• સોમવાર, 18 મે, 2026

પંજાબમાં BSFની છાવણી પાસે બે સિરિયલ બ્લાસ્ટ

જલંધરમાં સ્કૂટીમાં વિસ્ફોટ : અમૃતસરમાં હુમલાખોરોએ ચાલુ બાઈકે BSFનાં

 

મથક બાજુ વિસ્ફોટક ફેંક્યા : પોલીસવડાએ પાક.નો હાથ હોવાની શંકા દેખાડી

નવી દિલ્હી, તા. 6 : પંજાબમાં મંગળવારની રાતે જલંધર અને અમૃતસરમાં થયેલા બે શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટથી ગભરાટ ફેલાઈ ગયો હતો. આ બન્ને ધડાકાની પ્રાથમિક તપાસ બાદ અમૃતસરમાં પત્રકાર પરિષદમાં પંજાબનાં ડીજીપી ગૌરવ યાદવે મોટો ઘટસ્ફોટ કરતાં કહ્યું હતું કે, બન્ને સ્થાને આઈઈડીનો ઉપયોગ કરીને વિસ્ફોટ કરાયા હતાં. તેમણે કહ્યું હતું કે, ટાઈમર કે રિમોટ કંટ્રોલથી આ વિસ્ફોટ કરવામાં આવ્યા હોવાની આશંકા છે. આટલું જ નહીં તેમણે આ કરતૂત પાછળ પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈની ભૂમિકા હોવાની શંકા પણ વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યુ હતું કે, ઓપરેશન સિંદૂરની વરસીનાં હિસાબે આવી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોઈ શકે છે.

પંજાબનાં ડીજીપીએ કહ્યું હતું કે, આ હુમલા પાક.ની પરોક્ષ લડાઈનો હિસ્સો છે. જેના થકી સરહદ પારથી પંજાબમાં માહોલ બગાડવાની કોશિશ કરવામાં આવી રહી છે.  દરમિયાન જલંધર અને અમૃતસરમાં થયેલા આ વિસ્ફોટની જવાબદારી લેનાર કથિત ખાલિસ્તાન લિબરેશન આર્મી (કેએલએ) મુદ્દે પણ પોલીસે સંશય વ્યક્ત કર્યો હતો. ડીજીપીએ કહ્યું હતું કે, આવા નામનું કોઈ નક્કર સંગઠન અસ્તિત્વમાં નથી અને આવા નામોનો ઉપયોગ કરીને જ સોશિયલ મીડિયામાં ભ્રમ ફેલાવાતો હોય છે. જો કે તેમણે એવું પણ ઉમેર્યુ હતું કે, હાલ આ બન્ને ઘટના વચ્ચે કોઈ સીધી કડી મળી નથી. તપાસ એજન્સીઓ હુમલાખોરોનાં રુટ અને નેટવર્કની તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારની રાતે 8.1પ કલાકનાં સુમારે જલંધરમાં બીએસએફનાં વડામથક બહાર એક સ્કૂટીમાં ધડાકો થયો હતો અને તે એટલો તીવ્ર હતો કે પરિસરની દીવાલો પણ હચમચી ગઈ હતી. જો કે આ ધડાકામાં જાનમાલની કોઈ હાનિ થઈ નહોતી. ત્યારબાદ 10.પ0 આસપાસ અમૃતસરમાં ભારત-પાક. સીમા નજીક ખાસા ક્ષેત્રમાં પણ બીએસએફની છાવણી પાસે જોરદાર ધડાકો થયો હતો. અહીં બે નકાબધારી હુમલાખોરોએ બાઈક ઉપરથી નીકળીને વિસ્ફોટકને હવામાં ઉછાળીને બીએસએફનાં મથક તરફ ફેંક્યા હોવાનું કહેવાય છે.

