ઓરેશ્નિક મિસાઇલના ઉપયોગની રશિયન રક્ષા મંત્રાલય દ્વારા પુષ્ટિ : 242 ડ્રોનથી યુક્રેની ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું
કીવ,
તા. 9 : રશિયાએ વ્લાદિમીર પુતિનના આવાસ ઉપર થયેલા કથિત યુક્રેની હુમલાનો બદલો લીધો
છે. રશિયાની સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે યુક્રેન ઉપર હાઇપરસોનિક મિસાઇલ છોડવામાં
આવી હતી. યુક્રેની અધિકારીઓ અનુસાર યુક્રેનની રાજધાની કીવમાં રાતભર થયેલા હુમલામાં
ચાર લોકો માર્યા ગયા છે જ્યારે 22 લોકોને ઈજા પહોંચી છે. રશિયાના હુમલાની યુક્રેનના
ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયાના અહેવાલ સામે આવ્યા છે. અહેવાલ અનુસાર રશિયા દ્વારા
242 ડ્રોન અને 36 મિસાઇલથી યુક્રેનને નિશાન બનાવવામાં આવ્યું હતું.
જાણકારી
અનુસાર રશિયાએ પહેલી વખત યુક્રેન ઉપર હાઇપરસોનિક ઓરેશ્નિક મિસાઈલથી હુમલો કર્યો હતો.
નવેમ્બર 2024માં રશિયાએ યુક્રેન ઉપર પહેલી વખત ઓરેશ્નિક મિસાઇલથી હુમલો કર્યો હોવાના
રિપોર્ટ હતા. જો કે રશિયા દ્વારા તેને ડમી મિસાઇલ ગણાવવામાં આવી હતી. આ મિસાઇલની સ્પીડ
13 હજાર કિમી પ્રતિ કલાકની હોવાનું કહેવાય છે જ્યારે તાપમાન 4,000 ડિગ્રી સેલ્શિયસ
સુધી પહોંચી શકે છે. રશિયાનાં રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં હુમલાની પુષ્ટિ કરતા કહ્યું
હતું કે આ હુમલો ગયા ડિસેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આવાસ ઉપર યુક્રેન
દ્વારા ડ્રોન હુમલાના પ્રયાસના જવાબમાં કરવામાં આવ્યો છે.
યુક્રેનના સ્થાનિક રિપોર્ટ અનુસાર રશિયા દ્વારા પશ્ચિમ
લવિવ ક્ષેત્રમાં આવેલા એક મોટા અંડરગ્રાઉન્ડ નેચરલ ગેસ સ્ટોરેજને નિશાન બનાવવામાં આવ્યો
હતો. રશિયા દ્વારા યુક્રેનમાં એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડ્રોન મેન્યુફેક્ચરિંગ એકમો
ઉપર રાતભર ડ્રોન વરસાવવામાં આવ્યા હતા. યુક્રેને પણ પુષ્ટિ કરી હતી કે તેના ઉપર
242 ડ્રોન અને 36 મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. કીવ શહેર સૈન્ય પ્રમુખ તૈમૂર ટકાચેંકો
અનુસાર હુમલામાં કીવના ઘણા જિલ્લાને નિશાન બનાવવામાં આવ્યા હતા.