• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

ભારતમાં લોકતંત્ર ઉપર હુમલો થાય છે : કોલંબિયામાં રાહુલ

ભાજપે કહ્યું, વિદેશમાં જઈને ભારતનું અપમાન કરશે તો જેટલી સીટ છે તેટલી પણ નહી રહે, રાહુલને લીડર ઓફ પ્રોપેગેન્ડા ગણાવ્યા

નવી દિલ્હી, તા. 2 : વિદેશ પ્રવાસે પહોંચેલા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કોલંબિયામાં કેન્દ્ર સરકાર ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે ભારતના લોકતંત્ર ઉપર હુમલો થઈ રહ્યો છે અને આ સ્થિતિ દેશ માટે સૌથી મોટું જોખમ છે. રાહુલ ગાંધીએ ફરી એક વખત વિદેશમાં જઈને પ્રહારો કરતા કહ્યું હતું કે ભારતમાં લોકતાંત્રિક વ્યવસ્થા ઉપર દરેક તરફથી હુમલો થઈ રહ્યો છે. રાહુલના આ નિવેદન ઉપર ભાજપે પ્રતિક્રિયા આપી હતી અને વિદેશ જઈને ભારતને બદનામ કરવાનો આરોપ મુક્યો હતો. આ સાથે રાહુલને લીડર ઓફ પ્રોપેગેન્ડા કહ્યા હતા. રવીશંકર પ્રસાદે કહ્યું હતું કે, વિદેશ જઈને ભારતનું અપમાન કરશે તો જેટલી સીટ મળી છે તેટલી પણ નહી રહે.

કોલંબિયાની એક યુનિવર્સિટીમાં આયોજીત કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું કે, ભારતમાં ઘણા ધર્મ, પરંપરા અને ભાષાઓ છે. એક લોકતાંત્રિક વ્યવસ્થા તમામ માટે જગ્યા પ્રદાન કરે છે. જો કે આ સમયે લોકતાંત્રિક વ્યવસ્થા ઉપર દરેક બાજુએથી હુમલો થઈ રહ્યો છે. રાહુલે આગળ કહ્યું હતું કે, ભારત દુનિયાને ઘણું બધુ આપી શકે છે અને ખુબ આશાવાદી છે, સાથે અમુક કમીઓ અને જોખમો પણ છે. જેનાથી આગળ વધવું પડશે. સૌથી મોટું જોખમ લોકતંત્ર ઉપર થઈ રહેલો હુમલો છે. રાહુલે છાત્રોને સંબોધિત કરતા કહ્યું હતું કે અલગ  અલગ પરંપરા, ધર્મો અને વિચારને સાથે રાખવા માટે એક જગ્યાની જરૂરીયાત હોય છે અને આ જગ્યાને બનાવવાની સૌથી સારી રીતે લોકતાંત્રિક વ્યવસથા છે.

રાહુલ ગાંધીની આ ટિપ્પણીઓ ઉપર ભાજપે પલટવાર કર્યો છે. ભાજપ પ્રવક્તા શહઝાદ પુનાવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક પોસ્ટમાં કહ્યું હતું કે  રાહુલ ગાંધી ફરી એક વખત પ્રોપેગેન્ડા લીડર તરીકે વ્યવહાર કરી રહ્યા છે. વિદેશમાં જઈને ભારતીય લોકતંત્ર ઉપર પ્રહાર કરે છે. અંતે તેઓ ભારત સામે લડવા માગે છે. ક્યારેયક અમેરિકા અને બ્રિટનને દેશના મામલામાં હસ્તક્ષેપ કરવાની માગણી કરે છે.

ભાજપ સાંસદ રવીશંકર પ્રસાદે કહ્યું હતું કે ભારતના લોકોને વિજયાદશમી ઉપર શુભકામના આપી હોત તો સારુ હતી પણ તેઓ ભારત ઉપર હુમલો કરી રહ્યા છે. દેશમાં પણ પ્રહાર કરે છે અને વિદેશ જઈને પણ પ્રહાર કરે છે. રવીશંકર પ્રસાદે કહ્યું હતું કે, વિદેશમાં જઈને દેશનું અપમાન કરશે તો દેશમાં જે સીટ મળી છે તે પણ નહીં મળે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક