સૌથી તીવ્ર આંચકો સવારે 6.19 કલાકે 3.8નો નોંધાયો : લોકોમાં ભયનો માહોલ: કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 27 કિ.મી. દૂર
જેતપુર,
ધોરાજી, રાજકોટ તા.9: રાજકોટ જિલ્લાના જેતપુર, ઉપલેટા અને ધોરાજી પંથકમાં ગુરુવાર સાંજથી
શુક્રવાર બપોરે 12 સુધીમાં 12 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. મોટા ભાગના આંચકાનું
કેન્દ્રબીંદુ ઉપલેટાથી 27 કિ.મી. દૂર નોંધાયું છે. જેને લઇને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં
ભય ફેલાયો છે. જાનહાનિના કોઈ સમાચાર ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, સલામતીને
લઇને ધોરાજી-જેતપુરની તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે. સતત આવતા ભૂકંપના આંચકાના
કારણે સ્થાનિક લોકોને વર્ષ 2001ની યાદ અપાવી
દીધી છે.
જેતપુરમાં
ગુરુવાર રાતથી શુક્રવાર સુધીમાં 12 જેટલા ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ભયનો માહોલ
ફેલાઈ ગયો છે. ગતરાતે 8:43 મીનીટે ભૂકંપનો એક આંચકો આવ્યા બાદ લોકો ભૂકંપના આંચકા વિશે
ચર્ચા કરતા ઉંઘી ગયા બાદ આજે વહેલી સવારે 6:20 મીનીટે ફરી ભૂકંપનો આંચકો આવતા લોકો
મીઠી નિંદ્રામાંથી જાગી ગયા હતાં. ભકંપના આંચકાને લઇને મામલતદાર એ.ડી. બાખલાકીયા દ્વારા
જેતપુર નગરપાલિકા, તાલુકા પંચાયત, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગની એક આપાતકાલીન બેઠક
બોલાવવામાં આવી હતી. જેમાં સ્કૂલોની ઇમારતો ખુલ્લી રાખવી, આરોગ્ય સ્ટાફ હોસ્પીટલ પર
હાજર રહે, તલાટી મંત્રીઓ પોતાની ફરજ પરનો વિસ્તાર છોડે નહિ તેવી સૂચના આપી હતી. તેમજ
પ્રજાને કઈ પણ મુશ્કેલી પડે અને પ્રજાને યોગ્ય તેમજ સાચી માહિતી મળે તે માટે એક કંટ્રોલરૂમ
ચાલુ કરી કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટેના મોબાઈલ નંબર 94299 16996 જાહેર કર્યા હતા.
અને કોઈએ ભૂકંપનો ડર નહિ રાખવાનો સાવચેતી રાખવાની ઉંચી ઇમારતો, જર્જરીત ઇમારતો પાસે
ઉભું રહેવું નહિ તેમજ કોઈ અફવા સાંભળવી નહિ કે ફેલાવવી પણ નહી. આ તમામ આંચકાનું કેન્દ્ર બિંદુ જેતપુર તાલુકાનું
ભાદર નદી કાંઠેનું લુણાગરી ગામ હોવાનું સિસ્મોલોજી દ્વારા જાણ કરાતા લુણાગરી ગામના
લોકો પણ ભૂકંપના આંચકાથી ગામમાં ડરનો માહોલ હોવાનું જણાવ્યું હતું. ગતરાતથી આજ સુધીના
12 જેટલા ભૂકંપના આંચકાઓની તીવ્રતા મેક્સિમમ 3.8 જેટલી નોંધાઈ હોય તે ડરવા જેવી બાબત
ન હોવાનું જાહેર કરવામાં આવ્યું છે અને કોઈ મોટા ભૂકંપની શક્યતા ન હોવાનું પણ બહાર
આવતા લોકોમાં હાશકારો થયો હતો.
લુણાગરી
ગામના આંગણવાડી વર્કર મધુબેન ગઢવીએ જણાવ્યું કે, કાલ રાત બાદ આજે સવારે ભૂકંપનો આંચકો
આવ્યો ત્યારે અમારું ઘર ધણધણી ઉઠ્યું હતું. અને અમો બધા દોડીને ઘરની બહાર નીકળી ગયા
હતાં. અને મને ભૂકંપથી તો બહુ ડર લાગે કેમ કે, 26 વર્ષ પૂર્વે 26મી જાન્યુઆરીએ ભૂકંપ
આવ્યો ત્યારે મારા લગ્ન હતાં. એટલે મારા લગ્ન ભૂકંપના દિવસે ડરના માહોલમાં થયા હતાં.
ગામના આગેવાન પ્રકાશભાઈ સોલંકીએ જણાવ્યું કે, અમોએ દસેક જેટલા ભૂકંપના આંચકા અનુભવ્યા,
અમારા ગામમાં કેટલાક મકાનોમાં ભૂકંપને કારણે તિરાડો પડી ગઈ છે.
ધોરાજીમાં
ગઈકાલે રાત્રિના 8.43 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો હતો જેના કારણે લોકો ઘરની બહાર નીકળી
ગયા હતા. બાદ આજે વહેલી સવારે 6.19 મિનિટ અને 6.55 મિનિટે અને 6.58 અને 9.45 એમ 5 થી
6 વખત ધરા ધ્રુજી હતી. ઉપલેટાથી 28 કિલોમીટર દૂર કેન્દ્રાબિંદુ નોંધાયું છે. ગત રાત્રે
8.43 મિનિટ પણ ભૂકંપનો આચકો આવ્યો હતો.
ધોરાજી-જેતપુરની
તમામ શાળાઓમાં રજા જાહેર
સતત
ભૂકંપના આંચકાથી ધોરાજી અને જેતપુરની તમામ રજા જાહેર કરવામાં આવી છે. વહેલી સવારે વિદ્યાર્થીઓ
રોજના સમય પ્રમાણે શાળાએ પહોંચ્યા હતા, પરંતુ સલામતીને લઇને રાજકોટ જિલ્લા પ્રાથમિક
શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલનો નિર્ણય લઇને વિદ્યાર્થીઓને પરત મોકલવા શાળાના આચર્યોને
જાણ કરી હતી તેમજ અહીંથી સૂચના આપવામાં આવી છે કે સ્થાનિકકક્ષાએ મામલતદાર અને શાળાના
આચાર્યએ નિર્ણય લઇને જ્યાં જણાય ત્યા વિદ્યાર્થીઓને રજા આપી દેવી અને શિક્ષકોને શાળામાં
હાજર રહેવું.