• સોમવાર, 18 મે, 2026

ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં સૌરાષ્ટ્રનું ગુજરાત બોર્ડ કરતા ઊંચું પરિણામ

વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યનું 84.33 ટકા, જ્યારે સૌરાષ્ટ્રનું  89.10 ટકા પરિણામ : રાજ્ય બોર્ડ કરતા 4.77 ટકા વધુ

 

રાજકોટ, તા. 4: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓનું પરિણામ આજે એકસાથે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓનું સરેરાશ પરિણામ બન્ને પ્રવાહમાં ગુજરાત રાજ્યના સરેરાશ પરિણામ કરતા ઉંચું આવ્યું છે. આ સાથે સૌરાષ્ટ્રના શૈક્ષણિક ક્ષેત્રએ ફરી એક વખત ગુજરાત રાજ્યમાં પ્રોત્સાહક પરિણામ મેળવીને પ્રભાવ ઉભો કર્યો છે. એમાં પણ મોરબી જિલ્લાએ તો વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર રાજ્યમાં સતત બીજા વર્ષે સૌથી વધુ પરિણામ મેળવીને સીમાચિન્હ હાંસલ કર્યું છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં મજબૂત પરિણામ આપ્યું છે. સામાન્ય પ્રવાહમાં ગુજરાતનું પરિણામ 92.71 ટકા છે, જ્યારે સૌરાષ્ટ્રે 93.86 ટકા પરિણામ મેળવ્યું છે, જે બોર્ડ કરતા 1.36 ટકા વધારે છે. તેમજ વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતનું પરિણામ 84.33 ટકા આવ્યું છે જેની સામે સૌરાષ્ટ્રે 89.10 ટકા પરિણામ મેળવ્યું છે. જે ગુજરાત કરતા 4.77 ટકા જેટલા નોંધપાત્ર સ્તરે વધારે છે.

 ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર અને ભાવનગર જેવા જિલ્લાઓએ સતત મજબૂત પરિણામ આપી પ્રદેશના શિક્ષણ માળખાની અસરકારકતા સાબિત કરી છે. આ દર્શાવે છે કે ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોમાં પણ યોગ્ય માર્ગદર્શન અને સંચાલનથી ઉત્તમ પરિણામ મેળવી શકાય છે.

એકંદરે  2026નું પરિણામ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ગૌરવ અને પ્રેરણાનું પ્રતાબિંબ છે. આ વિસ્તારના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શૈક્ષણિક સંસ્થાઓએ મળીને જે સફળતા મેળવી છે, તે રાજ્યના અન્ય વિસ્તારો માટે પણ માર્ગદર્શક બની શકે છે. આવનારા સમયમાં આ જ ઉત્સાહ અને ગુણવત્તા જળવાઈ રહેશે તો સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ ગુજરાતના શિક્ષણક્ષેત્રમાં આગેવાની જાળવી રાખશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક