વડાપ્રધાન ઓલી નાસી છૂટયા: નેતાઓના નિવાસ સ્થાનો, સરકારી ઈમારતોને આગચંપી, નેતાઓને દોડાવી દોડાવીને માર્યા-પરિવારજનો પણ નિશાને, પૂર્વ વડાપ્રધાનના પત્નીને જીવતા સળગાવાતા મૃત્યુ, સંસદ ફૂંકી નાખી, સુપ્રીમ પર કબજો
શ્રીલંકા,
બાંગ્લાદેશ જેવી હાલત : જનરેશન-ઝીના જનાક્રોશ વચ્ચે આંદોલન હિંસક, હથિયારો લૂંટયા,
જેલ તોડી
રાષ્ટ્રપતિએ
પ્રદર્શનકારીઓને વાતચીતનું આમંત્રણ આપ્યું:
સૈન્ય સત્તા સંભાળે અથવા વચગાળાની સરકારની તૈયારી
કાઠમંડુ,
તા.9 : સરકારનો ભ્રષ્ટાચાર અને ગોબાચારી ઢાંકવા ર6 જેટલા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
મૂકાયાના 48 કલાકમાં જ ભારતના પાડોશી દેશ નેપાળમાં જનરેશન-ઝેડ (1997થી ર01ર વચ્ચે જન્મેલા)
એ સરકાર ઉથલાવી નાંખતા શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાઈ છે. તીવ્ર જનાક્રોશ
વચ્ચે વડાપ્રધાન કે.પી.શર્મા ઓલી રાજીનામું આપી ફરાર થયા બાદ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે
પણ રાજીનામું આપવા ફરજ પડયાના અહેવાલ હતા જે અફવા હતી. રાષ્ટ્રપતિએ શાંતિની અપીલ કરતાં
પ્રદર્શનકારીઓને વાતચીત કરવા આમંત્રણ પાઠવ્યું છે. દેશમાં સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ
ઉઠાવી લેવાયો છે. ઓલીના રાજીનામાથી પ્રદર્શનકારીઓએ ખુશી વ્યક્ત કરી છે. સંસદ ભંગ કરાય
પછી જ વાતચીતનું એલાન કરાયુ છે.
નેપાળમાં
હજારો યુવાઓ રસ્તા પર ઉતર્યા છે અને ઠેર ઠેર હિંસા ભભૂકી ઉઠી છે. રાજીનામું આપનાર વડાપ્રધાન
ઓલીને સૈન્ય હેલિકોપ્ટરમાં ગુપ્ત સ્થળે લઈ જવાયા હતા. અન્ય મંત્રીઓને પણ સેનાએ સલામત
સ્થળે ખસેડયા છે. સૈન્ય સત્તા સંભાળે અથવા વચગાળાની સરકાર રચાય તેવી સંભાવના છે. સરકારથી
નારાજ જનતાએ સંસદમાં આગચંપી કરવા સાથે રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીના બંગલા ફૂંકી માર્યા
હતા એટલું જ નહીં નાણા મંત્રી વિષ્ણુ પૌડૈલને દોડાવી દોડાવીને માર માર્યો હતો અને પૂર્વ વડાપ્રધાન શેરબહાદુર દેઉબા અને તેમના
પત્નીને ઘરમાં ઘૂસીને ફટકાર્યા હતા દેઉબાની હાલત નાજુક છે. નેપાળી કોંગ્રેસ પાર્ટીનું
કાર્યાલય સળગાવાયું હતું. પ્રદર્શનકારીઓ સંસદ ભવન અને સુપ્રીમ કોર્ટમાં ઘૂસી ગયા હતા
અને કબજો જમાવ્યો હતો. નેપાળની જેલ તોડવામાં આવતાં 900 કેદીઓ ફરાર થઈ ગયા છે.
રાજધાની
કાઠમંડુમાં સ્થિતિ ગંભીર છે. સુરક્ષા દળો હિંસક વિરોધ પ્રદર્શનોને કાબૂ કરી શક્યા નથી.
પ્રદર્શનકારીઓએ પૂર્વ વડાપ્રધાન ઝાલાનાથ ખનલના ઘરને આગ ચાંપી ત્યારે તેમના પત્ની રાજ્યલક્ષ્મી
ચિત્રકાર ઘરમાં હતા જેઓ ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું
હતું. પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળોના હથિયારોની લૂંટ ચલાવી છે અને તે લઈને રસ્તાઉપર
ઉતર્યા હતા. સોશિયલ મીડિયા પર હિંસાની તસવીરો અને વીડિયો વાયરલ થયા છે.
બાલેન
સત્તા સંભાળો : યુવા પ્રદર્શનકારીઓની અપીલ
યુવા
પ્રદર્શનકારીઓએ સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી કાઠમંડુના મેયર પદે રહેલા યુવા નેતા
બાલેન શાહને રાષ્ટ્રીય નેતૃત્વ સંભાળવા અપીલ કરી છે. એક ખુલ્લી પોસ્ટમાં તેમણે લખ્યું
કે પ્રિય બાલેન, અત્યારે નહીં તો ક્યારેય નહીં. નવી પાર્ટી બનાવી દેશનું સુકાન સંભાળી
નવી દિશા આપો. બાલેન એક સિવિલ એન્જિનિયર અને રૈપર છે. ર0રરમાં તેઓ અપક્ષ તરીકે જીતી
રાજનીતિમાં આવ્યા હતા.
25ના
મૃત્યુ, 400થી વધુને ઈજા
રાજધાની
કાઠમંડુ અને આસપાસના વિસ્તારોમાં અથડામણ અને આગચંપીમાં અત્યાર સુધીમાં 25 જેટલા લોકોના
મૃત્યુ થયા છે જ્યારે 400થી વધુ લોકો ઘાયલ થયા છે. કાઠમંડૂમાં 3 પોલીસમેનની હત્યા કરાઈ
હતી. પ્રદર્શનકારીઓએ સંસદ ભવનને આગ ચાંપી હતી અને વડાપ્રધાન કેપી શર્મા ઓલી, રાષ્ટ્રપતિ
રામચંદ્ર પૌડેલનું નિવાસ સ્થાન અને ગૃહમંત્રીના ખાનગી નિવાસસ્થાનો પર હુમલો કર્યો હતો.
સરકારી મીડિયા સહિત મોટાભાગની કચેરીઓ સળગાવી નંખાઈ છે.
કાઠમાંડુ
હવાઈમથક સંપૂર્ણ બંધ
પરત
આવી ઈન્ડિગોની ઊડાન; અનેક નેતા દેશ છોડવાની તૈયારીમાં
કાઠમાંડુ,
તા. 9 :નેપાળમાં ભારે અશાંતિ અને રાજકીય અસ્થિરતા વચ્ચે કાઠમંડુ સ્થિત ત્રિભુવન આંતરરાષ્ટ્રીય
વિમાનમથક (ટીઆઈએ) મંગળવારે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક મીડિયા અહેવાલો
અનુસાર, દેશમાં વધતી જતી અશાંતિ, સુરક્ષા ચિંતાઓ અને આસપાસના વિસ્તારોમાં આગ લાગવાની
ઘટનાઓને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. આના કારણે, ઘણી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય
ઊડાન રદ કરવામાં આવી છે, જેના કારણે હજારો મુસાફર પ્રભાવિત થયા છે. ભારતનાં વિમાનોને
પણ પરત ફરવું પડયું હતું.
સેંકડો
વિરોધી તેમનાં કાર્યાલયમાં ઘૂસી ગયા બાદ નેપાળના વડાપ્રધાન ઓલીએ રાજીનામું આપ્યું હતું.
વ્યાપક વિરોધ વચ્ચે, એવા અહેવાલો છે કે, નેપાળના ઘણા મોટા નેતાઓ દેશ છોડી શકે છે. નેપાળી
રાજકારણીઓ તેમનાપરિવારો સાથે દેશ છોડવાની યોજના બનાવી રહ્યા છે. રાજધાની કાઠમંડુ પર
હેલિકોપ્ટર ઉડતાં હોવાના અહેવાલો છે. જો કે, હજુ સુધી કોઈ નેતાના દેશ છોડવાની કોઈ સત્તાવાર
પુષ્ટિ નથી.
નેપાળના
નાગરિક ઉડ્ડયન સત્તામંડળના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, હવાઈ સલામતી માટે
પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે હવાઈમથક અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યું છે. જે
ઊડાન પહેલાંથી જ આકાશમાં હતી તેમને પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે. ઊતરાણ પરવાનગી
ન મળવાને કારણે ઘણા વિમાનોને પાછા ફરવું પડયું હતું અથવા અન્ય સ્થળોએ વાળવામાં આવ્યાં
હતાં.
કાઠમંડુ
હવાઈમથક બંધ થવાને કારણે ઘણી ભારતીય ઊડાન પણ પ્રભાવિત થઈ હતી. નેપાળ ઉપર ઉડાન ભર્યા
બાદ ઘણા વિમાનોને પાછા ફરવું પડયું હતું અથવા અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવ્યાં
હતાં. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘કાઠમંડુમાં હાલની પરિસ્થિતિને જોતાં,
દિલ્હી-કાઠમંડુ-દિલ્હી રૂટ પર ચાલતી ઊડાન આજે રદ કરવામાં આવી છે. અમે પરિસ્થિતિ પર
નજીકથી નજર રાખી રહ્યા છીએ’ આ સિવાય, કાઠમંડુ જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટને લખનઉમાં
ઉતરાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. યેતી એરલાઈન્સ અને બુદ્ધ એર સહિત અનેક સ્થાનિક
એરલાઈન્સે પોતાની ઊડાન રદ કરી હતી.