-રાજ્ય સરકારની ઉચ્ચસ્તરીય બેઠક મળી : ખેડૂતોને સીધી સહાય પહોંચાડવા માટેના નિયમોનું અંતિમરૂપ અપાયું, તેના આધારે પેકેજ જાહેર કરવાની મંજૂરી પણ અપાઈ
અમદાવાદ,
તા.4 : થોડાક સમય પહેલા ગુજરાતમાં પડેલ કમોસમી
વરસાદના કારણે ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન થયું હતું. આ કારણે સમગ્ર રાજ્યમાંથી
ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવામાં આવે તેવી માગ ઉઠી હતી. ત્યારે આ મામલે સરકાર દ્વારા
તંત્રને ખેતરોનો સરવે કરવા આદેશ કરાયો હતો. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા મીટીંગમાં કરેલી
ચર્ચા વિચારણ બાદ આવતીકાલે મખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સત્તાવાર રીતે આ રાહત
પેકેજ જાહેર થાય તેવી શક્યતાઓ છે.
મહત્ત્વનું
છે કે, ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ અન્ય જિલ્લાઓમાં થોડા સમયે પહેલા પડેલ
કમોસમી વરસાદથી ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું. જેના કારણે ખેડૂતોને
પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાવા પામી છે. રાજ્ય સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરવામાં
આવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી પ્રભાવિત
જિલ્લાઓની ગઇકાલે મુલાકાત લઈને અસર ગ્રસ્ત ગામોના ખેડૂતો પાસેથી સ્થિતિની વિસ્તૃત જાણકારી
મેળવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતની અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગરની
તેમની મુલાકાત દરમિયાન ખેડૂતોના પાકની નુકસાની અંગેની વિગતો મેળવી હતી. આ મુલાકાતોને
પગલે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સમગ્ર સ્થિતિની સમીક્ષા
કરી હતી.
મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાહત પેકેજ મામલે માપદંડો અને સહાયની
પદ્ધતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રતિ હેક્ટર સહાય માટેના નિયમો
તૈયાર થયા છે તાજેતરના વરસાદ અને પાકને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને ખેડૂતોને સીધી
સહાય પહોંચાડવા માટેના નિયમોનું અંતિમરૂપ આપવામાં આવી રહ્યું છે અને હવે તેમની આધારે
પેકેજ જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી છે.રાજ્ય સરકાર આવતીકાલે કૃષિ રાહત પેકેજ જાહેર
કરી શકે છે.
સૂત્રોમાંથી
મળતી માહિતી મુજબ, પેકેજ જાહેર થયા બાદ અન્ય વિભાગો સાથે સંકલન કરી અમલીકરણ શરૂ કરવામાં
આવશે, જેથી ખેડૂતોને સમયસર સહાય મળી રહે. રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને શક્ય તેટલી વહેલી
તકે આર્થિક સહાય પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. આ પેકેજની સત્તાવાર
જાહેરાત આવતીકાલે થવાની શક્યતા છે, જેના અંતર્ગત કેટલા ખેડૂતોને કેટલો લાભ મળશે તેની
સ્પષ્ટતા પણ થશે.
આ બેઠકમાં
કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા, મુખ્ય સચિવ એમ. કે. દાસ, અધિક મહેસૂલ વિભાગના અધિક
મુખ્ય સચિવ જયંતી રવિ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.અંજુ શર્મા, નાણાં વિભાગના
પ્રિન્સિપાલ સેક્રેટરી ટી. નટરાજન, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, સચિવ
ડૉ. વિક્રાંત પાંડે તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. જેઓએ કરેલા પરામર્શ બાદ
રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.