• બુધવાર, 12 નવેમ્બર, 2025

આતંકીઓએ અમદાવાદના લાલ દરવાજા સહિત ત્રણ સ્થળની કરી હતી રેકી

આતંકીઓઁએ નરોડા ફ્રૂટ માર્કેટ સહિત ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરી વીડિયો બનાવી પાકિસ્તાની હેન્ડલરને મોકલ્યો હતો

અમદાવાદ, તા. 10: ગુજરાત એટીએસએ આઇએસકેપી (ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રોવિન્સ) સાથે જોડાયેલા ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. એટીએસની તપાસમાં આતંકીઓ કોઇ મોટી ઘટનાને અંજામ આપવાના હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદના કેટલાક ભીડભાડવાળા વિસ્તારોની રેકી પણ આ આતંકીઓએ કરી હોવાનો ખુલાસો થયો છે.

એટીએસના અધિકારીઓએ આતંકીઓની સઘન પૂછપરછ કરવાની સાથે મોબાઇલ પર ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે લખનૌ, દિલ્હી,અમદાવાદ અને મુંબઇ જેવા શહેરોના સંવેદનશીલ સ્થળોની રેકી કરી હતી. પોલીસને કેટલાક સ્થળોના ફોટોગ્રાફ્સ પણ મોબાઇલ ફોનમાંથી મળી આવ્યા છે. આ અંગે પણ એટીએસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં આ આતંકીઓઁ નરોડા ફ્રૂટ માર્કેટ, લાલ દરવાજા સહિત ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરી હતી. આ આતંકીઓએ વીડિયો બનાવી પાકિસ્તાની હેન્ડલરને પણ મોકલ્યો હતો. આતંકી અહેમદ લાલ દરવાજા પાસે આવેલી એક હોટલમાં રોકાયો હોવાનો ખુલાસો થયો છે. 

ગુજરાત એટીએસએ દાવો કર્યો કે, ત્રણેય આતંકવાદીઓની એક વર્ષથી વધુ સમયથી દેખરેખ કરાઈ રહી હતી. તેમનું લોકેશન સતત ટ્રેસ કરાઈ રહ્યું હતું અને તેની દરેક હરકતો પર નજર હતી. આ ત્રણેય આઇએસઆઇએસના ખતરનાક વિંગ આઇએસકેપી (ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રોવિન્સ)થી જોડાયેલા બે અલગ અલગ મોડ્યુલનો ભાગ ગણાય છે.

ગુજરાત એટીએસના ડીઆઇજી સુનીલ જોશીના અનુસાર, હૈદરાબાદ નિવાસી 35 વર્ષીય અહમદ મોહિઉદ્દીન અંગે કેટલાક મહિનાઓથી ઇનપુટ મળી રહ્યા હતા અને તેઓ કટ્ટરપંથી ગતિવિધિઓમાં સામેલ છે. આ આધાર પર એટીએસ તેમની દરેક ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક