89.13 ટકા સાથે સૌરાષ્ટ્રમાં મોરબીએ ફરી મેદાન માર્યું, સૌરાષ્ટ્રમાં પોરબંદરમાં સૌથી ઓછું 79.59 ટકા : 88.11% સાથે રાજકોટનું ઉત્સાહજનક પરિણામ
રાજકોટ, ગાંધીનગર, તા. 6 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર કરાયેલા ધોરણ 10નાં પરિણામમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓનું સરેરાશ પરિણામ 76.38 ટકા આવ્યું છે. જે ગુજરાત બોર્ડના 83.86 ટકા પરિણામ કરતા 7.48 ટકા જેટલા નોંધપાત્ર સ્તરે નીચું છે. ધોરણ 12 સાયન્સની જેમ મોરબી જિલ્લો ફરીથી સારું પરિણામ મેળવવામાં સૌરાષ્ટ્રમાં અગ્રેસર રહ્યો છે. સૌરાષ્ટ્રમાં મોરબીનું સૌથી વધારે 89.13 ટકા જ્યારે સૌથી ઓછું પોરબંદરનું 79.59 ટકા પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લાએ 88.11 ટકા ઉત્સાહજનક પરિણામ મેળવ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારનું પરિણામ બતાવે છે કે ઘણા જિલ્લાઓમાં ઉચ્ચ પ્રદર્શન કરનારા કેન્દ્રોએ કુલ જિલ્લાવાર ટકાવારીને મજબૂત બનાવી છે પરંતુ અનેક વિસ્તારોમાં હજુ કેન્દ્રવાર અસમાનતા નોંધપાત્ર છે. ઉચ્ચ પરિણામ આપતાં કેન્દ્રોના મોડેલનો અભ્યાસ કરીને નીચું પરિણામ ધરાવતાં કેન્દ્રોમાં શૈક્ષણિક સહાય, માર્ગદર્શન અને ગુણવત્તાસભર હસ્તક્ષેપ વધારવામાં આવે તો આગામી વર્ષોમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારનું પરિણામ વધુ સંતુલિત અને મજબૂત બની શકે છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં માર્ચ 2026ના પરીક્ષાફળમાં અનેક જિલ્લાઓમાં 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા નોંધપાત્ર રહી છે. જેમાં રાજકોટ 130 શાળા સાથે અગ્ર સ્થાને છે, ત્યારબાદ કચ્છની 112, ભાવનગરની 67, સુરેન્દ્રનગરની 55 અને મોરબીની 43 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે.
જેની સામે 7% પરિણામ ધરાવતી શાળાઓ પણ છે. જોકે તેની સંખ્યા બહુ ઓછી છે એમા પણ બોટાદ, મોરબી તથા દેવભૂમિ દ્વારકામાં એકપણ આવી શાળા નથી, જેનું પરિણામ 0 ટકા હોય, આ સકારાત્મક સંકેત છે જ્યારે 30%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓમાં જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ 11 શાળાનો સમાવેશ થાય છે.
જોકે સૌરાષ્ટ્ર-કચ્છના ઘણા જિલ્લાઓમાં સુધારો જોવા મળે છે. રાજકોટમાં 100 ટકા પરિણામવાળી શાળાઓની સંખ્યા 122 પરથી વધીને 130 થઈ છે જ્યારે કચ્છમાં 118 પરથી 112 થતો થોડો ઘટાડો નોંધાયો છે. ભાવનગરમાં 60 પરથી 67, સુરેન્દ્રનગરમાં 51 પરથી 55 અને મોરબીમાં 33 પરથી 43 સુધી વધારો નોંધાતા ગુણવત્તાસભર શૈક્ષણિક પ્રગતિનો સંકેત મળે છે.
રાજકોટમાં ત્રણ શાળાનું 0 ટકા પરિણામ
બોટાદ, મોરબી અને દેવભૂમિ દ્વારકામાં એકપણ 0 ટકા પરિણામવાળી શાળા નોંધાઈ નથી, જ્યારે જામનગર, કચ્છ, ભાવનગર, અમરેલી અને પોરબંદરમાં 1 શાળા આ શ્રેણીમાં નોંધાઈ છે. રાજકોટમાં 3, જૂનાગઢમાં 2, ગીર સોમનાથમાં 1 અને સુરેન્દ્રનગરમાં 2 શાળા 0 ટકા પરિણામ ધરાવતી નોંધાઈ છે.
જિલ્લો પરિણામ
મોરબી 89.13
રાજકોટ 88.11
સુરેન્દ્રનગર 88.02
બોટાદ 87.59
ભાવનગર 86.06
જામનગર 85.08
જૂનાગઢ 83.36
સોમનાથ 82.34
દ્વારકા 80.28
પોરબંદર 79.59
અમરેલી 79.75
સરેરાશ 76.38
કયા જિલ્લાની કેટલી શાળાનું કેટલા ટકા પરિણામ ?
જિલ્લો 100% 0% 30%થી ઓછું
રાજકોટ 130 3 9
ભાવનગર 67 1 2
સુરેન્દ્રનગર 55 2 5
જામનગર 38 1 4
જૂનાગઢ 40 2 11
અમરેલી 32 1 1
મોરબી 43 0 2
બોટાદ 20 0 0
દેવભૂમિ દ્વારકા 26 0 1
ગીર સોમનાથ 29 1 4
પોરબંદર 10 1 0