• શુક્રવાર, 13 માર્ચ, 2026

ગોંડલ-મહુવામાં 1.5, કોટડાપીઠા અને મોરબીમાં 1 ઇંચ વરસાદ

રાજકોટ, માળિયા હાટીના, ટંકારા અને હળવદમાં ઝાપટા વરસ્યા : મગફળી, સોયાબીન સહિતના પાકને ભારે નુકસાન

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા.2: આ વખતે નવરાત્રીની રંગત જામી હતી ત્યાં જ મેઘરાજાનું આગમન થતા છેલ્લા ત્રણેક દિવસથી ઘણા શહેરમાં ગરબી અને દાંડિયા રાસના આયોજન બંધ રાખવામાં આવ્યા હતા. જો કે આજે દશેરાના દિવસે પણ રાજકોટ, મોરબી, ગોંડલ સહિતના વિસ્તારમાં વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો. ગોંડલ અને મહુવામાં ધોધમાર 1.5 ઇંચ વરસાદ વરસતા રાજમાર્ગો પર પાણી વહેતા થયા હતા. તો કોટડાપીઠા અને મોરબીમાં એક-એક ઇંચ વરસાદ વરસ્યો હતો. તેમજ રાજકોટમાં આજે બપોરે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. એક બાજુ ખરીફ પાકની સીઝન ચાલી રહી છે ત્યારે જ વરસાદનું આગમન થતા ખેડૂતો ભારે ચિંતામા મુકાયા છે કારણ કે મગફળી અને સોયાબીન પાકને ભારે નુકસાન પહોચ્યું છે.          

ગોંડલ: છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે પણ સવારથી વરસાદના ઝાપટા વરસી રહયા હતા. દરમિયાન બપોરે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડતા રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આજે વધુ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

માળિયા હાટીના : આજે પાંચમા દિવસે પણ સવારથી  બપોરના ત્રણ વાગ્યા સુધી દર અડધી અડધી કલાકે  વરસાદ પડયો હતો. વરસાદના કારણે બજારો બપોરના ત્રણ વાગ્યા સુધી  સુમસામ જોવા મળી હતી.

ધોરાજી : સતત પાંચમા દિવસે રાત્રિના સમયે વરસાદ આવતા નવરાત્રીમાં વિઘ્ન આવ્યું હતું. આ બાબતે ખેલૈયાઓને પૂછતા તેઓએ જણાવ્યું કે નવરાત્રીમાં અમને આનંદ આવતો હોય છે અને છેલ્લા દિવસોએ તો ખૂબ જ આનંદ આવતો હોય છે પરંતુ આ વખતે મેઘરાજાની એન્ટ્રી થતા રાસ-ગરબા રમવામાં તકલીફ પડી રહી છે.

કોટડાપીઠા: આજે સાંજે 5 વાગ્યા બાદ જોરદાર વરસાદ વરસ્યો હતો અને એક ઇંચ વરસાદ વરસતા આગોતરી મગફળીને ભારે નુકસાન થયુ હતું. વરસાદના કારણે ઉભા પાકને નુકશાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

મોરબી: સતત પાચમાં દિવસે પણ વરસાદ વરસ્યો હતો. આજે મોરબીમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તેમજ વાંકાનેરમાં અડધો અને હળવદ, ટંકારા અને માળિયામાં ઝાપટા વરસ્યા હતા.

ભાવનગર: ગોહિલવાડ પંથકમાં આજે દિવસભર વરસાદી માહોલ રહ્યો હતો. જિલ્લાના મહુવામાં બપોરે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો અને દોઢ ઇંચથી વધુ વરસાદ પડયો હતો. જ્યારે સિહોર અને ઘોઘામા અડધા ઇંચથી વધુ વરસાદ પડયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક