• સોમવાર, 18 મે, 2026

ઈરાન-અમેરિકા વચ્ચે 48 કલાકમાં સમાધાન સંભવ ?

નવીદિલ્હી, તા.6: અમેરિકા અને ઈરાન વચ્ચે જંગ સમાપ્ત થવાની આશા અને સંભાવના પ્રબળ બની છે. વ્હાઈટ હાઉસ ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા અને વ્યાપક પરમાણુ વાટાઘાટ માટે એક પાનાનાં સમજૂતી કરાર ઉપર સહમતી સાધવાનાં અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. અહેવાલો અનુસાર પ્રસ્તાવિત માળખામાં 14 સૂત્રીય સમજૂતી સામેલ છે અને તેનો ઉદ્દેશ તાત્કાલિક યુદ્ધવિરામ લાગુ કરવા અને આગામી 30 દિવસમાં પૂર્ણ સમજૂતી ઉપર પહોંચવાનો છે. આ સમજૂતી માટે હવે આગામી 48 કલાકને નિર્ણાયક માનવામાં આવી રહ્યાં છે.

આ સમાધાન અંતર્ગત ઈરાન પોતાનાં પરમાણુ સંવર્ધન કાર્યક્રમ ઉપર અલ્પકાલીન રોક મૂકવા તૈયાર છે. જેની સામે અમેરિકા ઈરાન ઉપર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવા અને અબજો ડોલરની સંપત્તિ મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરશે. આ ઉપરાંત બન્ને દેશ હોર્મુઝ જળમાર્ગને ખોલવા માટે સહયોગ કરશે. યુદ્ધનો અંત ઢૂંકડો દેખાડા વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલનાં ભાવમાં કડાકો બોલી ગયો હતો અને શેરબજારો પણ ઉછળી ગયા હતાં. યુદ્ધનાં અંતની આશા બતાવતા અહેવાલો અનુસાર અમેરિકા-ઈરાન વચ્ચે બાકીની શરતો આગળની વાટાઘાટો ઉપર નિર્ભર કરશે. જેનાં હિસાબે ઘર્ષણ કે લાંબી અનિશ્ચિતતાનો ખતરો હજી પણ યથાવત્ છે. સૂત્રોએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં સૈન્ય ગતિવિધિ ઘટાડવાનો નિર્ણય પણ આ કૂટનીતિક પ્રયાસોનું જ પરિણામ છે. આ કૂટનીતિનું નેતૃત્વ અમેરિકાનાં દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર કરી રહ્યાં છે અને તેઓ ત્રીજા પક્ષનાં માધ્યમથી તહેરાનનાં સંપર્કમાં પણ છે. જો બન્ને પક્ષ વચ્ચે એમઓયુ અધિકૃત રીતે સાકાર થાય તો યુદ્ધ સમાપ્તિની ઘોષણા કરવામાં આવશે અને આગળની ચર્ચાઓ ઈસ્લામાબાદ કે જીનીવામાં સ્થળાંતરિત થઈ જશે.

હવે બન્ને પક્ષ વચ્ચે વિવાદનો મુખ્ય વિષય ઈરાનનાં યુરેનિયમ સંવર્ધન ઉપર રોકની અવધિ છે. અમેરિકા આમાં 20 વર્ષનો સમય માગી રહ્યું છે પણ સામે પક્ષે ઈરાન માત્ર પાંચ વર્ષ માટે પરમાણુ સંવર્ધન રોકવા તૈયારી દેખાડી રહ્યું છે. હવે બન્ને પક્ષ વચ્ચે 12થી 1પ વર્ષની અવધિ મુદ્દે સમાધાન થવાની શક્યતા જોવાઈ રહી છે.

આ સમજૂતી પછી ઈરાનને 3.67 ટકા સુધી મર્યાદિત યુરેનિયમ સંવર્ધનની અનુમતિ મળી શકે છે પણ પરમાણુ શત્ર નહીં બનાવવાની સ્પષ્ટ બાંયધરી આપવી પડશે.

આ સમાધાન માટે હવે આગામી 48 કલાકને નિર્ણાયક માનવામાં આવી રહ્યાં છે. અમેરિકાનાં વિદેશમંત્રી માર્કો રુબિયોએ કહ્યું હતું કે, એક જ દિવસમાં આખી સમજૂતી લખવાની આવશ્યકતા નથી પણ જે વાતચીત કરવા અમે તૈયાર છીએ અને જે રાહતો શરૂઆતમાં આપી શકાય તેની સીમા સ્પષ્ટ હોવી જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક