વિપક્ષે ફોનમાં એપને પ્રી-ઇન્સ્ટોલ રાખવાના આદેશને કહ્યો, ગેરકાનૂની : સરકારી જાસૂસીની આંશકા વ્યક્ત કરી
સરકારે
કહ્યું, લોકો ઈચ્છે તો એપ ડીલીટ કરી શકે છે
નવીદિલ્હી,
તા.2: દૂરસંચાર વિભાગ દ્વારા મોબાઇલ ફોન ઉત્પાદકો અને આયાતકારોને 90 દિવસની અંદર તમામ
નવા ઉપકરણોમાં સંચારસાથી પહેલેથી ઇન્સ્ટોલ થયેલી હોવી જરૂરી બનાવતો આદેશ આપવામાં આવ્યો
હતો. આ આદેશને પગલે દેશની રાજનીતિમાં મોટો બખેડો સર્જાઈ ગયો. વિપક્ષે સરકાર ઉપર ગંભીર
આરોપ મૂકતા આને ગેરબંધારણીય ગણાવ્યું હતું. વિપક્ષે આ એપ થકી સરકાર પ્રત્યેક વ્યક્તિ
ઉપર નજર રાખવા, જાસૂસી કરવા માગતી હોવાનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષે આ એપ્લિકેશનની
તુલના પેગાસસ જેવા જાસૂસી સોફ્ટવેર સાથે કરી નાખવામાં આવી હતી. જો કે વિપક્ષનાં હોબાળા
બાદ કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે, આ એપને ફોનમાં
રાખવી અનિવાર્ય નથી. લોકો તેને ડીલીટ પણ કરી શકે છે.
ઉલ્લેખનીય
છે કે, દૂરસંચાર વિભાગનાં આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ઉપયોગમાં
આવનાર નવા મોબાઇલ હેંડસેટના ઉત્પાદકો અને આયાતકારોને નિર્દેશ આપે છે કે, 90 દિવસની
અંદર નિર્દિષ્ટ સંચાર સાથી મોબાઇલ એપ ફોનમાં પ્રી-ઈન્સ્ટોલ હોવી જોઈએ.
વિપક્ષ
તરફથી સરકારનાં આ પગલાની સખત આલોચના કરવામાં આવી હતી. કોંગ્રેસના મહામંત્રી કે. સી.
વેણુગોપાલે આ પગલાને અસંવિધાનિક ગણાવ્યું હતું. તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું હતું
કે, બિગ બ્રધર આપણા ઉપર નજર રાખી શકે નહીં. દૂરસંચાર વિભાગનો આ આદેશ ગેરકાનૂની છે.
કોંગ્રેસનાં સાંસદ કાર્તિ ચિદમ્બરમે આને પેગાસસ પ્લસ પ્લસ ગણાવી હતી. કોંગ્રેસનાં નેતાઓ
તરફથી આને સરકારની જાસૂસીની યુક્તિ ગણાવવામાં આવી હતી.
જો
કે સરકાર તરફથી આ ફેંસલાનાં બચાવમાં કહેવામાં આવ્યું હતું કે, આ પગલું ડુપ્લિકેટ અને
નકલી આઇએમઇઆઇ નંબરો રોકવા માટે જરૂરી છે. જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો છે.
સિંધિયાએ કહ્યું હતું કે, વિપક્ષ પાસે જ્યારે કોઈ નક્કર મુદ્દો નથી હોતો ત્યારે તે
જબરદસ્તીથી વિવાદ ઉભા કરવાની કોશિશ કરે છે. સરકારનો ઉદ્દેશ માત્ર લોકોની સુરક્ષા અને
સલામતી સુનિશ્ચિત કરવાનો છે. સંચાર સાથી પોર્ટલમાં અત્યાર સુધીમાં 20 કરોડ લોકો જોડાઈ
ચૂક્યા છે. તેમ છતાં લોકો જો આને ફોનમાંથી ડીલીટ કરવા માગતાં હોય તો કરી જ શકે છે.
તેમાં કોઈ નજર રાખવાની કે જાસૂસીની વાત છે નહીં.
શું
છે સંચાર સાથી એપ ?
સંચાર
સાથીને 2023માં પોર્ટલનાં રૂપમાં શરૂ કરવામાં આવી હતી. આ પોર્ટલની મદદથી સ્પામ અને
સ્કેમ કોલનો રિપોર્ટ કરી શકાય છે. યુઝર પોતાનાં નામે નોંધાયેલા સિમકાર્ડની ઓળખ કરી
શકે છે. ફોન ચોરી થયા હોય તો તેને બ્લોક પણ કરાવી શકાય છે. આ એક સાઈબર સિક્યોરિટી ટૂલ
છે. તેની એપને 17 જાન્યુઆરી, 2025નાં રોજ લોન્ચ કરવામાં આવી હતી.
એપલને
સંચાર સાથી સામે વાંધો
સંચાર
સાથી એપને ફોનમાં પ્રી-ઇન્સ્ટોલ આપવાનાં ભારત સરકારનાં આદેશ સામે અમેરિકાની દિગ્ગજ
સ્માર્ટફોન ઉત્પાદક કંપની એપલ મેદાનમાં આવી ગઈ છે. એપલે ભારત સરકારનાં આ નિર્ણયનો વિરોધ
કરવા અને તેની ચિંતાઓ સરકાર સમક્ષ મૂકવાની તૈયારી કરી છે. એપલનું માનવું છે કે, આ પ્રકારની
અનિવાર્યતા તેનાં ઉપકરણોની ગોપનીયતા અને સુરક્ષાને અસર કરી શકે છે. કંપની આ મુદ્દે
સરકાર પાસેથી સ્પષ્ટતા માગીને ચર્ચા કરશે.