ભારતની પેમેન્ટ સિસ્ટમ અપનાવનાર નવમો દેશ બન્યો મલેશિયા : સહેલાણીઓને ઝંઝટમાંથી મળશે રાહત
નવીદિલ્હી,તા.4:
ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ, યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ)એ વૈશ્વિક સ્તરે
એક વધુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળ ભારતીય ટેકનોલોજીનો નાદ હવે દક્ષિણ-પૂર્વ એશિયા
સુધી પહોંચ્યો છે. ભારતીય નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન (એનપીસીઆઈ)ની આંતરરાષ્ટ્રીય શાખા
એનઆઈપીએલે હવે મલેશિયામાં પણ પોતાની સેવાઓ સત્તાવાર રીતે શરૂ કરી છે. આ મહત્વપૂર્ણ
લૉન્ચ સાથે, મલેશિયા યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ અપનાવનાર વિશ્વનો નવમો દેશ બની ગયો છે,
જેને ભારતના ડિજિટલ નવરત્ન દેશોના સમૂહની પૂર્ણતા તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ પગલાથી
મલેશિયા ફરવા જતા લાખો ભારતીય પ્રવાસીઓને મોટી સુવિધા મળશે. હવે તેમને ખરીદી કરવા કે
સેવાઓનો લાભ લેવા માટે રોકડ કે વિદેશી ચલણ પર સંપૂર્ણપણે નિર્ભર રહેવાની જરૂર રહેશે
નહીં. મલેશિયામાં આ નિર્બાધ ચુકવણી સુવિધા
ઉપલબ્ધ બનાવવા માટે એનઆઈપીએલે મલેશિયાના અગ્રણી પેમેન્ટ ગેટવે રેઝર પે કર્લક સાથે ભાગીદારી
કરી છે. આ નવી સુવિધાનો અર્થ એ છે કે હવે મલેશિયા જતાં ભારતીય પ્રવાસીઓ પોતાના મનપસંદ
યુપીઆઈ એપ્સ, જેમ કે ગૂગલ પે, ફોન પે, પેટીએમ વગેરે વડે સીધી ચુકવણી કરી શકશે.
મલેશિયામાં
યુપીઆઈ શરૂ થવા સાથે જ તે ભારતની આ પેમેન્ટ સિસ્ટમ અપનાવનાર નવમો દેશ બન્યો છે. આ પહેલા
કતાર, ફ્રાન્સ, યુએઈ, મોરિશિયસ, શ્રીલંકા, સિંગાપુર, ભૂતાન અને નેપાળમાં પણ આ સુવિધા
શરૂ થઈ ચૂકી છે.