• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

નલિયામાં 6.4, ગિરનાર પર 6.5 ડિગ્રી : કાશ્મીર સાથે ઠંડીની સ્પર્ધા !

-રાજકોટ અને જામનગરમાં 10 ડિગ્રી : રાજ્યમાં 18થી ર3 જાન્યુઆરી વાદળછાયુ વાતાવરણ રહેશે

 

રાજકોટ, અમદાવાદ, તા. 10: હવામાન વિભાગ દ્વારા 12 જાન્યુઆરી સુધી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. જે દરમિયાન એકાદ બે ડિગ્રીની વધઘટ થવાની શક્યતા છે. ત્યારે નલિયા અને ગિરનાર ઠંડી મામલે કાશ્મીર સાથે સ્પર્ધામાં ઉતર્યાં હોય એમ અનુક્રમે 6.4 અને 6.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું જ્યારે રાજકોટ અને જામનગર 10 ડિગ્રી સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી ઠંડા શહેર બની રહ્યા હતા.

 એટલાન્ટિકથી લઈને સહરાના રણ અને આરબ દેશો સુધીની આ અસરોને કારણે આગામી 18 જાન્યુઆરીની આસપાસ એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે. જેના કારણે રાજ્યમાં 18થી 23 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 18 જાન્યુઆરીથી લઘુતમ તાપમાનમાં થોડો વધારો થતા આકરી ઠંડીમાંથી થોડી રાહત મળી શકે છે. ત્યારે સોરઠ પંથકમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગિરનાર પર પારો 6.5 ડિગ્રી નોંધાયો છે.  જૂનાગઢ પંથકમાં કાતિલ ઠંડીથી બચવા લોકોને ઘરમાં પુરાઈ રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

હવામાન નિષ્ણાતોના અનુસાર પવનની ગતિ અને ઉત્તરીય પર્વતીય પ્રદેશોના ઠંડા પવનોને કારણે હાલ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. બંગાળની ખાડી અને અરબ સાગરના ભેજને કારણે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો છવાયેલા રહેશે. પશ્ચિમી વિક્ષેપની અસર ઓછી થતા જ જાન્યુઆરીના અંતમાં ફરીથી ઠંડીનું મોજું ફરી વળશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

જામનગર : જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો પારો નીચે સરકીને સિંગલ ડિજિટની નજીક પહોંચી જતાં 10.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અને મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે. સાથોસાથ પવનની તીવ્રતામાં પણ વધારો થયો હોવાથી શહેરીજનો ઉપરાંત પશુ પક્ષીઓ થર થર કાંપ્યા છે. મોસમનો સૌથી નીચું તાપમાન 10 ડીગ્રી રહેવાના કારણે ગઈ રાત્રે શહેરના માર્ગો સુમસામ નજરે પડતા હતા, તેમજ આજે વહેલી સવારે પણ લોકોની પાંખી હાજરી જોવા મળતી હતી.

ખંભાળિયા : ગઈકાલે ખંભાળિયા સહિત દ્વારકા જિલ્લામાં પ્રથમ વખત ઠંડીનો પારો તાપમાન 12 ડીગ્રી થતા અને ઠંડા પવન વહેતા સીઝનમાં પ્રથમ વખત આકરી ઠંડીથી લોકો થરથર્યા છે. આ સાથે બજારો સવારે આઠને બદલે નવ દશ વાગ્યે શરૂ થવા માંડી છે. રાત્રે દુકાનદારો ઝડપથી દુકાન બંધ કરી ઘરે પહોંચી જાય છે.

ધારી : ધારીમાં શિયાળો પૂરબહારમાં ખિલ્યો છે. ઠંડીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. લોકો રાત્રીના સમયે તાપણાનો સહારો લેતા નજરે પડે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક