• ગુરુવાર, 18 જૂન, 2026

ચિક્કાર દારૂ ઢીંચી અધિકારી, સરકારી ગાડીના ડ્રાઈવરે 4ને ઉલાળ્યા, 1નું મૃત્યુ

લુશાળા ગામના ચાર યુવાનો પગપાળા સતાધાર જતા હતા, ત્યારે સરકારી ગાડીએ અડફેટે લીધા : રોષિત ગ્રામજનો પોલીસ સ્ટેશને ધસી આવ્યા

જૂનાગઢ, તા.14 : વંથલીના ખોરાસા નજીક સતાધાર પગપાળા જતા ચાર યુવાનોને સરકારી ગાડીએ અડફેટે લેતા એક યુવાનનું મૃત્યુ થયું હતું. સરકારી ગાડીમાં સવાર અધિકારી અને ડ્રાઈવર ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતા. આરોપીઓને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. આ ઘટનાથી ગામમાં શોક સાથે ઉગ્ર રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આ  અંગે વધુ વિગતો અનુસાર લુશાળા ગામનાં 4 યુવાનો સાંજના 5 કલાકે પગપાળા ચાલીને સતાધાર જતા હતા ત્યારે ખોરાસા અરણીયારા રોડ પર તાલાલા તરફથી આવતી બોલેરો કારના ડ્રાઈવરે ગાડી બેફિકરાઈથી ચલાવી યુવાનોને હડફેટે લીધા હતા આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી ડ્રાઇવર તેમજ તેમાં રહેલા અધિકારીને ઝડપી પાડયા હતા. ત્યારે ડ્રાઈવર તેમજ અધિકારી ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં જોવા મળતા ગ્રામજનોએ વંથલી પોલીસને જાણ કરી હતી. વંથલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીઓને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા.

 અકસ્માતમાં ભોગ બનનાર સુભાષભાઈ કાનાભાઈ ડાંગરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું ઘટનાની જાણ થતા ગ્રામજનો વંથલી પોલીસ  સ્ટેશને પહોંચી આરોપીઓ  સામે કડક કાર્યવાહી કરવા માગણી કરી હતી વંથલી પોલીસ સ્ટેશનના પીઆઇ ચૌધરીએ આ ઘટનાને કમનસીબ ગણાવી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા અને વધુમાં વધુ સજા થાય તેવી કાર્યવાહી  કરવાની ખાતરી આપી હતી.

બોલરોમાંથી બિયરના ટીન મળ્યા..

એક તરફ જ્યારે ગુજરાતમાં દારૂબંધીના દાવા થઈ રહ્યા છે ત્યારે આ દાવાને પોકળ સાબિત કરતા હોય તેમ ગુજરાતમાં બેફામ દારૂ મળતો હોય તેવા બનાવ અવારનવાર સામે આવતા રહે છે. ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખેલ બોલરોમાં કુતિયાણા પાણી પુરવઠા અધિકારી ગાવિંદભાઈ એલ. પાતર અને ડ્રાઈવર રાહુલ સી. પાતર ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતા તેમજ ગાડીમાંથી 4 બિયરના ટીન મળી આવ્યા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક