• સોમવાર, 18 મે, 2026

પશ્ચિમ બંગાળના વિજય બાદ વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે 10 મેના રોજ રાત્રે જામનગર એરપોર્ટ પર ઉતરાણ અને રાત્રિ રોકાણ કરશે

વડોદરામાં સરદારધામ-3નું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.5 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના વતન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી 11 મેના રોજ પીએમ મોદી ગુજરાતના આંગણે પધારશે, જ્યાં તેઓ સોમનાથમાં ધાર્મિક અને વડોદરામાં સામાજિક ક્ષેત્રના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાનના આ પ્રવાસને લઈને ભાજપ સંગઠન અને રાજ્ય વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

પીએમ મોદીના નિર્ધારિત કાર્યક્રમ મુજબ, તેઓ 10 મેના રોજ મોડી રાત્રે જામનગર એરપોર્ટ પર ઉતરાણ કરશે અને તે રાત્રિ જામનગરમાં જ વિતાવશે. ત્યારબાદ, 11 મેના રોજ વહેલી સવારે તેઓ જામનગરથી પવિત્ર યાત્રાધામ સોમનાથ જવા રવાના થશે. સોમનાથ ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં વડાપ્રધાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને મહાદેવના દર્શન-પૂજન કરી જનસભાને સંબોધિત કરશે. સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી વડોદરા પહોંચશે. વડોદરામાં પાટીદાર સમાજ દ્વારા નિર્મિત અને 150 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભવ્ય સરદારધામ-3નું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ વિશેષ છે કારણ કે તે ‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ના મંત્રને વરેલો છે. આશરે 4.75 લાખ સ્ક્વેર ફૂટમાં પથરાયેલા આ અત્યાધુનિક સંકુલમાં 2000 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે રહેવા-જમવાની અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના કાચિંગની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને જરૂરિયાતમંદ દીકરીઓ માટે માત્ર 1 રૂપિયો ટોકન ફી અને ઉચ્ચ સ્તરની સુરક્ષા પ્રણાલી આ સંકુલની વિશેષતા છે. આ પ્રસંગે પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા વડાપ્રધાનનું ભવ્ય સન્માન કરવામાં આવશે અને તેમને સરદાર ગૌરવ પુરસ્કાર એનાયત કરાશે.

બંગાળના વિજય બાદ પીએમ મોદી પ્રથમવાર જાહેર જનતા વચ્ચે આવી રહ્યા હોવાથી વડોદરામાં ઉત્સાહનું મોજું છે. અંદાજે 30થી 40 હજારની જનમેદની ઉમટી પડવાની શક્યતાને જોતા એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી વડાપ્રધાનનો ભવ્ય રોડ-શો યોજાય તેવી પણ પ્રબળ શક્યતા છે. વડાપ્રધાનના પ્રવાસને સફળ બનાવવા માટે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલય ખાતે એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ, ગિર સોમનાથના કલેક્ટર, પોલીસ અધિક્ષક અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ અને પ્રોટોકોલ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તમામ વિભાગોને સંકલન સાધીને કામ કરવા અને પીએમના કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહે તે માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક