ત્રણેય સેનાનો પ્રમુખ બન્યો મુનીર : પીએમ પણ છીનવી નહી શકે પદ, વિપક્ષી દળો દ્વારા વિરોધ
ઈસ્લામાબાદ,
તા. 9 : પાકિસ્તાનમાં સેના પ્રમુખ આસિમ મુનિરનું પદ ફરી વધારી દેવામાં આવ્યું છે. જાણકારી
અનુસાર બહુચર્ચિત 27મું સંવિધાન વિધેયક પાકિસ્તાની સંસદમમાં પાસ થયું છે. જેના હેઠળ
સેના પ્રમુખ મુનિરને છુટ્ટોદોર મળી ગયો છે. સેના પ્રમુખ મુનિર હવે પાકિસ્તાની સેનાની
ત્રણેય પાંખનો પ્રમુખ બન્યો છે. પ્રસ્તાવ અનુસાર પીએમ શહબાઝ શરીફ અને રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીની આગેવાનીમાં બદલાવ લાગુ થશે. આ નવા
કાયદાથી સેના પ્રમુખને સુપર પાવર મળી જશે જે તખ્તાપલટને સંવૈધાનિક મંજૂરીની જેવી જ
છે. પાકિસ્તાની સરકાર દ્વારા કરવામાં આવેલા સંવૈધાનિક સંશોધન અંગે હંગામો પણ શરૂ થયો
છે. વિપક્ષી દળો દ્વારા પુરા દેશમાં વિરોધ પ્રદર્શનનું એલાન કરી દીધું છે. વિપક્ષનો
દાવો છે કે સંશોધન સંવિધાનને નબળું પાડશે.
વિધેયકમાં
પાકિસ્તાની સંવિધાનના 243મા આર્ટિકલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ આર્ટિકલ સશત્ર દળો
સંબંધિત છે. જેના હેઠળ રાષ્ટ્રપતિ પીએમની ભલામણ ઉપર સેના પ્રમુખ અને રક્ષા દળ પ્રમુખની
નિયુક્તિ કરશે. સેના પ્રમુખ હવે રક્ષા દળના પ્રમુખ પણ રહેશે. આ ઉપરાંત રક્ષા પ્રમુખ
જ રાષ્ટ્રીય કમાનની નિયુક્તિ પીએમની સલાહ લઈને કરશે. આસિમ મુનીરને પહેલા જ ફીલ્ડ માર્શલનું પદ અપાયું
છે. જ્યારે સંવિધાન સંશોધન કરતા ફીલ્ડ માર્શલનું પદ અને વિશેષાધિકાર આજીવન રહેશે. જોઈન્ટ
ચીફસ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષનું પદ સમાપ્ત કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં
ફીલ્ડ માર્શલનું પદ પીએમ પણ છીનવી શકતા નથી.નવી વ્યવસ્થામાં આર્મી ચીફ રક્ષા દળના પ્રમુખ
તરીકે કામ કરશે અને રાષ્ટ્રપતિ પીએમની ભલામણ ઉપર સેનાની ત્રણેય પાંખના પ્રમુખની નિયુક્તી
કરશે જ્યારે આર્મી ચીફ રક્ષા દળના પ્રમુખ તરીકે યથાવત્ રહેશે.