• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

6 વિભાગોના 11 કાયદાઓ અધિનિયમોની 516 જોગવાઈઓમાં સુધારા કરાયા

વિધાનસભા ગૃહમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને પાર પાડવા ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-2025 બહુમતિથી પસાર

અમદાવાદ, તા.9: રાજ્ય વિધાનસભાનાં ત્રિ-દિવસીય ચોમાસુ સત્રના બીજા દિવસે ઉદ્યોગ મંત્રી બળવંતાસિંહ, રાજપૂતે ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-2025 વિધાનગૃહમાં રજૂ કર્યું હતું. જે ચર્ચાને અંતે બહુમતિથી પસાર કરાયું હતું. હવે તે રાજ્યપાલને મંજૂરી અર્થે મોકલાશે અને તેમની પરવાનગી બાદ વિધેયકમાં સૂચવાયા મુજબના સુધારા અમલમાં આવશે. આ વિધેયકમાં કાયદાઓ અને નિયમોમાં સૂચવાયેલા સુધારાઓમાં નાની ભૂલો માટે શક્ય હોય ત્યાં કેદની સજા દૂર કરવામાં આવી છે અને ફાઈન એટલે કે દંડને બદલે નાણાંકીય પેનલ્ટીની જોગવાઈઓ કરવામાં આવી છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ, શ્રમ-કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા કલ્પસર વિભાગ, ઉદ્યોગ-ખાણ વિભાગ, કૃષિ-ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, નાણાં વિભાગના 11 કાયદાઓ નિયમો હેઠળની 516 જોગવાઈઓને અપરાધમુક્ત કરવાથી સજાના ડરને બદલે પ્રામાણિક્તાથી કાયદાઓના પાલનમાં મદદ મળશે. 

આ વિધેયકનો મુખ્ય હેતુ ફાઈલિંગ વિલંબ, લાઇસન્સ રિન્યુઅલમાં વિલંબ, સલામતી ઉલ્લંઘન અંગેની નાની ભૂલો માટે અણધાર્યા અને ફોજદારી આરોપોથી મુક્તિ આપવાનો, ન્યાયિક પ્રણાલી પરનું ભારણ ઘટાડીને પેનલ્ટી પર આધારિત દંડ વ્યવસ્થા લાવવાનો છે. ખાસ કરીને સ્ટાર્ટઅપ્સ અને એમ.એસ.એમ.ઈ. વધુ સુદ્રઢ થશે. નાની ભૂલો માટે ફોજદારી કાર્યવાહીના બિનજરૂરી ડર વિના પોતાના ઉદ્યોગ-ધંધાઓનો વધુ સારી રીતે વિકાસ કરીને રાજ્યમાં એમ.એસ.એમ.ઈ. ઈકોસિસ્ટમને સંગીન બનાવશે. અત્યાર સુધીમાં રાજ્ય સ્તરના જન-વિશ્વાસ કાયદાઓ પસાર કરનારા અન્ય રાજ્યો કરતા ગુજરાતે સૌથી વધુ કાયદા અને જોગવાઈઓમાં સુધારો કર્યો છે.  ઉદ્યોગમંત્રીએ કહ્યું હતું કે, આ વિધેયક, રાજ્યમાં વિકાસ અને રોકાણને વધુ મજબૂત કરવા સાથે ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અને ઈઝ ઓફ લાવિંગને પણ વેગ આપશે. આ વિધેયકમાં નાના ઉલ્લંઘનો અને નાના ગુનાઓને ગુનાહિત શ્રેણીમાંથી બહાર કાઢીને ડિક્રિમિનલાઈઝ્ડ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. દંડાત્મક પગલાંઓને બદલે સુધારાત્મક પગલાંઓને જે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તે રાજ્યના સર્વગ્રાહી વિકાસ સાથે નિયમનકારી સુધારા યાત્રાનું મહત્વપૂર્ણ સિમાચિહ્ન બનશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક