અમદાવાદ, તા.3 : રાજ્યમાં ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી શરૂ થયેલા કમોસમી વરસાદથી રાજ્યના અનેક ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન થયું છે ત્યારે મુખ્યમંત્રીએ આજે બપોર બાદ સ્વંય ગિર-સોમનાથ જિલ્લાના કડવાસણ અને જૂનાગઢ જિલ્લાના પાણીધ્રા ગામની મુલાકાત લીધી હતી અને ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને થયેલા નુકસાનનો ક્યાસ સ્થળ સ્થિતિ નિરીક્ષણ દ્વારા મેળવ્યો હતો અને ખેડૂતોની આપવીતી સાંભળી હતી.
આ તબક્કે
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે આ નુકસાનીનો સરવે પૂર્ણ થતાની સાથે જ ખૂબ
જ ટૂંક સમયમાં ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરવાની દિશામાં પણ કામગીરી ખડેપગે રહીને
ઉપાડી છે. સૂત્રોની માહિતી મુજબ હવે, આજકાલમાં જ ખેડૂતો માટે રાહત સહાય પેકેજની જાહેરાત
કરાશે. હાલ ખેડૂતોમાં સરકાર પ્રત્યેની નારાજગી અને વિપક્ષની રાજનીતિની અસરને ખાળવા
માટે હવે, આ રાહત-સહાય પેકેજમાં એનડીઆરએફ-એસડીઆરએફના ધોરણો મુજબ 33 ટકાથી વધુ નુકસાની
વખતે 2 હેક્ટરની મર્યાદામાં સહાય ઉપરાંત રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી રકમ ઉમેરીને
ખેડૂતોને વધુમાં વધુ સહાય મળે તે દિશામાં સરકાર કામ કરી રહી છે.
સરકારનો
દાવો એવો છે કે, તાજેતરની આ કુદરતી આફતના સમયે સંપૂર્ણ સંવેદના સાથે રાજ્યના ખેડૂતોની
પડખે ઉભા રહીને નુકસાનીના સરવેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાવી છે. મુખ્યમંત્રીએ,
ગાંધીનગર ખાતેથી રીયલ ટાઈમ મોનીટરીંગ કરીને તેમજ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને રાજ્યના
ખેડૂતોને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો અને ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનનો
સંપૂર્ણ અહેવાલ મેળવવા માટેની સૂચનાઓ પણ આપી હતી.
અસરગ્રસ્ત
જિલ્લાઓની મુલાકાત સમયે મુખ્યમંત્રીની સાથે મંત્રી અર્જુન મોઢવાડિયા, ડૉ. પ્રદ્યુમન
વાજા અને રાજ્યમંત્રી કૌશિક વેકરિયા પણ જોડાયા હતા. પાણીઘ્રા ગામની મુલાકાત સમયે સાસંદ
રાજેશ ચુડાસમા અને જિલ્લા કલેક્ટરે પાક નુકસાનીની સ્થિતિ અને સંજાગોથી મુખ્યમંત્રીને
વાકેફ કર્યા હતા.
249
તાલુકાના 16,000 ગામમાં ખેતી પાકને નુકસાન, 4800 ટીમ સરવે કામમાં કાર્યરત
તાજેતરના
આ કમોસમી વરસાદમાં પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં 249 તાલુકાના 16,000થી વધુ ગામોના
ખેતી પાકોમાં નુકસાન જોવા મળ્યું છે. આ નુકસાનની સામે હાલની સ્થિતિએ 70 ટકા અસરગ્રસ્ત
વિસ્તારમાં સરવેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બાકીના વિસ્તારોમાં પણ સરવે કામગીરી સત્વરે
પૂર્ણ કરવા મુખ્યમંત્રીના દિશાદર્શનમાં કૃષિ વિભાગ સહિતના સંબંધિત વિભાગો 24બાય7 કાર્યરત
છે. આ કમોસમી વરસાદના કારણે ખેતી પાકમાં થયેલા નુકસાન સામે ખેડૂતોને વધુમાં વધુ ઝડપથી
સહાય મળી શકે તે માટે અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 4800થી વધુ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે
સરવેની કામગીરી કરવામાં આવી છે.