• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

ઇરાન વેરાન : વિરોધ દેશવ્યાપી

ઈરાનમાં ઉગ્ર બન્યું આંદોલન : વાહનો, સરકારી કચેરીઓ આગના હવાલે

મધરાત્રે ઉગ્ર બનેલા પ્રદર્શન બાદ દેશભરમાં ઇન્ટરનેટ, ટેલિફોન સેવા બંધ : ખામેનેઇએ કહ્યું, ટ્રમ્પને ખુશ કરવા લોકો સડક ઉપર ઉતર્યા

નવી દિલ્હી, તા. 9 : ઈરાનમાં જનતાનો વિરોધ ખૂબ જ મોટું સ્વરૂપ લઈ રહ્યો છે અને સોશિયલ મીડિયામાં સામે આવેલા વીડિયો વિરોધના પુરાવા આપી રહ્યા છે. પ્રદર્શનકારીઓની ભારે ભીડ ઈરાનની રાજધાની તેહરાન અને અન્ય શહેરોમાં માર્ચ કરી રહી છે. આને ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈની સરકાર સામે છેલ્લા અમુક સમયમાં થયેલું સૌથી મોટું પ્રદર્શન કહેવામાં આવી રહ્યું છે. મોંઘવારીના વિરોધમાં શરૂ થયેલું આંદોલન મોટો આકાર અને અર્થ લઈ ચૂક્યું છે. આંદોલન વચ્ચે અલી ખામેનેઈએ સંબોધન કરીને અમેરિકી રાષ્ટ્રપતિ ઉપર પ્રહાર કર્યો હતો. તેમણે આરોપ મૂક્યો હતો કે અમુક લોકો ટ્રમ્પ અને બીજા દેશના નેતાઓને ખુશ કરવા સડકો ઉપર ઉતર્યા છે.

ઈરાનમાં ગુરુવારે રાત્રે અચાનક મોટાપાયે વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા. તેહરાન સ્થિત દેશના અંદાજિત 50 શહેરમાં ભીડ ઉમટી પડી હતી. હજારો પ્રદર્શનકારીઓની ભીડ એટલી ઉગ્ર બની હતી કે તેને સંભાળવી મુશ્કેલી બની હતી. જગ્યાએ જગ્યાએ નારેબાજી થઈ હતી અને ઘણા સ્થળે હિંસક પ્રદર્શન પણ થયું હતું. આ દરમિયાન પુરા ઈરાનમાં ઇન્ટરનેટ સેવા અને ટેલીફોન સેવા બંધ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં વિરોધ પ્રદર્શનના ઘણા વીડિયો જોવા મળ્યા હતા. જેમાં ઠેકઠેકાણે ભારે સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. પ્રદર્શનકારીઓએ તેહરાનમાં સડકો ઉપર રહેલી કાર અને બાઇકને આગ ચાંપી હતી. તેમજ સરકારી કચેરીઓને પણ છોડી નહોતી. જોતજોતામાં તેહરાની આગળ વધીને વિરોધ મશહદ, દેજફૂલ અને અન્ય શહેરોમાં પહોંચી ગયું હતું.

અમેરિકન અહેવાલ અનુસાર ઈરાનમાં સતત 12મા દિવસે અશાંતિ રહી હતી. વિરોધ પ્રદર્શન હવે તમામ 31 પ્રાંત અને 140 શહેર સુધી પહોંચી ચૂક્યું છે. આ પ્રદર્શનમાં 34 પ્રદર્શનકારી અને સાત સુરક્ષા કર્મચારીનાં મૃત્યુ થયાં છે. 2270 પ્રદર્શનકારીની ઘરપકડ કરવામાં આવી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈએ પહેલી વખત અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ટ્રમ્પનું પણ પતન થશે. ઈરાનના અમુક લોકો બીજા દેશના નેતાઓને ખુશ કરવા સડક ઉપર ઉતરી આવ્યા છે. જો કે ઈસ્લામિક રિપબ્લિક અશાંતિ સામે નમશે નહીં.

ખામેનેઈની તસવીરને સિગરેટથી સળગાવી રહી છે મહિલાઓ

ઈરાનમાં સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લા ખામેનેઈને હટાવવાની માગ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. જેમાં મહિલાઓ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયફામાં મહિલાઓ ખામેનેઈની તસવીરને સિગરેટથી સળગાવતી જોવા મળી રહી છે. આ કદમ રાજનીતિક સત્તા સાથે સામાજિક નિયમો અને મહિલાઓ ઉપરના પ્રતિબંધોને ખુલ્લો પડકાર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક