• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા તો ખેડૂતનો શું વાંક ? : શક્તિસિંહ

            ખેડૂત આક્રોશ રેલી ભાવનગરના લીમડા ગામે પહોંચી, જંગીજાહેર સભા યોજાઇ 

            આગામી દિવસોમાં કોંગ્રેસ ખેડૂતલક્ષી મુદ્દાઓને લઈ મેદાનમાં ઉતરશે

ભાવનગર, તા.9 : રાજ્યભરમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત દયનિય છે. ત્યારે રાજ્ય સરકારે પણ ગત વર્ષોની સરખામણીએ વધુ રાહત પેકેજ 10 હજાર કરોડનું મંજૂર કર્યું છે. તેમ છતાં ખેડૂતોમાં હજુ પાક નુકસાન વળતર, દેવું સંપૂર્ણ માફ, પાક વીમો શરૂ કરવો, નકલી બિયારણ-દવાઓ મામલે અસંતોષ હોય, ત્યારે કોંગ્રેસ દ્વારા ગીર સોમનાથથી ખેડૂત આક્રોશ રેલીનો પ્રારંભ કર્યો છે. જે સૌરાષ્ટ્રના 11 જિલ્લામાંથી પસાર થઈ 13 નવેમ્બરના રોજ દ્વારકા ખાતે પૂર્ણ થશે. આ ખેડૂત આક્રોશ રેલી રાજ્યસભા સાંસદ શક્તાસિંહ ગોહિલના ગામે લીમડા પહોંચી હતી. અહીં સભાને સંબોધતા શક્તાસિંહે ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા તો ખેડૂતનો શું વાંક ? કહી સરકાર પર સીધુ નિશાન તાક્યું હતું.  ખેડૂતોના દેવા માફ અને સહાયને લઈ શક્તાસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, પાક નુકસાની ખૂબ થઈ છે, જેની સરખામણીમાં વળતર ખૂબ ઓછું છે, જેથી સરકારે યોગ્ય વળતર આપવું જોઈએ. એટલે કે સંપૂર્ણ દેવા માફી કરવી જોઈએ. ભૂતકાળમાં અનેક ઉદ્યોગપતિઓના સંપૂર્ણ દેણા માફ કર્યા છે, ત્યારે ખેડૂતોના પણ દેણા માફ કરવા જોઈએ. ખાસ રાજ્ય સરકારે ગુજરાતમાં વર્ષ 2020થી બંધ કરેલો ખેડૂત પાક નુકસાની વીમો જો શરૂ હોય તો આ તમામ નુકસાનીનું પૂરતું વળતર ખેડૂતોને મળ્યું હોત. ત્યારે સરકારે આ પાક વીમો ફરી શરૂ કરવો જોઈએ. અનેક ખેડૂતો અત્યારે પાક નુકસાની મામલે આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોએ આવું પગલું ન ભરવા અપીલ પણ કરી છે. તેમજ આવી ઘટનામાં ભોગ બનેલા ખેડૂત પરિવારને રૂપિયા 25 લાખનું વળતર સરકાર આપવા માગ કરી છે.

તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડનો કૃષિ રાહત પેકેટ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોનું અને કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, તેનાથી ખેડૂતોને મામુલી રકમ જ મળવા પાત્ર છે, જેના કારણે ખેડૂત પગભર પણ થઈ શકે તેવું આ કૃષિ રાહત પેકેજ નથી. આ ઐતિહાસિક નહીં લોલીપોપવાળું રાહત પેકેજ છે.

આ કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ શક્તાસિંહ ગોહિલ તેમજ કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતા લલિત વસોયા, પ્રતાપ દુધાત, જેનીબેન ઠુમ્મર તેમજ બોટાદ, અમરેલી અને ભાવનગરના વિપક્ષ નેતા અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા સરકાર સામે ખેડૂતોના મુદ્દે ખેડૂત આક્રોશ યાત્રા શરૂ કરવામાં આવી છે, તેની માટે સભા યોજાઈ હતી. આવનારા દિવસોમાં કોંગ્રેસ પાક વીમા પોલિસી તેમજ કૃષિ રાહત પેકેજને સહિતના ખેડૂતલક્ષી મુદ્દાઓને લઈ મેદાનમાં ઊતરશે અને ભાજપ સરકારને ઘેરશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક