષેત્રમાં સ્થિત અસરગ્રસ્ત વિસ્તારને નિયંત્રિત કરતી સુદાનની ચળવળે સંયુક્ત રાષ્ટ્ર
અને આંતરરાષ્ટ્રીય સહાય એજન્સીઓને પીડિતોના મૃતદેહને બહાર કાઢવામાં મદદ કરવા અપીલ કરી
હતી, જેમાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકોનો સમાવેશ થાય છે. સુદાન મુક્તિ ચળવળે કહ્યું
કે જ્યાં ભૂસ્ખલન થયું હતું તે ગામ સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયું છે. ઉત્તર દારફુર
રાજ્યમાં સુદાનની સેના અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચેના ભયંકર યુદ્ધમાંથી
બચી ગયા પછી સુદાનના રહેવાસીઓએ મરા પર્વત વિસ્તારમાં આશ્રય લીધો હતો જ્યાં ખોરાક અને
દવા અપૂરતી છે.
છેલ્લા
બે વર્ષથી ચાલી રહેલા ગૃહયુદ્ધને કારણે 40 હજાર લોકોના મૃત્યુ વચ્ચે સુદાનની લગભગ અડધી
વસ્તી ભૂખમરાના સંકટનો સામનો કરી રહી છે અને લાખો લોકોએ તેમના ઘર છોડીને સ્થળાંતર કરવાની
ફરજ પડી છે જ્યારે ઉત્તર દારફુર રાજ્યની રાજધાની અલ-ફાશીર આગની ઝપેટમાં આવી ગઈ છે.
દેશના મોટાભાગમાં દુકાળને કારણે લોકો ઘાંસ ખાવા મજબૂર છે.