• શનિવાર, 18 એપ્રિલ, 2026

‘ખેલકૂદમાં અવ્વલ રહેવું ભારતનું લક્ષ્ય હોવું જોઈએ’

કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમદાવાદમાં 825 કરોડના ખર્ચે નિર્મિત વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું

અમદાવાદ, તા. 14:  ઓલિમ્પિક 2036ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામી રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં રૂ. 825 કરોડના ખર્ચે નિર્માણ પામેલું વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ખેલકૂદ સ્પોર્ટ્સ ભારતનો આત્મા છે. રમતગમતની શરૂઆત ભારતમાં થઈ હતી અને ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે ત્યારે ખેલકૂદ ક્ષેત્રમાં અવ્વલ સ્થાને રહેવું એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. 

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતુ કે 2029માં અમદાવાદમાં પોલીસ અને ફાયર વિભાગના જવાનોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ થવાની છે. 2030માં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાય તે માટેની મંજૂરી ટૂંક સમયમાં મળે તેવી સંભાવના છે. અને 2036 માં ઓલમ્પિક પણ અમદાવાદમાં રમાય તે માટે સરકાર કટિબધ્ધ છે.

તેમણે કહ્યું કે, દેશમાં ખેલાડીઓને વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર- તાલીમ- સિલેક્શનમાં પારદર્શિતા - સારા પર્ફોર્મરને વિશ્વ  રમતોમાં દેશના પ્રતિનિધિત્વની તક જેવા મોટા બદલાવો સ્પોર્ટ્સ ક્ષેત્રે વડાપ્રધાનના નેતૃત્વમાં આવ્યા છે. પાછલા 10 વર્ષમાં ભારતના સ્પોર્ટ સેક્ટરનું પરિદ્રશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. 

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સુવિધાઓ વર્લ્ડ ક્લાસ છે, આધુનિક છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નામના સંદર્ભે તેમણે કહ્યુ કે મહાન સ્વાતંત્ર વીર સાવરકર ખૂબ જ માહેર તરવૈયા હતા. અંગ્રેજોની ચુન્ગાલમાંથી છૂટવા તેઓ આગબોટમાંથી બેડીઓ સાથે કૂદીને, દરિયો ઓળંગીને ફ્રાન્સ પહોંચ્યા હતા. 

પોતાના વિસ્તારમાં નિવાસસ્થાનથી નજીક જ અત્યાધુનિક રમતગમત સંકુલ આકાર પામ્યું છે તેની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને અહીંની 21 એકર જમીનમાં આ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બને તેની મંજૂરી માટે વિનંતી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિસ્તારમાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને તેવા આગ્રહ સાથે મંજૂરી આપી હતી, જે આ અદ્યતન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણથી પૂર્ણ થઈ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ અને ગુજરાતને આજે વિશ્વ કક્ષાના સ્પોર્ટ્સ સંકુલની ભેટ મળી રહી છે. સંવિધાનનું 75મું વર્ષ અને દેશમાં હિન્દી દિવસની ઉજવણીના અવસરે અમદાવાદમાં રૂ.825 કરોડના ખર્ચે નિર્માણ પામેલું સંકુલ ગુજરાતને રમતગમત ક્ષેત્રે નવી દિશા આપશે એમ તેમણે ઉમેર્યું હતું. 

તેમણે કહ્યુ કે દેશમાં નેશનલ સ્પોર્ટ્સ પોલીસી અને તેને પગલે સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસી હોવાનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ કહ્યું કે તાજેતરમાં સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2025 અને નેશનલ એન્ટી ડાપિંગ એમેન્ડમેન્ટ બિલ 2025 પસાર કરીને ખેલાડીઓના હિતોના રક્ષણનું પગલું ભરવામાં આવ્યું છે, આ જ બાબત પુરવાર કરે છે કે દેશમાં રમતગમત પર વિશેષ ધ્યાન અપાયું છે.

કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ દેશના સૌથી મોટા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગને ગૌરવપૂર્વક ક્ષણ ગણાવી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે નવું ભારત એટલે કે ’વિકસિત ભારત, સમૃદ્ધ ભારત’નું નિર્માણ થઈ રહ્યું છે. 

વિશ્વ કક્ષાના રમતગમત સંકુલના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા રમતગમત રાજયમંત્રી હર્ષ સંઘવીએ સૌને આવકાર્યા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક