ઉદ્યોગ
ક્ષેત્રે ધીરજલાલ સુવાગિયા (ફાલ્કન ગ્રુપ), કૃષિ ક્ષેત્રે બલદેવ ખાત્રાણી (કૃષિકર્મી),
રમતગમત ક્ષેત્રે જયદેવ ઉનડકટ (ક્રિકેટર), સેવા ક્ષેત્રે અરુણ દવે (લોકભારતી સણોસરા)
તેમજ કલા ક્ષેત્રે કૌશિક સિંધવ (નાટય દિગ્દર્શક-અભિનેતા)નું સન્માન કરાયું
કાર્યક્રમમાં
ફૂલછાબના મેનેજીંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયા, સાંસદ પુરુષોતમ રૂપાલા, ધારાસભ્યો રમેશ
ટીલાળા, દર્શિતા શાહ, ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી, રવિ ટેક્નોફોર્જના અમુભાઈ ભારદિયા વગેરેની
ઉપસ્થિતિ
(ફૂલછાબ
ન્યુઝ)
રાજકોટ
તા.2 : સૌરાષ્ટ્રના શિરમોર વર્તમાન પત્ર અને લોકોની વાચા-વિચારધારા સમાન ફૂલછાબ દૈનિક
આજે વિજયાદશમીના પાવનપર્વે પ્રજાલક્ષી પત્રકારત્વના 104 વર્ષ પૂર્ણ કરીને 105મા વર્ષમાં
મંગલ પ્રવેશ કરતાં આ પાવન અવસરે પ્રતિ વર્ષની પરંપરા અનુસાર સેવા, ઉદ્યોગ, કૃષિ, રમતગમત
અને કલાક્ષેત્રે માતબર યોગદાન આપી સિદ્ધિ પ્રાપ્ત કરનારા પાંચ પ્રતિભાસંપન્ન વ્યક્તિઓને
પૂ.મોરારિબાપુ તેમજ ફૂલછાબના મેનેજીંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયાના હસ્તે સ્મૃતિચિહ્ન
અને રૂ.51,000ની ધનરાશિ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
શહેરના
પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉદ્યોગ ક્ષેત્રે ધીરજલાલ સુવાગિયા
(ફાલ્કન ગ્રુપ), કૃષિ ક્ષેત્રે બલદેવ ખાત્રાણી (ગુલાબના કૃષિકર્મી), રમતગમત ક્ષેત્રે
જયદેવ ઉનડકટ (ક્રિકેટર), સેવા ક્ષેત્રે અરુણ દવે (લોકભારતી સણોસરા) તેમજ કલા ક્ષેત્રે
કૌશિક સિંધવ (નાટય દિગ્દર્શક-અભિનેતા)નું ફૂલછાબ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોતાના ઉદ્બોધનમાં મારારિબાપુએ જણાવ્યું હતું કે, રામચરિત માનસમાં લખ્યું
છે કે, પાંચ વસ્તુ ગંગાની જેમ બધાનું કલ્યાણ કરતી થાય તો જ તેની સાર્થકતા છે, આ પાંચ
વસ્તુઓ એટલે મતિ, કિર્તી, ઊર્ધ્વગતિ, ભણનીતિ અને ભૂતિ.
મતિ
એટલે માણસની બુદ્ધિ, જ્યારે તે પોતાના કાર્યોને સિદ્ધ કરે તો જ તેની સાર્થકતા છે. ફૂલછાબની
પ્રજ્ઞા અને એની મતિ વધતી જાય છે. એમાં જે લેખો આવે છે તેને જોઈને આંનંદ થાય છે.
કિર્તી
અર્થાત્ આપણને જે ક્ષેત્રમાં પ્રતિષ્ઠા મળી છે તે આપણા પૂરતી સીમિત ન રહેવી જોઈએ પરંતુ
બધાનું શુભ કરતી રહેવી જોઈએ. ફૂલછાબની કિર્તી દિનપ્રતિદિન વધી રહી છે. ઊર્ધ્વગતિ અર્થાત
ફૂલછાબ જે પાંચેય મહાનુભાવોને એવોર્ડથી પોંખવા જઈ રહ્યું છે તેઓએ પોતાના ક્ષેત્રમાં
પ્રગતિ કરી છે જે પણ તેમની સાર્થકતા સાબિત કરે છે. ભણનીતિ અર્થાત્ કવિતા, સાહિત્ય અને
શબ્દસાધના એ પણ બધાનું કલ્યાણ કરનારી હોવી જોઈએ અને છેલ્લે ભૂતિ અર્થાત ઐશ્વર્ય, ફૂલછાબ
એવોર્ડમાં સહયોગ આપનારા દાતાઓ મૌન રહીને સેવા કરી રહ્યાં છે, ભગવાને તેમને જે એશ્વર્ય
પ્રદાન કર્યુ છે તેનો સદુપયોગ કરે છે. ફૂલછાબનું ભૂતિ તત્વ પણ વિસ્તરતું જાય છે.
બાપુએ
વધુમાં જણાવ્યું હતું કે, ફૂલછાબ પાસે શીલવંત પરંપરા છે, ફૂલછાબના પૂર્વસુરીઓ હરસુખભાઈ
સંઘાણી, કૌશિકભાઈ મહેતા, વર્તમાન તંત્રી જ્વલંત છાયાના શબ્દોથી હુ પરિચિત છું. હું
જાણું છું કે, શબ્દ એ બ્રહ્મ છે. અશબ્દ એ પરબ્રહ્મ છે અને અપશબ્દ એ માયા છે. મારા અમુક
વ્યસનો છે જેમાંનું એક વ્યસન ફૂલછાબ છે. હું દુનિયાના કોઈપણ ખૂણે કેમ ન હોઉં, રોજ સવારે
પાંચ વાગ્યે મારા યજ્ઞકુંડ પાસે ફૂલછાબ હોય જ છે.
પ્રસન્નજીત
રાજા જ્યારે બુદ્ધને ચાતુર્માસ માટે નિમંત્રિત કરે છે એ પ્રસંગે બુદ્ધે આનંદને કહેલા
શબ્દોનો બાપુએ ફૂલછાબની એવોર્ડ આપવાની પ્રણાલી સાથે સુમેળ સાધતા જણાવ્યું હતું કે,
ભગવાન બુદ્ધ એમ કહે છે કે, સન્માન યોગ્ય વ્યક્તિનું થવું જોઈએ. ફૂલછાબે પણ આટલા વર્ષોની
યાત્રામાં હંમેશાં યોગ્ય વ્યક્તિઓનું સન્માન કર્યુ છે. બુદ્ધે કહેલું કે, યોગ્ય સંસ્થા
દ્વારા સન્માન થવું જોઈએ. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ, જન્મભૂમિ અને ફૂલછાબ પણ એવોર્ડ આપનારી
શીલવંત સંસ્થા છે. બુદ્ધે કહેલું કે, યોગ્ય સ્થાનમાં થવું જોઈએ. રાજકોટમાં ફૂલછાબની
ભૂમિમાં આ સન્માન થઈ રહ્યું છે અને બુદ્ધે કહેલું કે, યોગ્ય સમયે થવું જોઈએ આજે તા.2જી
ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીનો જન્મદિવસ અને પાંચમું બુદ્ધે કહેલું કે, યોગ્ય હાથો દ્વારા
થવું જોઈએ. અહીં બેઠેલા તમામ હાથો એ શ્રેણીમાં આવે છે. વાસુદેવ મહેતાના શબ્દોમાં શુભહસ્તે
નહીં પરંતુ શુદ્ધહસ્તે જ્યારે આ પાંચેય પાંચેય વ્યક્તિનું સન્માન થયું છે ત્યારે એક
સાધુ તરીકે, સાક્ષી તરીકે અને ફૂલછાબના ચાહક અને વાચક તરીકે રાજીપો વ્યક્ત કરું છું.
કાર્યક્રમમાં
રાજકોટના સાંસદ પુરુષોતમ રૂપાલા, ધારાસભ્યો રમેશ ટીલાળા, દર્શિતા શાહ, ઉદ્યોગપતિ મૌલેશ
ઉકાણી, રવિ ટેક્નોફોર્જના અમુભાઈ ભારદિયા, ઉદ્યોગપતિ કમલનયન સોજીત્રા, ફૂલછાબના તંત્રી
જ્વલંત છાયા, મેનેજર નરેન્દ્ર ઝીબા, જ્યુરી કમિટીના અર્જુનસિંહ રાણા, શૈલેષ ટેવાણી,
ડો.થોભણભાઈ ઢોલરિયા, નરેન્દ્રભાઈ દવે, અનુપમભાઈ દોશી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. વી.એસ.ગઢવી
અનિવાર્ય સંજોગોના કારણે આવી શક્યાં ન હતાં.
અન્ય
મહાનુભાવોમાં જય વસાવડા, ભદ્રાયુભાઈ વછરાજાની, જગદીશ કોટડિયા, મહેન્દ્રભાઈ, સંતરામભાઈ,
મિલનભાઈ, જયદેવભાઈ માંકડ, નિલેશભાઈ વાવડિયા, ફૂલછાબના પૂર્વ તંત્રી કૌશિકભાઈ મહેતા,
કવિ, સંજુવાળા, સુનિલ જાદવ, ભરત યાજ્ઞિક વગેરેએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમનું
સુંદર સંચાલન કવિ પ્રણવ પંડયાએ કર્યું હતું.
ધૂળધોયા
ખેડૂતને ફૂલછાબે એવોર્ડ આપ્યો એ જ કાર્યક્રમની ગરિમા : સાંસદ રૂપાલા
રાજકોટના
સાંસદ પુરષોતમ રૂપાલાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, ફૂલછાબનો અર્થ છે ફૂલોની
છાબ..ફૂલોને ચૂંટી ચૂંટીને ભેગા કરીએ એટલે ફૂલછાબ બને એ જ પ્રકારે સમાજના વિવિધ શ્રેત્રના
પ્રતિભાવંતોને શોધવાનો ઉપક્રમ ફૂલછાબે જાળવી રાખ્યો છે જેના માટે સમગ્ર ફૂલછાબ ટીમ
અને એવોર્ડ નિર્ણાયક સમિતિને ધન્યાવાદ પાઠવું છું. સૌથી વધુ ખુશી એ વાતની છે કે, ફૂલછાબ આ વખતે કરલબંધ
કેડીયુ પહેરનારા ખેડૂતનું સન્માન કરવા જઈ રહ્યું છે જે આજના સમયની માગ અને સંદેશ છે.
આજે રાષ્ટ્રીય સ્તરે ખેતી વિષયક અનેક ચર્ચાઓમાં સંવાદ વિવાદ થાય છે ત્યારે ખેડૂતોને
એની સમસ્યામાંથી આપમેળે બહાર નીકળવાનો રસ્તો ફૂલછાબના માધ્યમથી આજે લોકો સુધી પહોંચવાનો
છે. અરુણભાઈના પોખણા થાય એ સ્વાભાવિક છે, એ તપસ્વી છે પરંતુ એક ધૂળધોયા ખેડૂતને ફૂલછાબને
શોધી કાઢે છે તે કાર્યક્રમની વિશેષતા અને ગરિમા છે.
ફૂલછાબ
સાથે મારો નાનપણથી જ સંબંધ છે : ક્રિકેટર જયદેવ ઉનડકટ
ક્રિકેટર
જયદેવ ઉનડકટે જણાવ્યું હતું કે, ફૂલછાબ સાથે મારો નાનપણથી સંબંધ છે. મારા દાદા ફૂલછાબના
ચાહક અને વાચક રહ્યાં છે એટલે મારા ઘરે રોજ ફૂલછાબ આવતું હતું. બાપુની કથા હોય ત્યારે
ફૂલછાબમાં હેડલાઈન આવતી એ હેડલાઈન વાંચીને હું ખૂબ જ ખુશ થતો હતો. આજે સૌથી વધુ ખુશ
મારા દાદા થશે કારણ કે વર્ષ 2010માં હું
ભારતની
ટેસ્ટ ટીમમાં રમીને ઘરે આવ્યો ત્યારે દાદાએ ફૂલછાબ વાંચતા મને કહ્યું હતું કે, શું
આપણને ફૂલછાબ એવોર્ડ ન મળી શકે ? આજે એ સપનું સાકાર થયું છે. જો કે, અહીંથી મારે અટકવાનું
નથી, મારી સાથેના જે એવોર્ડીઓ છે તેઓએ સમાજ ક્ષેત્રે જે કામ કર્યુ છે તેને જોતા હજુ
મારે ઘણં શીખવાનું અને કરવાનું બાકી છે. રમતગમત ક્ષેત્રે હું સમાજને મારું વધુમાં વધુ
યોગદાન કઈ રીતે આપી શકું તેની પ્રેરણા મારે એ લોકો પાસેથી લેવાની છે. કોઈપણ વ્યક્તિની
સફળતા પાછળ તેના પરિવારનો મહત્વપૂર્ણ ભાગ હોય છે. મારા પરિવારે પણ ઘણુ સેક્રીફાય કર્યુ
છે. આજે એ તમામ લોકોનો હું આભાર વ્યક્ત કરું છું.
ફૂલછાબને
બાપુની જન્મદિન ભેટ : રાજકોટમાં રામકથા !
સૌરાષ્ટ્ર
ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટ્રી હાર્દિકભાઈ મામણિયાએ રાજકોટમાં ફૂલછાબ માટે રામકથા યોજવા
માટે મોરારિબાપુને અપીલ કરતાં બાપુએ એ અપીલનો સહજ સ્વીકાર કર્યો હતો. બાપુએ કહ્યું
હતું કે, રઘુકુળની કથા કહું છું જેમાં રાજા દશરથ વિશ્વામિત્રને કહે છે કે, તમને કહેવામાં
વાર લાગશે મને કરવામાં કોઈ જ વાર નહીં લાગે. હું રાજકોટને રામકથા આપવા તૈયાર છું. બાપુની આ જાહેરાતને સભાગૃહમાં
ઉપસ્થિત તમામ શ્રોતાજનો પોતાની ખુરશી ઉપરથી ઉભા થઈને વધાવી લીધી હતી. બાપુએ કહ્યું
હતું કે, હું મારી વ્યાસપીઠ અને મારી રામકથા લઈને રાજકોટ અચૂક આવીશ, કારણ કે, આ શહેરમાં
મારા શ્રોતાજનો સવિશેષ છે પરંતુ સમય, સાલ અને
મારી વ્યસ્તતા જોયા પછી ક્યારે કથા કરવી તે અંગેનો નિર્ણય જાહેર કરીશ.
ફૂલછાબ
એટલે ‘ઈન્ક’ અને ‘સ્પેસ’ વચ્ચેની વાર્તા : મેનેજીંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયા
રાજકોટ
તા. 2 : સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયાએ જણાવ્યું હતું કે, ફૂલછાબનો
એક ભવ્ય ઈતિહાસ છે, આ અખબારને જોવાની એક અનોખી કળા છે. ફૂલછાબ એટલે ‘ઈન્ક’ અને ‘સ્પેસ’
વચ્ચેની વાર્તા. શાહીના સહુ કોઈ વખાણ કરે છે પરંતુ એ શાહી વચ્ચે જે ખાલી જગ્યા છે તેનુ
પણ એટલુ જ મહત્વ છે. 1921માં ફૂલછાબની શરૂઆત વખતે ‘ફ્રીડમ’ (આઝાદી) એની બ્લેન્ક સ્પેસ
હતી અને આજે સેલ્ફ કોન્સિયસનેસ (સ્વચેતના) તેની બ્લેન્ક સ્પેસ છે તેમાં દરેક વખતે પરિવર્તન
આવ્યું છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટે અલગ-અલગ દેશોમાં ગુજરાતી ભાષાના પ્રચાર-પ્રસાર માટે લેખક
જય વસાવડા સાથે મળીને પ્રયત્નો આદર્યા છે. જેમાં ફિનલેન્ડ અને પેરીસમાં ગુજરાતી શીખવવાનો
100 બેંચનો લક્ષ્યાંક સિદ્ધ થયો છે. ગુજરાતી ભાષાને જીવાડવા માટે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ
કટીબદ્ધ છે.
ફૂલછાબ
આગામી એજન્ડા વિષે તેઓએ જણાવ્યું હતું કે, સોલાર ક્ષેત્રે સફળતા મળ્યાં બાદ ફૂલછાબ
આગામી વર્ષે પાંચ એજન્ડા ઉપર કામ કરશે. જેમાં (1) ફૂલછાબ ડિઝીટલ માટેની એક વ્યવિસ્થત
ટીમની રચના કરાશે. દરેક ક્ષણે લોકોને બ્રેકીંગ ન્યુઝ મળી રહેશે. (2) સૌરાષ્ટ્રથી..સૌ..રાષ્ટ્ર..બધા
દેશોમાં અમે ગુજરાતી કેવી રીતે પહોંચી શકે એના માટે અલગ કાર્યક્રમો યોજીશું (3) મેઘાણી
ઓપન ક્લાસરૂમ ચાલુ કરાશે જેમાં દરેક ગામ-વોર્ડને લગતા પ્રશ્નો, તેના નિરાકરણ મુદ્દે
સરકારી અધિકારીઓ, રાજકીય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ચર્ચા કરાશે. (4) પત્રકારત્વના પ્રચાર
પ્રસાર અર્થે ફુલછાબ મીડિયા એકેડમી, યુવા પત્રકારોને સન્માનિત કરવા અમૃતલાલ શેઠ યંગ
જર્નાલિસ્ટ એવોર્ડ તેમજ (5) ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાથે મળીને પાણીની જરૂરિયાત પૂર્ણ
કરવા ફૂલછાબ એક ડેમનું પણ નિર્માણ કરશે.
અભય,
ખરાઈ, બાવાપણું અને રહેમ એટલે અખબાર
મોરારિબાપુએ
પોતાના વકતવ્યમાં અખબાર શબ્દનો મર્મ સમજાવ્યો હતો. બાપુએ જણાવ્યું હતું કે, અખબારને
પોતાની કોઠાસૂઝ હોય છે તેમાં જે પણ લખે તેને પૂરી સ્વાધીનતા હોવી જોઈએ. લખતી વખતે વિવેક
પણ જાળવવો જોઈએ. કોઈના દબાણ નીચે લખવું તે બરાબર નથી. અખબાર શબ્દમાં ‘અ’નો અર્થ છે
અભય,‘ખ’નો અર્થ છે જેમાં પૂરેપૂરી ખરાઈ કરવામાં
આવે, ‘બા’ એટલે બાવાનો બા..અખબારમાં બાવાપણું હોવું જોઈએ જ્યારે એના શીલને આંચ આવે
તો એ સહ્ય ન હોવું જોઈએ. આ પ્રકારનું ફકીરપણું ફૂલછાબના પૂર્વ તંત્રી અને રાષ્ટ્રીય
શાયર એવા ઝવેરચંદ મેંઘાણીને હતું. ગોળમેજી પરિષદમાં જતી વખતે ગાંધીજીને છેલ્લે કટોરો
ઝેરનો આ પી જજો બાપુ..કહીને મેઘાણીના મનમાં જે મંથન ચાલ્યું તેમાં ફકીરીનો રણકો મને
દેખાય છે. આવું બાવાપણું પણ અખબારમાં હોવું જોઈએ. અખબારનો છેલ્લો અક્ષર ‘ર’ છે પોતાના
વાંચકો ઉપર અંતરની રહેમ પણ અખબારમાં હોવી જોઈએ.
ફૂલછાબ
પાના તરફથી હવે ‘પોડકાસ્ટ’ તરફ પ્રયાણ કરી રહ્યું છે : જ્વલંત છાયા
ફૂલછાબના
તંત્રી જ્વલંત છાયાએ જણાવ્યું હતું કે, ફૂલછાબ વિષે આ સભાને શું કહેવું, એક એક ખુરશી
ઉપર એક એક સભા બેઠી છે. જેઓ વર્ષોથી ફૂલછાબને વાંચે છે, પ્રમાણે છે અને અમારી સાથે
પારિવારિક રીતે જોડાયેલા છે. ફૂલછાબની કલાવિધાન તેની સાંસ્કૃતિક ધરોહરને જાળવવાની ખેવના,
સમાજની પીડાને વાચા આપવાની વર્ષો જૂની પરંપરાથી
આ સભા પરિચિત છે. અમૃતલાલ શેઠે 104 વર્ષ પૂર્વે જે યજ્ઞ આરંભ્યો એની શીખાઓ અને ઊર્જાઓ
આજે પણ સમાજને મળી રહી છે અમે પણ હવે એ પરંપરાના વાહક છીએ. હવે પરિવર્તન અને બદલાવનો
સમય છે. હવે પાના તરફથી અમે ‘પોડકાસ્ટ’ તરફ જઈ રહ્યાં છીએ. ડિજીટલ યુગમાં અમે જોડાઈ
રહ્યાં છીએ. અહીં બેઠેલા ફૂલછાબના તમામ ચાહકો અને વાંચકો ફૂલછાબને ઘરે-ઘરે પહોંચાડવા
ફૂલછાબના ‘સારથિ’ બને તેવો મારો અનુરોધ છે.
સમાચાર
એ ફૂલછાબનું મુખ્ય અંગ છે અને સમાજસેવા બીજું પાસું છે : નરેન્દ્ર ઝીબા
ફૂલછાબના
મેનેજર નરેન્દ્ર ઝીબાએ જણાવ્યું હતું કે, ફૂલછાબ આજે પાંચ વ્યક્તિને પોંખી રહ્યું છે,
આ એવોર્ડ માટે 300થી વધુ અરજીઓ આવી હતી તેમાંથી શ્રેષ્ઠ પ્રતિભાની પસંદગી કરવી કઠિન
હતી જે કામ એવોર્ડ નિર્ણાયક સમિતિએ સુપેરે પાર પાડયું છે. આજે ફૂલછાબ 105મા વર્ષમાં
પ્રવેશી રહ્યું છે ત્યારે છેલ્લા 10 દાયકામાં ફૂલછાબે ફોટોટાઈપ સેટીંગથી માંડીને હવે
ફૂલછાબ ડિજીટલ તરફની કૂચ કરી છે. એ સમયગાળામાં ફૂલછાબે ઘણા ચડાવ-ઉતાર પણ જોયા છે. ફૂલછાબે
હંમેશાં દેશની સાથે રહીને સમાજને સાચી દિશા દેખાડી છે, સમાચાર એ ફૂલછાબનું અંગ છે અને
સમાજસેવા એનું બીજું પાસું છે.