• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

રાજકોટ વાયબ્રન્ટમાં 1500થી વધુ MOU થશે

1800થી વધુ બીટુબી બેઠકો : 110 આંતરરાષ્ટ્રીય ખરીદારો આવશે

ગાંધીનગર, 9: (ફૂલછાબ ન્યુઝ) રાજકોટમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન અને વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન ગુજરાતના વિકાસ ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાવાની તૈયારી છે. 11 થી 15 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાનાર આ પાંચ દિવસીય મહાપ્રદર્શન દરમિયાન રિવર્સ બાયર્સ-સેલર મીટ અંતર્ગત 1500થી વધુ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે, જ્યારે 110 આંતરરાષ્ટ્રીય ખરીદદારોની હાજરીમાં 1800થી વધુ ઇ2ઇ માટિંગ્સ યોજાશે.

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે આ પાંચ દિવસીય વાયબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશનનું ભવ્ય ઉદૃઘાટન કરશે. ઉદૃઘાટન બાદ યોજાનાર કોન્ફરન્સ સત્ર રાજકોટને વૈશ્વિક વ્યાપાર, રોકાણ અને સહયોગનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવશે, જ્યાં દેશ-વિદેશના ઉદ્યોગ નેતાઓ, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ એકત્રિત થશે.

26,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ પ્રદર્શનમાં 400 થી વધુ પ્રદર્શકો વિવિધ ક્ષેત્રોમાં પોતાની ક્ષમતાઓ અને નવીનતાઓ રજૂ કરશે. કૃષિ અને ખાદ્ય પ્રોસાસિંગ, મત્સ્યઉદ્યોગ, સંરક્ષણ, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ, એન્જિનિયારિંગ, બંદરો અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રો ઉપરાંત ટોરેન્ટ પાવર લિમિટેડ, કોસોલ, અદાણી ગ્રીન, એસ્સાર ગ્રુપ, નાયરા એનર્જી, જ્યોતિ સીએનસી  સહિતના અગ્રણી કોર્પોરેટ્સની મજબૂત હાજરી રહેશે.

રિવર્સ બાયર્સ-સેલર્સ મીટ  સ્થાનિક લઘુઉદ્યોગ, હેન્ડલૂમ અને હસ્તકલા ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડીને નોંધપાત્ર પ્રોત્સાહન આપશે. આ કાર્યક્રમ દરમિયાન 1800 થી વધુ બીટુબી  માટિંગ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1500 થી વધુ એમઓયુ પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. આ મીટમાં યુએસએ, યુરોપ અને ઓસ્ટ્રેલિયા સહિત 16 થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ કરતા 110 આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભાગ લેશે, જેમાં એન્જિનિયારિંગ, કૃષિ અને કાપડ જેવા વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. વધુમાં, 20 રાષ્ટ્રીય ખરીદદારો પણ મીટનો ભાગ બનશે, જે સહયોગ અને વૃદ્ધિ માટે તકોને વધુ મજબૂત બનાવશે.

આ પ્રદર્શન છ વિશિષ્ટ થીમેટિક ડોમમાં આયોજિત કરવામાં આવશે, જેમાં ગેટવે ટુ ગ્લોબલ ગ્રોથ, ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ અને પેટ્રોકેમિકલ્સ, ક્રાફ્ટ્સ વિલેજ અને એમએસએમઇ  પેવેલિયન, ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ, એન્ટરપ્રાઇઝ એક્સેલન્સ પેવેલિયન અને પબ્લિક સેક્ટર પાવરહાઉસનો સમાવેશ થાય છે. દરેક ડોમમાં પોપ-અપ સ્ટેજ દ્વારા નવા ઉત્પાદનોનું લોન્ચિંગ, ટેકનોલોજી ડેમો અને મુલાકાતીઓ સાથે સીધો સંવાદ શક્ય બનશે.

55 એકરમાં 6 એક્ઝિબિશન ડોમ-1 મુખ્ય ઇનોગ્રલ હોલ તૈયાર

વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ સમિટનું ઉદ્ઘાટન તા.11ને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે. આ સમિટને લઇ તૈયારીઓ હવે પૂર્ણતાના આરે છે. મારવાડી યુનિવર્સીટી ખાતે 55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ અને 1 મુખ્ય ઇનોગ્રલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાંથી વડાપ્રધાન સમિટને ખુલ્લો મૂકી ઉદ્યોગકારોને સંબોધન કરશે. આ સમિટમાં 350 જેટલા વિદેશી ડેલિગેટ સહિત કુલ 5000થી વધુ ઉદ્યોગકારો ભાગ લેવાના છે અને હજારો કરોડોના એમ.ઓ.યુ. થશે.  એક્ઝિબિશનમાં સ્પેશિયલ એમએસએમઈ હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ માટે ખાસ 4400 સ્કેવર મીટર જગ્યા ફાળવવામાં આવી છે.  (નિશુ કાચા)

 

 

 

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક