• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

સંસદમાં ડ્રામા નહીં ડિલિવરી, નારા નહીં નીતિ ચાલશે : મોદી વિપક્ષ બિહારની હારથી હતાશ : મોદીનો કટાક્ષ

મોદી સરકાર નાટક કરી રહી છે: કોંગ્રેસના પલટવાર

નવી દિલ્હી, તા. 1 : સંસદના શિયાળુ અધિવેશનમાં ડ્રામા નહીં ડિલિવરી, નારા નહીં નીતિ ચાલશે, એવા શબ્દોથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને આજે કડક સંદેશો આપ્યો હતો. તાજેતરમાં બિહારની ચૂંટણીમાં વિપક્ષની કારમી હાર ઉપર કટાક્ષ કરતા  મોદીએ કહ્યું હતું કે વિપક્ષ અશાંત હોવાનું લાગી રહ્યું છે. વડા પ્રધાને વિપક્ષને સંસદના અધિવેશનમાં નીતિ અને કાનુન પારિત કરવામાં સહયોગની અપીલ કરતા કહ્યું હતું કે સંસદનો સમય બરબાદ ન થાય એ જરૂરી છે. નારા કરતા નીતિ ઉપર ધ્યાન આપવું એ આપણી ફરજ છે.

‘નાટક’વાળા નિવેદન પર પલટવાર કરતાં કોંગ્રેસે ‘વડાપ્રધાન સૌથી મોટા નાટકબાજ’ એવું કહી નાખ્યું હતું. અસલ મુદ્દા ઉકેલવાના સ્થાને મોદી સરકાર ખોટાં નાટક કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ મૂક્યો હતો કે, કેન્દ્ર સરકાર છેલ્લા 11 વર્ષથી લગાતાર સંસદીય મર્યાદા અને વ્યવસ્થાના લીરા ઉડાવી રહી છે. સંસદનું શિયાળુ અધિવેશન શરૂ થયું એ પહેલા વડા પ્રધાને પરંપરાગત રીતે સંસદના પ્રાંગણમાં સમાચાર માધ્યમોને સંબોધતા વિપક્ષને ટપારતા કહ્યું હતું કે જનતાના હિતોને ધ્યાનમાં લઇને સંસદની કાર્યવાહી શાંતિથી ચાલે એ જોવું જોઇએ. વિપક્ષ ઉપર આકરો કટાક્ષ કરતા મોદીએ કહ્યું હતું કે બિહારમાં તાજેતરમાં થયેલી ચૂંટણીમાં હારથી વિપક્ષ અશાંત હોવાનું લાગી રહ્યું છે. પરંતુ મતભેદો ભૂલીને સંસદમાં દેશની જનતા માટે સારી નીતિ અને કાનૂન પાસ કરાવવા માટે આપણે કામ કરવું જોઇએ. જેથી ચોમાસું અધિવેશનની જેમ શિયાળુ અધિવેશન પણ ધોવાઇ ન જાય.

વડા પ્રધાને કહ્યું હતું કે હું તમામ સાંસદોને અપીલ કરૂં છું કે જે મુદા સામે આવે એના ઉપર વિચાર કરો. ડ્રામા (નાટકબાજી) માટે બહાર ઘણાં મંચ છે, ત્યાં જેને ડ્રામા કરવા હોય એ કરે. પરંતુ સંસદમાં ડ્રામા નહીં, ડિલિવરી થવી જોઇએ. જેમને નારાબાજી કરવી હોય એમના માટે પણ ઘણી જગ્યા છે. તમારે જે નારાબાજી કરવી હતી એ બિહારની ચૂંટણી વખતે કરી લીધી અને એનો જવાબ પણ જનતાએ આપી દીધો છે. પરંતુ સંસદમાં નારા નહીં નીતિ ઉપર જોર આપવું જોઇએ.

વડા પ્રધાને વિપક્ષને સલાહ આપી હતી કે રાજકારણમાં ક્યારેક નકારાત્મકતા પણ કામ કરી જાય એવું બને છે પરંતુ આખરે દેશ (વિકસિત) બનાવવો હોય તો સકારાત્મક વિચારોની જ જરૂર હોય છે. આપણે નકારાત્મકતાને કોરાણે મુકીને દેશના વિકાસ માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.

મોદીએ જણાવ્યું કે વિપક્ષે પણ સંસદમાં જરૂરી મુદા ઉઠાવવા જોઇએ, ચૂંટણીમાં પરાજયના આઘાતમાંથી બહાર આવીને સંસદની કાર્યવાહીમાં ભાગ લેવો જોઇએ. મને હતું કે બિહાર ચૂંટણીને થોડો સમય થઇ ગયો એટલે પોતાને સંભાળી લેશે પરંતુ કાલે સર્વપક્ષિય બેઠક પરથી લાગ્યું કે વિપક્ષો હજુએ પરાજયના આઘાતમાં છે. તમામ રાજકીય પક્ષોને મોદીએ સૂચન કર્યું હતું કે સંસદ હારની ભડાશ કે જીતનો અહંકાર દેખાડવાનો અખાડો ન બનવી જોઇએ. અધિવેશનમાં જનતાનું ધ્યાન હોય છે કે સાંસદો દેશ માટે શું કરવાના છે, કેવા કાયદા બનાવે છે. વિપક્ષે પોતાની જવાબદારી નિભાવી ચર્ચામાં મજબૂત મુદા ઉઠાવવા જોઇએ.

સંસદમાં થશે વંદે માતરમ્ ઉપર ચર્ચા

10 કલાકનો સમય ફાળવાયો

નવી દિલ્હી, તા. 1 : ભારતના રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂરા થવા ઉપર સંસદના શિયાળુ સત્રમાં વિશેષ ચર્ચાનું આયોજન કરવામાં આવશે. લોકસભમાં આગામી ગુરુવાર અથવા તો શુક્રવારના રોજ ચર્ચા થશે. જેના માટે 10 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. પીએમ મોદી પણ આ વિશેષ ચર્ચામાં ભાગ લેશે.  ચર્ચા સ્વતંત્રતા સંગ્રામ માટેના પ્રેરક ગીતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વને રેખાંકિત કરશે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂ દ્વારા 30 નવેમ્બરના રોજ બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક અને લોકસભા-રાજ્યસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં આ પ્રસ્તાવ ઉપર સહમતિ બની હતી. સરકારે આ ચર્ચાને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક ગણાવીને તમામ દળોને તેમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક