પૂજારીનો રૂમ બહારથી બંધ કરીને મૂર્તિઓ તોડી નાંખી, કાચ તોડી નંખાયા : પૂજારીએ ચાર લોકોને ભાગતા જોયા : સાધુ-સંત સમાજમાં ઉગ્ર રોષ, પોલીસમાં અરજી
જૂનાગઢ,
તા. 5: જૂનાગઢમાં ગિરનાર પર્વતના 5500 પગથિયાં નજીક આવેલી નાથ સંપ્રદાયના ગુરુ ગૌરક્ષનાથની
પવિત્ર જગ્યા (ગોરખ ટૂંક)માં મોડીરાત્રે અજાણ્યા શખસો દ્વારા તોડફોડ કરવામાં આવી છે.
ઘટના સામે સાધુ-સંતોમાં ધગધગતો આક્રોષ ફેલાયો છે. સંત સમાજે માગ કરી છે કે, આ ધર્મભ્રષ્ટ
કૃત્ય કરનારા શખસોને તાત્કાલિક ધોરણે પકડી પાડી કડકમાં કડક સજા થવી જોઈએ, જેથી ભવિષ્યમાં
કોઈ આવું જઘન્ય કૃત્ય કરવાની હિંમત ન કરે.
આ ઘટના સંદર્ભે ગૌરક્ષનાથ મંદિરના મહંત સોમનાથ બાપુએ જણાવ્યું હતું કે આજે વહેલી
સવારે ચાર વાગ્યાની આસપાસ મંદિરનો પૂજારી સૂતા હતા ત્યારે તેના રૂમને બહારથી નકુચો
બંધ કરી દેવાયો હતો. ત્યારબાદ મંદિરમાં પ્રવેશ કરીને તોડફોડ કરવામાં આવી હતી જ્યારે
પૂજારીએ બારી ખોલીને બહાર જોયું અને બૂમાબૂમ કરી, ત્યારે તેને કોઈ મદદ મળી નહોતી. પૂજારીએ
બારીમાંથી જોયું ત્યારે ચાર લોકો નીચે ઉતરતા હતા. આવારા તત્ત્વો દ્વારા મંદિરમાં મૂર્તિ
તેમજ કાચ તોડી નાખવામાં આવ્યા છે અને પૂજાની તેમજ અન્ય સામગ્રી અસ્તવ્યસ્ત કરી નાખવામાં
આવી
છે.
મહંત
સોમનાથ બાપુએ જણાવ્યું હતું કે અગાઉ પણ આવી ઘટના બની છે, જ્યારે રામદેવપીરની મૂર્તિની
સ્થાપના કરવામાં આવી હતી અને જૈન સમુદાય દ્વારા તેનો વિરોધ થયો હતો. ત્યારબાદ ત્રણ
દિવસમાં જ તે મૂર્તિની ચોરી થઈ હતી, જે આજદિન સુધી મળી નથી. હાલ આ કૃત્ય કોના દ્વારા
કરાયું તે કહી ન શકાય, પરંતુ અવારનવાર હિન્દુ મંદિરોને જૈન સંપ્રદાય દ્વારા ટાર્ગેટ
બનાવવામાં આવે છે. ત્યારે કદાચ (જુઓ પાનું 10)
આ કૃત્ય
પણ જૈન સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યું હોય તેવી અમને આશંકા છે.
જૂનાગઢના
પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએઁ જણાવ્યું હતું
કે બનાવની જાણ થતાં જ પોલીસની અલગ અલગ ટીમો બનાવની જગ્યા પર પહોંચી હતી. આ મામલે કાયદેસરની
ફરિયાદ નોંધી જૂનાગઢ જિલ્લા એલસીબી , ભવનાથ પોલીસ સ્ટેશન તેમજ પોલીસની અન્ય અલગ અલગ
ટીમો દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે.
હાલમાં
ભવનાથ પોલીસે ગિરનાર પર મોડી રાતની અવરજવર અને સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સઘન તપાસ હાથ
ધરી છે. આ ઉપરાંત, પર્વત પર લાગેલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે, જેથી તોડફોડ
કરનારા શખસોની ઓળખ થઈ શકે.