• સોમવાર, 18 મે, 2026

ધો.10નું છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ 83.86 ટકા પરિણામ


સમોવડી નહીં ચડિયાતી : વિદ્યાર્થિનીઓનું 88.28 ટકા, વિદ્યાર્થીઓનું 80.12 ટકા પરિણામ

નર્મદા જિલ્લો 90.85% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ

 

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, રાજકોટ, તા.6  : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે  ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ 83.86% જાહેર કરવામાં આવ્યું હતું, જે ગત વર્ષના 83.08% કરતા 1.30% વધારો દર્શાવે છે, તેમજ બોર્ડના ઈતિહાસમાં સૌથી વધારે છે. અલબત્ત, વર્ષ 2021માં કોરોનાને કારણે તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામા આવતા 100 ટકા પરિણામ જાહેર કરાયું હતું. જે સામાન્ય પરિસ્થિતિમાં લેવાયેલી પરીક્ષાના વર્ષોમાં અપવાદ છે.

આ વર્ષે માર્ચમાં યોજાયેલી પરીક્ષામાં કુલ 7,56,392 નિયમિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આ વર્ષે પણ બોર્ડના પરિણામમાં કન્યાઓ સમોવડી નહીં પરંતુ ચડિયાતી સાબિત થઈ હતી. ધો. 10માં વિદ્યાર્થીઓનું પરિણામ 80.12 ટકા આવ્યું છે જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 88.28 ટકા આવતા 8.16 ટકા વધુ છે. શિક્ષણ મંત્રીએ તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

 નર્મદા જિલ્લો 90.85% સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જે શિક્ષણના ક્ષેત્રે આદિવાસી બહુલ વિસ્તારની મોટી સિદ્ધિ માનવામાં આવે છે. બીજી તરફ, પંચમહાલ જિલ્લાનું પરિણામ 76.42% સાથે રાજ્યમાં સૌથી નીચું રહ્યું છે, જોકે ગત વર્ષ કરતા ત્યાં પણ 2.82% નો સુધારો જોવા મળ્યો છે. ગાંધીનગર જિલ્લાના આજોલ કેન્દ્રે 100% પરિણામ મેળવીને રાજ્યમાં ડંકો વગાડયો છે જ્યારે દાહોદ જિલ્લાનું મુનખોસલા કેન્દ્ર 33.74% પરિણામ સાથે રાજ્યમાં સૌથી નબળું કેન્દ્ર સાબિત થયું છે.

રાજકોટ જિલ્લામાં પણ સતત ત્રીજા વર્ષે પરિણામમાં ઉતરોતર વધારો જોવા મળ્યો છે, જે આ વર્ષે 88.11% સુધી પહોંચ્યું છે.

 આ વર્ષે અ1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં વધારો થયો છે. જે વિદ્યાર્થીઓની સફળતા દરમાં સુધારો દર્શાવે છે. 2025માં 28055 વિદ્યાર્થીઓ હતાં જે આ વખતે 35508 વિદ્યાર્થીઓએ અ1 ગ્રેડ મેળવ્યો છે. આમ, ગત વર્ષ કરતા 7453 વિદ્યાર્થીઓ અ1 ગ્રેડ મેળવનાર વધ્યા છે. માધ્યમ પ્રમાણે જોઇએ તો, અંગ્રેજી માધ્યમનું 92.50% પરિણામ, જ્યારે ગુજરાતી માધ્યમનું 82.67% પરિણામ રહ્યું છે.

બેઝિક ગણિતમાં કુલ 1,06,504 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થયા છે જ્યારે 3,529 વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત વિષયમાં જ 100માંથી 100 માર્ક્સ મેળવીને અસાધારણ પ્રતિભા પણ દર્શાવી છે. વિજ્ઞાન વિષયમાં 8,250 અને સામાજિક વિજ્ઞાનમાં 2,943 વિદ્યાર્થીઓએ પૂર્ણ ગુણ પ્રાપ્ત કર્યા છે. અંગ્રેજી વિષયમાં સમગ્ર રાજ્યમાં માત્ર 1 વિદ્યાર્થી 100 માંથી 100 માર્ક્સ લાવવામાં સફળ રહ્યો છે.

ધોરણ 10ની આ પરીક્ષામાં કુલ 1,83,674 અનુત્તીર્ણ  થયા છે, જેમાં 1,22,065 નિયમિત વિદ્યાર્થીઓ, 44,806 રિપીટર વિદ્યાર્થીઓ અને 16,763 ખાનગી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.       

અનુત્તિર્ણ વિદ્યાર્થીઓ માટે જૂન-2026માં બેસ્ટ ઓફ ટુ પદ્ધતિ સાથે પૂરક પરીક્ષા યોજાશે.

 

છેલ્લા 10 વર્ષનું પરિણામ

2017   68.24

2018   67.50

2019   66.97

2020   60.64

2021   માસ પ્રમોશન

2022   65.18

2023   64.62

2024   82.56

2025   83.08

2026   83.86

 

રાજયમાં 1697 શાળાનું 100 ટકા,

39 શાળાનું શૂન્ય ટકા પરિણામ

રાજ્યમાં 1,697 શાળાઓએ 100% પરિણામ નોંધાવ્યું છે, જ્યારે 39 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા રહ્યું છે. માધ્યમ મુજબ અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50% અને ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67% નોંધાયું છે. ગત વર્ષે 100% પરિણામ ધરાવતી 1574 શાળાઓ હતી જેમાં વધારો થતા આ વર્ષે 1697 શાળાઓમાં 100% પરિણામ આવ્યું છે. તો ગત વર્ષે 45 શાળાઓનું 0% પરિણામ આવ્યું હતું જે ઘટીને આ વર્ષે માત્ર 39 શાળાઓનું જ 0% પરિણામ આવ્યું હતું.

 

બેઝિક મેથ્સ અને વિજ્ઞાનમાં એક લાખ જેટલા વિદ્યાર્થી અનુત્તીર્ણ

બેઝિક મેથ્સમાં 1 લાખ 6 હજાર 504 અને વિજ્ઞાનમાં 94,645 વિદ્યાર્થી અનુત્તીર્ણ થતાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે. જેથી મેરિટ લિસ્ટ પણ નીચું રહેવાની શક્યતા છે. આથે સાયન્સમાં પ્રવેશ લેવો હોય તો તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ સરળતાથી મળી જશે, એવી સ્થિતિ અત્યારે જણાઈ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક