• ગુરુવાર, 18 જૂન, 2026

અમેરિકાને જવાબ : ભારતથી આયાત વધારશે રશિયા

મોદીની પ્રશંસા કરી પુતિને આપ્યો મોટો સંકેત  : વ્યાપાર અસંતુલન ઘટાડવા અમુક નિર્ણયો લેવાની તૈયારી

નવી દિલ્હી, તા. 3 : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. પુતિને કહ્યું છે કે મોદી એક બુદ્ધિશાળી નેતા છે અને પોતાના દેશના હિત સાથે ક્યારેય સમજૂતિ કરશે નહીં. પીએમ મોદી એવું કોઈપણ પગલું ભરશે નહીં જેનાથી ભારતીયોને નુકસાન થાય. આ સાથે રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે વ્યપાર અસંતુલન દૂર કરવા માટે રશિયા ભારતથી આયાતને વધારશે.  રશિયન રાષ્ટ્રપતિ પુતિનના કહેવા પ્રમાણે રશિયા અને ભારત વચ્ચે ક્યારેય કોઈપણ પ્રકારનો વિવાદ રહ્યો નથી. તેવામાં બન્ને દેશ વચ્ચે જે સંબંધ છે તેવા કોઈની સાથે નથી. સોચીમાં વાલદાઈ ડિસ્કશન ક્લબમાં પુતિને કહ્યું હતું કે ભારત વિચાર્યા કે સમજ્યા વિના કોઈ નિર્ણય કરતું નથી. મોદીને પોતાના મિત્ર ગણાવતા કહ્યું હતું કે તેઓની સાથે વિશ્વાસપાત્ર સંબંધથી સહજ અનુભવ કરે છે. જ્યારે વ્યાપાર અસંતુલનને દૂર કરવા માટે રશિયા ભારતમાંથી વધારે કૃષિ ઉત્પાદન અને દવા ખરીદી શકે છે.

તેઓએ રશિયા અને ભારત વચ્ચે આર્થિક સહયોગની અપાર સંભાવનાનો ઉલ્લેખ કર્યો હતો. જો કે આ અવસર માટે અમુક ખામીઓના ઉકેલની જરૂરિયાતનો સ્વીકાર કર્યો હતો. પુતિને ઉલ્લેખ કર્યો હતો કે રશિયા અને ભારત વચ્ચે વિશેષ રણનીતિક વિશેષાધિકાર પ્રાપ્ત ભાગીદારીની ઘોષણાને પણ 15 વર્ષ પૂર્ણ થવાના છે. 

ઇ-પેપરના નવા શુલ્ક