-કોંગ્રેસ સાંસદના લેખને ટાંકી ભાજપના રાહુલ-તેજસ્વી પર પ્રહાર, કોંગ્રેસીઓ ઉતર્યા બચાવમાં
નવી
દિલ્હી, તા.4 : કોંગ્રેસના સાંસદ શશી થરૂરે એક લેખના માધ્યમથી રાજકીય રાજવંશો પર ટિપ્પણી
કરી હતી. તેમણે ભાર મૂક્યો કે કેવી રીતે વંશીય રાજકારણ શાસનની ગુણવત્તાને નબળી પાડે
છે. જો કે તેમની આવી ટિપ્પણીને કારણે રાજકીય હંગામો મચી ગયો છે. કોંગ્રેસના નેતાઓ ભડકી
ઉઠયા છે તો ભાજપાએ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પર નિશાનો સાધ્યો હતો.
ભાજપે
થરૂરના લેખનો કોંગ્રેસ સામે હથિયાર તરીકે ઉપયોગ કર્યો અને રાહુલ ગાંધીને ભત્રીજાવાદનો
બાળક અને તેજસ્વી યાદવને નાના-ભત્રીજાવાદનો બાળક ગણાવ્યા છે. કોંગ્રેસે હજુ સુધી કોઈ
સત્તાવાર પ્રતિભાવ જારી કર્યો નથી પરંતુ પાર્ટીના નેતાઓએ ગાંધી પરિવારના બચાવમાં પ્રતિક્રિયા
આપી છે.
કોંગ્રેસના
નેતા ઉદિત રાજે કહ્યું, વંશવાદ ફક્ત રાજકારણ પૂરતો મર્યાદિત નથી. તે દરેક ક્ષેત્રમાં
ફેલાયેલો છે. ડૉક્ટરનો દીકરો ડૉક્ટર બને છે. એક ઉદ્યોગપતિનો દીકરો વ્યવસાય સંભાળે છે.
તેથી રાજકારણ પણ અપવાદ નથી. નાયડુથી પવાર સુધી, ડીએમકેથી મમતા બેનર્જી સુધી, માયાવતીથી
અમિત શાહના દીકરા સુધી, રાજવંશોના અસંખ્ય ઉદાહરણો છે. કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ
ગાંધી પરિવારના બલિદાન અને સમર્પણ પર પ્રકાશ પાડયો. તેમણે કહ્યું કે પંડિત નેહરુ આ
દેશના સૌથી સક્ષમ વડાપ્રધાન હતા. ઇન્દિરા ગાંધીએ પોતાનું જીવન બલિદાન આપ્યું. રાજીવ
ગાંધીએ પોતાનું જીવન બલિદાન આપીને દેશની સેવા કરી. ભારતમાં કયા પરિવારમાં આવું બલિદાન,
સમર્પણ અને ક્ષમતા હતી ? શું ભાજપ પાસે આવું હતું ?