• સોમવાર, 10 નવેમ્બર, 2025

બિલાસપુરમાં યાત્રી ટ્રેન માલગાડી પર ચડી ગઈ!

-           ટ્રેક પર તબાહી: લોહિયાળ રેલવે દુર્ઘટનામાં સાત યાત્રીનાં મૃત્યુ, બાળકો, મહિલાઓ સહિત 15 ઘાયલ

-           ગેસકટરથી બોગીઓ કાપી મૃતદેહો કઢાયા,  મૃતકોના પરિવારોને 10-10 લાખ સહાય

રાયપુર, તા. 4 : છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં મંગળવારની બપોરે ખતરનાક દુર્ઘટના સર્જાઈ હતી. કોરબા મુસાફર ટ્રેન માલગાડી પર ચડી જતાં સાત યાત્રીનાં મૃત્યુ થઈ ગયાં હતાં, તો ઘણાં બાળકો સહિત 15 લોકો ઘાયલ થયા હતા.

આ લોહિયાળ દુર્ઘટનાથી ભારે અફરાતફરી મચી ગઈ હતી. હાવડા રૂટ પર દોડી રહેલી યાત્રી ટ્રેનના અનેક ડબ્બા અકસ્માત પછી પાટા પરથી ઊતરી જતાં યાત્રીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા.

રાજ્યના આરોગ્યમંત્રી શ્યામ બિહારી જાયસ્વાલે જણાવ્યું હતું કે, ટ્રેનમાં ફસાઈ ગયેલા લોકોને ગેસકટર મશીનની મદદથી બહાર કાઢવાની કયાવત કરવી પડી હતી.

દક્ષિણ-પૂર્વ-મધ્ય રેલવેએ મૃતક યાત્રીઓના પરિવારોને 10-10 લાખ રૂપિયા, ગંભીર હદે ઘાયલ યાત્રીઓ માટે પાંચ-પાંચ લાખ તેમજ સામાન્ય ઈજાગ્રસ્ત યાત્રીઓને પણ એક-એક લાખ રૂપિયાની સહાયની ઘોષણા કરી હતી.

ટ્રેનના આખા ડબ્બાને ગેસકટરથી કાપીને તેમાં ફસાયેલા બાળકો, મહિલાઓને સલામત બહાર કાઢવા અભિયાન છેડાયું હતું.

આ લોહિયાળ દુર્ઘટના બાદ રેલવે તંત્રએ સિગ્નલિંગ સિસ્ટમની સર્વગ્રાહી તપાસ વિના વિલંબ કરવાનો આદેશ આપ્યો હતો.

શું મેમુ ટ્રેનના ચાલકને યોગ્ય સિગ્નલ અંગે જાણકારી યોગ્ય સમય પર મળી હતી કે નહીં, તે જાણવાનો પણ પ્રયાસ કરાઈ રહ્યો છે, તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.

દુર્ઘટનામાં જીવ ખોનાર લોકોપાઈલટ વિદ્યાસાગરનો મૃતદેહ એન્જિનમાં ફસાઈ ગયો હતો, તો ગંભીર હદે ઘાયલ મદદનીશ લોકોપાઈલટ રશ્મિને હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરાઈ હતી.

ચારે તરફ ચીસાચીસ, લોહી નીંગળતા મૃતદેહો અને ઈજાગ્રસ્તોની બુમરાણથી ભારે કરુણ દૃશ્યો સર્જાયાં હતાં.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025

Crime

લુંધીયા, ભાડેર અને મોણવેલમાં અસામાજિક પ્રવૃત્તિ કરતી ગેંગથી લોકો ત્રાહિમામ ગ્રામજનો એકઠા થઈ ગેંગને પકડી કડક કાર્યવાહી કરવા પોલીસ મથકમાં માગણી કરી November 10, Mon, 2025