તેઓ ફરી અમને પ્રેમ કરશે, અમે સારા સોદાની નજીક : સંબંધ સુધારવાનો અમેરિકી રાષ્ટ્રપતિનો સંકેત
વોશિંગ્ટન,
તા.11 : અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત સાથે વેપાર સોદો અને ટેરિફ ઘટાડવાનો સંકેત
આપ્યો છે. તેમણે કહ્યું કે તેઓ (ભારત) અત્યારે અમને પ્રેમ કરતા નથી, પરંતુ તેઓ ફરીથી
અમને પ્રેમ કરશે. અમે એક સારા સોદાની નજીક છીએ.
તેમણે
કહ્યું કે અમેરિકા ભારતીય માલ પર ટેરિફ ઘટાડશે. ઓવલ ઓફિસમાં ભારતના રાજદૂત તરીકે સર્જિયો
ગોરના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન આવી ટિપ્પણી કરી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે બન્ને
દેશ વચ્ચે વાટાઘાટો સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં સંતુલિત કરાર
થશે. અમે ભારત સાથે સોદો કરવા જઈ રહ્યા છીએ. તેઓ ભલે અમને પ્રેમ ન કરે પરંતુ તેઓ સોદા
પછી કરશે. તેઓ ખૂબ જ સારા વાટાઘાટકાર છે. તેથી સર્જિયોએ તેમના પર નજર રાખવી પડશે. પત્રકારોએ
ટેરિફ ઘટાડા પર પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે ટ્રમ્પે કહ્યું કે એ સાચું છે કે ભારત પર ભારે
ટેરિફ લાદવામાં આવ્યો છે પરંતુ તે બધું રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાને કારણે છે. હવે
તેઓએ રશિયા પાસેથી ખરીદી ઘટાડી છે. તેથી ટેરિફ પણ ઘટાડી શકાય છે.
વધુમાં
કહ્યું કે ભારત વિશ્વની સૌથી જૂની સભ્યતા ધરાવતો દેશ છે અને લગભગ 1.5 અબજ લોકોનું ઘર
છે. વડાપ્રધાન મોદી સાથે અમારા ખૂબ સારા સંબંધો છે. સર્જિયો પણ વડાપ્રધાન મોદી સાથે
આરામદાયક બન્યા છે, તેથી અમારા સંબંધો વધુ સુધરશે. અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન
ક્વાત્રાએ કહ્યું કે ગોર ટ્રમ્પના સૌથી વિશ્વસનીય સહાયકોમાંના એક છે અને નવી દિલ્હીમાં
સેવા આપવા માટે તેમનું નામાંકન દ્વિપક્ષીય સંબંધોના મહત્ત્વ અને પ્રાથમિકતાના સૂચક
તરીકે જોવામાં આવે છે.