પાકિસ્તાની
સેનાએ લોકો ઉપર ગોળીબાર શરૂ કર્યો, 200થી વધુને ઈજા
નવી
દિલ્હી, તા. 2 : પીઓકેમાં છેલ્લા ત્રણ દિવસથી મોટાપાયે વિરોધ અને હિંસક પ્રદર્શન થઈ
રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં અત્યારસુધીમાં
12 નાગરિકોના મૃત્યુ થઈ ચુક્યા છે. જ્યારે 200થી વધારે લોકોને ઈજા પહોંચી છે. ઘણા ઘાયલોની
સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર પ્રદર્શનકારીઓને
ખદેડવા માટે સુરક્ષા દળો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો અને ટિયર ગેસના સેલ છોડવામાં
આવ્યા હતા. મૃતકોમાં પાંચ મુઝફફરાબાદના, પાંચ ધીરકોટના અને બે ડડિયાલના છે. પ્રદર્શન
દરમિયાન ત્રણ પોલીસ કર્મચારી પણ માર્યા ગયા છે.
પ્રદર્શનની
શરૂઆત સરકાર દ્વારા પીઓકેના લોકોની મુળભુત માગ પુરી ન કરવામાં આવતા થઈ હતી. જો કે હવે
આ આંદોલન પાકિસ્તાની સેનાની બળજબરી સામે વ્યાપક વિરોધમાં રૂપમાં બદલાયું છે. સ્થાનિક લોકો આરોપ મુકી રહ્યા છે કે,
ક્ષેત્રમાં સતત શોષણ અને સંસાધનની લૂંટ કરવામાં આવી રહી છે. જ્યારે લોકોને પાયાની સુવિધા
મળી રહી નથી.
હિંસામાં
ઘાયલ થયેલા મોટાભાગના લોકોને ગોળીથી ઈજા પહોંચી છે. ઘણી હોસ્પિટલમાં ભીડ વધી રહી છે
અને સ્વાસ્થ્ય સુવિધાની કમીના કારણે હાલાત બગડી રહ્યા છે. વિશ્લેષકોના કહેવા પ્રમાણે
આ આંદોલન પીઓકેમાં હાલના વર્ષોનું સૌથી મોટું આંદોલન છે. જેણે પાકિસ્તાની પ્રશાસન અને
સેના સામેની નારાજગીને છતી કરી છે.