-રાજ્ય સરકાર સાથે મહત્ત્વપૂર્ણ બેઠક મળી : ચાર દિવસ બાદ અનાજ વિતરકોની હડતાલ સમેટાઈ
અમદાવાદ,
તા. 4: રાજ્યભરના રેશાનિંગ દુકાનધારકોની હડતાળનો
આજે(4 નવેમ્બર) અંત આવ્યો છે. અનાજ વિતરકોની છેલ્લા 4 દિવસથી હડતાલ ચાલી રહી હતી, જેના
કારણે લાખો ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકોની મુશ્કેલીઓ પડી રહી હતી. આ પરિસ્થિતિના
તાત્કાલિક ઉકેલ માટે રાજ્ય સરકારનું અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સક્રિય થયું અને
આજે ગાંધીનગર ખાતે વિતરક આગેવાનો સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અન્ન
અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ
અનાજ વિતરકોએ હડતાલ સમેટવાનો નિર્ણય લીધો છે.
મળતી માહિતી અનુસાર, રાજ્ય સરકાર તરફથી અગાઉ કુલ 20 પૈકી 11 માગણીઓ સંતોષાઈ
હતી. ત્યારે આજની બેઠક બાદ મુખ્ય 5 માગણીઓ સ્વીકારવામાં આવી છે. ઉપરાંત રેગ્યુલર કમિશન
3 રૂપિયા કરવા માટે સરકાર સહમત થઈ છે. આ ઉપરાંત મિનિમમ કમિશન પણ 30 હજાર કરવા સરકાર સહમત થઈ છે. બાયોમેટ્રિક પદ્ધતિમાં જૂની પદ્ધતિ
લાગુ કરવા બાબતે સહમતિ દર્શાવવામાં આવી છે. જેમાં તકેદારી સમિતિના 2 સભ્યોના બાયોમેટ્રિક
પર સરકાર સહમત થઈ છે. નોંધનીય છે કે સસ્તા અનાજના દુકાનદારોની હડતાલના કારણે રાજ્યની
17 હજાર દુકાનો બંધ રખાઈ હતી. હડતાળ શરૂ થયાના માત્ર ચાર દિવસમાં જ વિભાગ દ્વારા આ
ત્રીજી વાર બેઠક બોલાવવામાં આવી હતી. આ અગાઉ મંત્રી સ્તરે પણ વિતરકો સાથે બેઠક યોજાઈ
હતી, પરંતુ તેમાં કોઈ નક્કર પરિણામ ન આવતા હવે ઉચ્ચ અધિકારીઓએ કમાન સંભાળી હતી.
હડતાળ
સમાપ્ત થયાની જાહેરાત થતા જ રેશાનિંગ દુકાનધારકોએ તાત્કાલિક ધોરણે પોતાની કામગીરી શરૂ
કરી દીધી છે. દુકાનદારો હવે ચલણ જનરેટ કરીને વહેલી તકે ગોડાઉનમાંથી માલ ઉપાડી લેશે
અને ગ્રાહકોને અનાજનું વિતરણ ફરીથી નિયમિત કરી શકાશે. આ સકારાત્મક સમાધાનથી વિતરકો
અને સરકાર વચ્ચેનો સંવાદ સ્થાપિત થયો છે, જે ભવિષ્યમાં આવી સમસ્યાઓને ટાળવામાં મદદરૂપ
થશે. હવે આગામી દિવસોમાં નાણા વિભાગ દ્વારા કમિશન વધારાની દરખાસ્તને મંજૂરી આપવામાં
આવે તેના પર સૌની નજર રહેશે.