જલંધરમાં જે સ્કૂટીમાં ધડાકો થયો તે ગઢા વિસ્તારનો રહેવાસી ગુરપ્રીત સિંહનું હતું અને તેની અટકાયત કરી લેવામાં આવી છે. ગુરપ્રીત એક પૂર્વ બીએસએફ જવાનનો પુત્ર છે. તે ફ્લિપકાર્ટમાં કામ કરે છે. તે બીએસએફનાં મુખ્યાલયમાં પાર્સલ આપવા ગયો હતો અને હેલ્મેટ ન પહેરી હોવાનાં કારણે તેને અંદર જવા દેવાયો ન હતો. જેને પગલે તેણે સ્કૂટી દૂર પાર્ક કર્યુ અને પછી અંદર પાર્સલ આપવા ગયો હતો. આ દરમિયાન સ્કૂટીમાં વિસ્ફોટ થયો હતો.

 

ધડાકા પછી પંજાબમાં રાજકીય વિવાદની આગ

 

નવીદિલ્હી,તા.6: પંજાબમાં થયેલા બે બોમ્બ ધડાકાનાં રાજકીય પડઘા વિસ્ફોટથી વધુ પ્રચંડ બની ગયા છે. પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માને આ હુમલાનું આળ ભાજપ ઉપર નાખીને મોટો રાજકીય વિવાદ ઉભો કરી દીધો છે. માને કહ્યું હતું કે, ધડાકાની તપાસ ચાલી રહી છે પણ આ ભાજપની પંજાબ વિધાનસભાની ચૂંટણીની તૈયારી છે. ભાજપ હિંસા અને ભય ફેલાવીને મત મેળવવા માગે છે અને તેણે આ બંધ કરવું જોઈએ. જેની સામે ભાજપે વળતો જવાબ આપતાં પંજાબનાં મુખ્યમંત્રીને આરોપોનાં પુરાવા આપવા અન્યથા મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાનો પડકાર ફેંકયો હતો. દરમિયાન નેશનલ કોન્ફરન્સનાં અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ પણ વિવાદિત વિધાન કરતાં કહ્યું હતું કે, હિન્દુસ્તાનમાં આવા ઘડાકા થતાં રહે છે અને તેમાં કોઈ નવી વાત નથી.  એકબાજુ પંજાબ પોલીસ આ બ્લાસ્ટ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાની સંભાવના દર્શાવી રહી છે ત્યારે ભગવંત માને આજે ભાજપ ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે, પંજાબે કાળા દિવસો બહુ જોઈ લીધા છે અને હવે આવું સહન કરવામાં નહીં આવે. ભાજપની આ કામ કરવાની પદ્ધતિ છે કે જે રાજ્યમાં ચૂંટણી હોય ત્યાં પહેલા દંગા-તોફાન કરાવવા, ધડાકા કરવા અને પછી ધર્મ અને જાતિનાં નામે લોકોને વિભાજિત કરી નાખવા. આ ભાજપની ચૂંટણી તૈયારી છે. તેમણે આગળ કહ્યું હતું કે, કાયદો-વ્યવસ્થા રાજ્યમાં જળવાઈ રહેશે અને દોષિતોને કઠોર સજા થશે.

ભગવંત માનનાં આ નિવેદન પછી ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડે કહ્યું હતું કે, જલંધર અને અમૃતસરમાં થયેલા ધડાકા ગંભીર ચિંતાનો વિષય છે પણ મુખ્યમંત્રીનું નિવેદન તેનાં કરતાં ય વધુ ચિંતાજનક છે. પંજાબનાં ડીજીપી આ હુમલા પાછળ આઈએસઆઈનો હાથ હોવાનું કહે છે પણ મુખ્યમંત્રી રાજકારણથી પ્રેરિત બેજવાબદાર નિવેદન કરી રહ્યાં છે. તે ગભરાટમાં અને ખુરશી ગુમાવવાનાં ભયમાં આવા નિવેદન આપે છે. તો કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુએ માનને પડકાર ફેંકતા કહ્યું હતું કે, દમ હોય તો ભાજપ અને પોતાની સામે એફઆઈઆર દાખલ કરીને બતાવે.

ઇ-પેપરના નવા શુલ્ક