• મંગળવાર, 12 મે, 2026

105મા વર્ષે ગ્રીન એનર્જી ક્ષેત્રે ‘ફૂલછાબ’ આરંભશે નવો અધ્યાય આવતીકાલે ફૂલછાબ કાર્યાલયમાં સૌર ઊર્જા પ્રકલ્પનું ઉદ્ઘાટન

કેન્દ્રના શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા કરશે પ્રકલ્પનું ઉદ્ઘાટન, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયાની ઉપસ્થિતિ

સૂર્યના કિરણો સાથે ફૂલછાબ ઊર્જાવાન ભવિષ્ય તરફ, ગ્રીન એનર્જીના નવા અધ્યાયનો આરંભ

રાજકોટ તા.9 : (ફૂલછાબ ન્યૂઝ) પત્રકારત્વની ઉજજવળ પરંપરાના 104 વર્ષ પૂર્ણ કરી, 2 ઓક્ટોબરે 105મા વર્ષમાં પ્રવેશી રહેલું સૌરાષ્ટ્રનું અગ્રીમ વર્તમાનપત્ર ફૂલછાબ હવે ગ્રીન એનર્જીના ક્ષેત્રે પણ પદાર્પણ કરીને રાષ્ટ્રના ઉત્કર્ષમાં યોગદાન આપવા જઈ રહ્યું છે. ફૂલછાબ ચોક સ્થિત ફૂલછાબ કાર્યાલય હવે પરંપરાગત વીજળીના ત્રોતને બદલે સૌર ઊર્જાથી સંચાલિત થઈ રહ્યું છે. આ સોલાર પેનલના પ્રકલ્પનું ઉદ્ઘાટન કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત વિભાગના મંત્રી, પોરબંદરના સંસદસભ્ય મનસુખભાઈ માંડવિયા કરશે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા આ અવસરે ઉપસ્થિત રહેશે.

ગુરુવાર તા. 11મી સપ્ટેમ્બરે સવારે 10.30 કલાકે ફૂલછાબ કાર્યાલય પરિસરમાં યોજાનાર એક સમારંભમાં મંત્રી મનસુખભાઈ આ પ્રોજેક્ટનો આરંભ કરાવશે. આ પ્રસંગે રાજકોટના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સમગ્ર દેશમાં સૌર ઊર્જાના ઉપયોગ માટે એક સકારાત્મક જાગૃતિ આવી છે. નાના નાના ગામોમાં પણ હવે સૂર્ય ઊર્જા માટેની જાગૃતિ ફેલાઈ છે. પર્યાવરણની રક્ષા કાજે આ સૂર્ય ઊર્જા સંચાલિત યોજનાઓ અત્યંત કારગત નીવડી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સૂક્ષ્મદૃષ્ટિ અને વિકાસલક્ષી અભિગમને લીધે દેશના ઘણા રાજ્યો હવે સૂર્ય ઊર્જા આધારિત થઈ રહ્યાં છે તેમાં ગુજરાત અગ્ર છે.

સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયાએ 2 ઓક્ટોબર 2024ના દિવસે ફૂલછાબ એવોર્ડમાં એ ઘોષણા કરી હતી કે હવે જ્યારે આપણે મળશું ત્યારે ફૂલછાબ સૌર ઊર્જા સંચાલિત બની ગયું હશે. તેમની આ વાત પર તેઓ ખરા ઉતર્યા છે. 11મી સપ્ટેમ્બરે સવારે સાડા દસ વાગ્યે યોજાનારા સમારોહમાં હાર્દિકભાઈ પણ ઉપસ્થિત રહેશે. ફૂલછાબના આંગણે આવેલા આ અવસરે તેમણે આગોતરો સંદેશ આપતાં કહ્યું હતું કે સતત આધુનિકતાને અપનાવનારું સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને ફૂલછાબ સમયની જરુરત પારખીને વધુ એક મક્કમ ડગ માંડી રહ્યા છે તે અમારા માટે આનંદની વાત છે.

ફૂલછાબના તંત્રી જ્વલંત છાયા અને મેનેજર નરેન્દ્ર ઝીબાએ કહ્યું કે ફૂલછાબ હંમેશા રાષ્ટ્રસેવાને પોતાનો ધર્મ માને છે. સ્વતંત્રતાની લડાઈ વખતે પણ ફૂલછાબ પ્રહરી હતું. આજે હવે સૌર ઊર્જા ક્ષેત્રે ક્રાંતિ થઈ રહી છે ત્યારે પણ ફૂલછાબ તેમાં સહભાગી છે.

ઇ-પેપરના નવા શુલ્ક