જન ગણ મન જેવો જ દરજ્જો દેવાનો સરકારનો ફેંસલો; અપમાન બદલ જેલની સજા
નવી દિલ્હી, તા. 6 : કેન્દ્ર સરકારે ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ની સમાન દરજ્જો આપવાનો ફેંસલો કર્યો છે. બંગાળમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણવાળી કેબિનેટની પહેલી જ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
બેઠકમાં રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમમાં સુધારાના પ્રસ્તાવને મંજૂરી અપાઇ હતી.
બેઠકમાં લેવાયેલા ફેંસલા મુજબ બંકીમચંદ્ર રચિત વંદે માતરમ્માં પણ એ જ નિયમો લાગુ થશે જે અત્યારે રાષ્ટ્રગાનમાં છે.
મતલબ કે, વંદે માતરમ્નાં ગાયનમાં અવરોધ સર્જવા કે અપમાન કરવાની સ્થિતિમાં સજા થશે. રાષ્ટ્રીય ધ્વજ, બંધારણ, રાષ્ટ્રગાનનાં અપમાન બદલ અત્યારે જેલ, દંડની જોગવાઇ છે.
હવે આ તમામ જોગવાઇઓ વંદે માતરમ્નાં અપમાનમાં પણ લાગુ કરાશે. સરકાર વંદે માતરમ્નાં 150 વર્ષ પૂરાં થયાના અવસરે આ બદલાવ કરી રહી છે.
કાયદાની કલમ-3માં સુધારો કરાશે. આ કલમ હેઠળ રાષ્ટ્રગાનમાં વિઘ્ન સર્જનાર વ્યક્તિને ત્રણ વર્ષની જેલ, દંડ અથવા બન્ને સજા થઇ શકે છે.
બીજીવાર અપરાધ કરવા પર કમ સે કમ એક વર્ષની જેલની સજાની જોગવાઇ છે. સુધારા બાદ આ નિયમ વંદે માતરમ્ પર પર પણ લાગુ થશે.