• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

500% ટેરિફ સામે 56ની છાતી

અમે કોઈ પણ દેશ પાસેથી ઓઇલ લઈશું: અમેરિકાના કોઈ દબાણમાં ઊર્જાનીતિ નહીં બદલે ભારત

નવી દિલ્હી, તા. 9: રશિયા પાસેથી તેલખરીદી બદલ પ00 ટકા સુધી ટેરિફ લાદવાની જોગવાઈવાળા અમેરિકાના ખરડા પર પ્રતિક્રિયા આપતાં ભારતે શુક્રવારે મક્કમપણે કહ્યું હતું કે, કોઈનાં દબાણમાં અમે ઊર્જાનીતિ નહીં બદલીએ.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 140 કરોડ ભારતીયનાં હિતોની રક્ષા અમારી પ્રાથમિકતા છે. કોઈ પણ દેશ પાસે તેલ ખરીદશું.

ભારત સરકાર અમેરિકાના રશિયા પર કડક પ્રતિબંધો મૂકતા નવા કાયદા પર સતત નજર રાખી રહી છે, તેવું જયસ્વાલે કહ્યું હતું.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, અમારા દેશના લોકોની ઊર્જા સુરક્ષા જરૂરતોને પૂરી કરવા માટે અલગ-અલગ સ્રોતોમાંથી સસ્તી કિંમતમાં ઊર્જા મેળવવાની નીતિ બદલવાના નથી.

ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે દુનિયાભરની બજારો પર નજર રાખે છે. અમે કોઈ પણ બહારની તાકાતનાં દબાણમાં આવીને ઊર્જાનીતિ બદલવાના નથી, તેવું તેમણે જણાવ્યું હતું.

દરમ્યાન બાંગલાદેશમાં લઘુમતી સમુદાય પર હિંસા અંગે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આવી હિંસા સામે કડક પગલાં જરૂરી છે.

તાઈવાનની સીમા પાસે ચીની સૈન્ય અભ્યાસો પર વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના ઘટનાક્રમો પર ભારતની નજર છે.

‘મોદીએ ટ્રમ્પને ફોન ન કર્યો એટલે ટ્રેડ ડીલ ન થઈ’

અમેરિકી વાણિજ્ય સચિવે કર્યો દાવો : ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું, 2025માં બન્ને નેતાએ 8 વખત વાતચીત કરી

નવી દિલ્હી, તા. 9 : અમેરિકી વાણિજ્ય સચિવ હોવર્ડ લૂટનિકે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે મોટો દાવો કર્યો હતો. અમેરિકી મંત્રીએ કહ્યું હતું કે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન નહોતો કર્યો એટલે ટ્રેડ ડીલ થઈ નથી. જો કે, ભારતીય વિદેશ મંત્રાલયે દાવો ફગાવતા કહ્યું હતું કે 2025માં પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે આઠ વખત ફોન ઉપર વાતચીત થઈ ચુકી છે. હોવર્ડ લૂટનિકે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સ્પષ્ટ રૂપથી કહેવામાં આવે તો આ સોદો અમેરિકી રાષ્ટ્રપતિનો હતો. તેઓ અંતિમ નિર્ણય કરે છે. તમામ બાબતો પહેલાથી જ નક્કી હતી. જેના માટે પીએમ મોદીએ માત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પને ફોન કરવાનો હતો. જો કે, પીએમ મોદીનો ફોન ન આવ્યો એટલે ડીલ થઈ નહીં. લૂટનિકે આગળ  ટ્રમ્પની વાહવાહ કરતા કહ્યું હતું કે ટ્રમ્પ સીડીઓમાં કામ કરે છે. એક સીડી પસાર થયા બાદ પહેલાની ડીલ ફરીથી મળતી નથી. જો કોઈ દેશ રાહ જોવા માગે છે તો તેમાં જોખમ છે.

જો કે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ ઉપર ઉપજેલા વિવાદમાં ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે મિત્રતાના સંબંધ છે અને હંમેશાં રાજદ્વારી નિયમો અનુસાર એકબીજા સાથે પરસ્પર સન્માન સાથે સંબોધન કર્યું છે. લૂટનિકનાં નિવેદન ઉપર જયસ્વાલે કહ્યું હતું કે બન્ને પક્ષ ગયા વર્ષે ફેબ્રુઆરીથી  ઘણા દોરની વાતચીત કરી ચૂક્યા છે. પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે 2025માં આઠ વખત ફોન ઉપર વાતચીત થઈ છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક