• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

અઢી ડિગ્રી સુધી વધી જશે દુનિયાનું તાપમાન

UNEPના રિપોર્ટમાં ચેતવણી : પેરિસ સમજૂતીના લક્ષ્યો પૂરા થવા છતાં તાપમાનમાં નોંધાશે વૃદ્ધિ

નવી દિલ્હી, તા. 5 : જો તમામ દેશ પોતાના જળવાયુને સુધારવાની પ્રતિજ્ઞાઓનું પૂરી રીતે પાલન કરે તો પણ વર્તમાન સદીમાં વૈશ્વિક તાપમાન 2.3થી 2.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. આ આંકડો ગયા વર્ષની ભવિષ્યવાણી  2.6-2.8 ડિગ્રી કરતા ઓછો છે. જો કે વર્તમાન નીતિઓ હજી પણ ધરતીને 2.8 ડિગ્રીના રસ્તે લઈ જઈ રહી છે. જે ગયા વર્ષની 3.1 ડિગ્રીથી ઓછું છે. આ વાત સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુએનઈપી)ની એમિશન ગેપ રિપોર્ટ 2025મા કરવામાં આવી  છે.

રિપોર્ટ અનુસાર દુનિયા હજી પણ પેરિસ સમજૂતિના 1.5 ડિગ્રીના લક્ષ્યથી ખુબ જ દૂર છે. આગામી દશકમાં તાપમાન અસ્થાયી રૂપથી 1.5 ડિગ્રીથી ઉપર ચાલ્યું જશે. યુએનઈપીના કાર્યકારી ડાયરેક્ટર ઈંગર એન્ડરસ અનુસાર દેશોને પેરિસ સમજૂતિ હેઠળ ત્રણ તક મળી છે. જો કે દરેક વખત લક્ષ્ય ચુકવામાં આવ્યું છે. રાષ્ટ્રીય યોજનાઓથી થોડી પ્રગતિ થઈ છે પણ તેમાં ઝડપ નથી. આ માટે સતત ઉત્સર્જન ઘટાડવા કામ કરવાની જરુરીયાત છે.

પેરિસ સમજૂતિ 2015ની છે. જેમાં દુનિયાએ નક્કી કર્યું હતું કે તાપમાનમાં વૃદ્ધિને 1.5 ડિગ્રી સુધી સીમિત રાખવાનું છે. જો કે રિપોર્ટ કહે છે કે જો તમામ દેશ પોતાના વચન પુરા કરે તો પણ તાપમાન 2.3-2.5 ડિગ્રી વધી જશે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આાવી છે કે આગામી 10 વર્ષમા તાપમાન અસ્થાયી રૂપથી 1.5 ડિગ્રીને પાર કરી જશે. જેને રોકવા માટે વૃદ્ધિને માત્ર 0.3 ડિગ્રી સુધી સીમિત રાખવી પડશે. 2100 સુધીમાં તાપમાનને નીચું લાવવું પડશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક