• મંગળવાર, 14 એપ્રિલ, 2026

અપડેશન બાદ ટેકાના ભાવે નોંધણી માટે પોર્ટલ ફરી શરૂ

-નોંધણી પ્રક્રિયા તા. 15 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે; જરૂર જણાશે તો સમયમર્યાદા લંબાવવામાં આવશે: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

-એકસાથે અસંખ્ય ખેડૂતોએ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવતા પોર્ટલ ક્રેશ થયું હતું

 

અમદાવાદ, તા.2: ગત તા. 1 સપ્ટેમ્બરથી ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવી હતી. નોંધણી શરૂ થયાના પ્રથમ દિવસે એક સાથે ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન થવાથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ટ્રાફિક વધી જવાના કારણે પોર્ટલ ક્રેશ થયું હતું, જેથી ખેડૂતોની પ્રથમ દિવસે નોંધણી થઈ શકી ન હતી. આ બાબતની જાણ થતા કૃષિ વિભાગ દ્વારા સતત અપડેશનના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેના પરિણામે આજ તા. 2 સપ્ટેમ્બરથી નોંધણી પુન: કાર્યરત થઈ છે. ખેડૂતો આગામી તા. 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે. રાજ્યમાં કોઈપણ ખેડૂત નોંધણીમાં બાકી ન રહી જાય તે માટે જરૂર જણાયે સમય મર્યાદા વધારવામાં આવશે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

ખેડૂતોને નોંધણી માટે પૂરતો સમય આપવામાં આવશે, જેથી ખેડૂત મિત્રોએ બિનજરૂરી ધસારો ન કરીને સહકાર આપવા કૃષિ મંત્રી  રાઘવજી પટેલે અનુરોધ કર્યો હતો. દરમિયાન પ્રાપ્ત માહિતી અનુસાર, ઈ સમૃદ્ધ પોર્ટલના સતત બીજે દિવસે પણ ધાંધિયા જોવા મળ્યા છે.

ખેડૂતોને ઓનલાઈન મગફળીની નોંધણી કરવામાં પારાવાર મુશ્કેલીઓ પડી હતી. રાજ્યભરના ખેડૂતોમાં આ પરિસ્થિતિને લઈને ભારે નારાજગી છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર જાહેરાત તો કરી દે છે પરંતુ યોગ્ય તકનીકી વ્યવસ્થા ઉભી કરતી નથી. પરિણામે, ખેડૂતોએ લાઈનમાં કલાકો સુધી ઉભા રહીને પણ રજિસ્ટ્રેશન ન કરી શકવાના કારણે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક