• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

અયોધ્યા મંદિર સંકુલમાં નમાઝ અદા કરતો આધેડ ઝડપાયો - સુરક્ષા દળોએ પકડતાં સૂત્રોચ્ચાર કર્યા, કાશ્મીરી હોવાનો ખુલાસો

અયોધ્યા, તા.10 :  અયોધ્યામાં રામ મંદિર સંકુલમાં સુરક્ષા વ્યવસ્થામાં ચૂકનો બનાવ સામે આવ્યો છે. સુરક્ષા દળોએ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતી વખતે એક આધેડની અટકાયત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કાશ્મીરી આધેડે રામ મંદિર સંકુલના દક્ષિણ કિલ્લા વિસ્તારમાં નમાજ અદા કરવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રત્યક્ષદર્શીઓ અને સૂત્રોના અહેવાલ મુજબ સુરક્ષા કર્મચારીઓ દ્વારા રોકવામાં આવતા શખસે કથિત રીતે સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ ઘટનાસ્થળે હાજર સુરક્ષા દળોએ તાત્કાલિક તેની અટકાયત કરી હતી. ઘટનાની જાણ થતાં જ ગુપ્તચર એજન્સીઓ, સ્થાનિક પોલીસ અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ હરકતમાં આવી ગયા. યુવકની પૂછપરછ કરવામાં આવી છે અને તેના હેતુઓ અને પૃષ્ઠભૂમિની તપાસ કરાતાં સામે આવ્યું કે તે શોપિયાનો પપ વર્ષિય અબ્દુલ અહદ શેખ છે. મંદિરમાં દર્શન કર્યા બાદ તેણે નમાઝ પઢવા પ્રયાસ કર્યો હતો. તેની પાસે રહેલી બેગમાંથી કાજૂ-કિશમિસ મળી આવ્યા હતા. પૂછપરછમાં તેણે અજમેર જવાની વાત કહી છે.

આ ઘટના આજે સવારે બની હોવાનું જાણવા મળે છે. જિલ્લા વહીવટીતંત્રે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. રામ મંદિર ટ્રસ્ટે મૌન જાળવી રાખ્યું છે. અયોધ્યામાં રામ મંદિર સંકુલની આસપાસ 15 કિલોમીટરના ત્રિજ્યામાં કોઈપણ માંસાહારી ખોરાકના વેચાણ અને હોમ ડિલિવરી પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વહીવટીતંત્ર જણાવે છે કે શ્રદ્ધા અને ધાર્મિક લાગણીઓનું રક્ષણ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક