• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

સોમનાથ બન્યું શિવમય

સાધુ-સંતોની ડમરુ યાત્રા અને રવાડીમાં હર હર મહાદેવનો નાદ ગુંજ્યો

સોમનાથમાં ભવનાથ જેવા માહોલની અનુભૂતિ કરી યાત્રાળુઓ ભાવવિભોર બન્યા : ભવ્ય યાત્રામાં વિવિધ અખાડાના 500થી વધુ સાધુ-સંતો અને મહંતો જોડાયા

વેરાવળ, તા. 9 : જગવિખ્યાત સોમનાથ મહાદેવના સાન્નિધ્ય પ્રભાસક્ષેત્રમાં ચાલી રહેલા ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વના બીજા દિવસે સાધુ-સંતોની ભવ્ય ડમરું યાત્રા નિકળી હતી. આ યાત્રાના કારણે સમગ્ર સોમનાથ નગરમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો હતો. આમ યાત્રાના પગલે સોમનાથમાં ભવનાથ જેવું ધર્મમય વાતાવરણ સર્જાયું હતું.

આ ડમરું યાત્રા શંખ સર્કલથી શરૂ થઈ હમીરજી સર્કલ થઈને સોમનાથ મહાદેવ મંદિર સુધી પહોંચી હતી. લગભગ એક કિલોમીટર લાંબી આ ભવ્ય યાત્રામાં દેશભરના વિવિધ અખાડાના સાધુ-સંતો અને મહંતો પરંપરાગત વેશભૂષામાં ડમરુંના તાલે જોડાયા હતા. ડમરુંના ગુંજતા તાલ અને શંખનાદ સાથે જયઘોષ થતાં સમગ્ર પ્રભાસક્ષેત્રમાં ધાર્મિક ઊર્જાનો સંચાર થયો હતો. યાત્રા દરમ્યાન ભક્તો, શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકોએ માર્ગની બન્ને બાજુ ઉભા રહી સાધુ-સંતોનું સ્વાગત કર્યું હતું. આ ભવ્ય યાત્રામાં વિવિધ અખાડાના 500થી વધુ સાધુ-સંતો અને મહંતો જોડાયા હતા. સાધુ-સંતોના ડમરુંના તાલે ભક્તો પણ ઝૂમી ઉઠયા હતા. આ ડમરું યાત્રામાં સાંસદ રાજેશ ચુડાસમા, તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ પણ સાધુ-સંતો સાથે જોડાયા હતા. રવાડી દરમિયાન ઢોલ-તાશાના કલાકારોએ પોતાની મનમોહક અને જોરદાર રજૂઆતથી વિશેષ આકર્ષણ ઉભું કર્યું હતું. અંદાજે 50 જેટલા કુશળ કલાકારોએ ઢોલ અને તાસાના તાલ-લય સાથે પરંપરાગત સંગીત પ્રસ્તુત કરી વાતાવરણને રંગીન બનાવી દીધું હતું. ગગનભેદી નાદ સાથે યાત્રિકો પણ નાચી ઉઠયા હતા. રવાડી દરમિયાન ભક્તો દ્વારા જય શિવશંકર અને હર મહાદેવના નાદ સાથે સનાતન સંસ્કૃતિની મહિમા ગુંજાવવામાં આવી હતી. 

વેરાવળ રેલવે સ્ટેશને આવવા-જવાના બે માર્ગને પાલિકાએ વન-વે જાહેર કર્યા

સોમનાથ ટ્રેન માર્ગેઆવતા પ્રવાસીઓને વેરાવળ રેલવે સ્ટેશન પાસે પડતી ટ્રાફિક સમસ્યાને કાયમી માટે નિવારવા અર્થે પાલીકા તંત્રએ બે માર્ગને વન-વે તેમજ ટેક્સિ સ્ટેન્ડની વ્યવસ્થા નિર્ધારીત જાહેર કરી છે. જેમાં રેલવે સ્ટેશન તરફ જવા માટે રામભરોસા ચોકથી સ્ટેશન તરફનો રસ્તાનો ઉપયોગ કરવો તથા સોમનાથ તરફ જવા માટે સ્ટેશનથી અનિલ એન્જિનિયરિંગ તરફ (ચારા પીઠ) વાળા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. ઉપરાંત સ્ટેશનની બહારની સાઈડની દીવાલ રિક્ષા તથા ટેકસી સ્ટેન્ડ માટે નિર્ધારીત કરી છે. આ બન્ને માર્ગ ઉપર અન્ય કોઇ જાતની પ્રવૃતિ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેની જાહેર જનતાએ નોંધ લઈ ઉપયોગ કરવા અપીલ કરી છે.મહાદેવના નાદ સાથે સનાતન સંસ્કૃતિની મહિમા ગુંજાવવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથમાં

સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે સાંજે હવાઈ માર્ગે સોમનાથની પાવનભૂમિ પર પહોંચનાર છે. ત્યારે તેઓને આવકારવા માટેની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂરી કરી લેવામાં આવી છે અને પ્રધાનમંત્રી પહેલા સર્કિટ હાઉસ જશે. ત્યાં સોમનાથ કોરિડોર પ્રોજેક્ટને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજવાના હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે આ બેઠક પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી સોમનાથ મંદિર પરિસરમાં યોજાનાર ઇતિહાસ વર્ણવતો ડ્રોન શો નિહાળશે અને ત્યારબાદ રાત્રે રોકાણ અર્થે ફરી સર્કિટ હાઉસ જશે.

1000થી વધુ સફાઈ કર્મચારીઓ સ્વચ્છતાના કાર્યમાં જોડાયા

સોમનાથ શહેરને સ્વચ્છ બનાવવા માટે માનવબળનું એક વિશાળ ગઠબંધન રચાયું છે. સફાઈકાર્ય માટે વેરાવળ પાલિકાના 300થી વધુ તેમજ અમદાવાદ, જૂનાગઢ, ભાવનગર અને અન્ય પાલિકાઓના 700થી વધુ મળીને કુલ 1000 થી વધુ સફાઈ કર્મયોગીઓ ખડેપગે સેવા આપી રહ્યા છે. આધુનિક મિકેનાઈઝ્ડ સ્વાપિંગ મશીનો દ્વારા મુખ્ય માર્ગોની સઘન સફાઈ કરવામાં આવી રહી છે.

શ્રદ્ધાળુઓ માટે ભંડારા શરૂ

સ્વાભિમાન પર્વમાં સહભાગી થવા આવી રહેલા યાત્રાળુઓ માટે સોમનાથ મંદિરના શંખ સર્કલ પાસે આવેલા અધ્યાપન મંદિર અને સોમનાથ સાગર સેતુ પાસે આવેલી રીકલેમ સાઇટ ખાતે દિવસરાત પ્રસાદની સુવિધા ઉપલબ્ધ કરાવવા ભંડારા ધમધમતા કરવામાં આવ્યા છે. આ પ્રસાદ સેવામાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રાસિંહ શેખાવત, મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રદ્યુમભાઈ વાજા, કૌશિકભાઈ વેકરિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવોઓએ શ્રદ્ધાળુઓને પ્રસાદ પીરસવાની સેવા કરી હતી. આ અન્નક્ષેત્રોમાં ગતરોજ અંદાજે 11 હજાર યાત્રિકોએ પ્રસાદ લીધો હતો. આ સેવા માટે બગદાણા ધામના 400 જેટલા સેવકો સોમનાથ ખાતે દિવસ-રાત સેવા આપી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક