લંડનના ઈતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન : 10 લાખ લોકો એકત્રિત થયાની સંભાવના
નવી
દિલ્હી, તા. 14 : નેપાળ બાદ હવે લંડન વિરોધ પ્રદર્શનની આગમાં સળગી રહ્યું છે. સેન્ટ્રલ
લંડનમાં રવિવારે બ્રિટનના ઈતિહાસનો અત્યારસુધીનો સૌથી મોટું વિરોધ પ્રદર્શન થયું હતું.
માનવામાં આવે છે કે 1 લાખથી વધારે લોકો લંડનની સડકો ઉપર ‘યુનાઈટેડ ધ કિંગડમ’ રેલી માટે
એકત્રિત થયા હતા. જો કે અમુક આયોજકોએ દાવો કર્યો હતો કે આ પ્રદર્શનમાં આશરે 10 લાખ
લોકો સામેલ થયા હતા. અધિકારીઓને પણ 10 લાખ લોકો એકત્રિત થવાનો અંદેશો હતો. તેના હિસાબે
તૈયારી પણ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કાર્યકર્તા ટોમી રોબિન્સને
કર્યું હતું.
વિરોધ
પ્રદર્શનને બ્રિટનના ઈતિહાસનું સૌથી મોટુ પ્રદર્શન
ગણવામાં આવે છે. આ રેલી અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સરકાર પ્રત્યે નિરાશા, ખાસ કરીને
ઈમીગ્રેશન અને સેન્સરશ્પિ જેવા મુદ્દાને લઈને આયોજીત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું
નેતૃત્વ ટોમી રોબિન્સને કર્યું હતું. રેલીમાં એવા લોકો પણ સામેલ થયા હતા જેઓ પોતાને
સરકાર દ્વારા ઉપેક્ષીત અનુભવી રહ્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે રેલી દરમિયાન અમુક
પોલીસ અધિકારીઓ ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો. રેલી ‘સ્ટેન્ડ ઓપ ટૂ રેસિઝ્મ’ ના વિરોધ
પ્રદર્શન સાથે શરૂ થઈ હતી. જેમાં પાંચ હજાર લોકો સામેલ થયા હતા. આ દરમિયાન હિંસક ઘર્ષણ
રોકવા પોલીસે ભારે મહેનત કરવી પડી હતી.
ટોમી
રોબિન્સને રેલી દરમિયાન એક પોસ્ટમાં લખ્યું હતું કે તેઓ પોતાની આઝાદી માટે સેન્ટ્રલ
લંડનની સડકો ઉપર એકજુથ થઈ ચુક્યા છે. લાખો લોકો તેમાં સામેલ થયા છે. આ વિરોધ માર્ચ
બ્રિટનમાં પ્રવાસીઓની એક હોટલથી શરૂ થઈ હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ યુનિયર જેક અને
રેડ વ્હાઈટ સેંટ અને જોર્જ ક્રોસ ઝંડા ફરકાવ્યા હતા. રેલીમાં ઘણા લોકો અમેરિકી અને
ઈઝરાયલી ઝંડા પણ ફરકાવી રહ્યા હતા. લોકોએ બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મર સામે નારેબાજી
પણ કરી હતી.